બુતલેરલ, એલેક્ઝાન્દ્ર મિખાઇલોવિચ (જ. 6 સપ્ટેમ્બર 1828, ચિસ્ટાપોલ, રશિયા; અ. 17 ઑગસ્ટ 1886, બુનલેરોવ્કા, રશિયા) : રસાયણશાસ્ત્રમાં સંરચના સિદ્ધાંતને – ખાસ કરીને ચલાવયવતા(tautomerism)ને અનુલક્ષીને વિકસાવનાર રશિયન રસાયણવિદ્. કાઝાન વિશ્વવિદ્યાલયમાં 1849માં જોડાઈને ફ્રેન્ચ રસાયણજ્ઞો ઑગસ્ટે લૉરેન્ટ તથા ચાર્લ્સ ગર્હાર્ટના નવા સિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કરીને કેટલાંક જાણીતાં તથા અવનવાં સંયોજનોના સંશ્લેષણ માટે તેમણે તદ્દન નવી જ રીતો સફળતાપૂર્વક અજમાવી.
1861માં બુતલેરલે રાસાયણિક બંધારણ અંગેના તેમના મૌલિક ખ્યાલો રજૂ કર્યા. તે પ્રમાણે અણુની રાસાયણિક પ્રકૃતિ માત્ર તેમાં વિવિધ સંખ્યામાં આવેલા વિવિધ પ્રકારના પરમાણુઓ ઉપર જ નહિ, પરંતુ તેઓની અવકાશીય રચના ઉપર પણ આધારિત હોય છે. તેમણે સમઘટકો અંગેની માત્ર આગાહી કરી; એટલું જ નહિ, પણ બ્યુટેનના બે તથા પેન્ટેનના ત્રણ સમઘટકો અલગ તારવી બતાવ્યા. 1866માં તેમણે આઇસોબ્યુટેનનું સંશ્લેષણ કર્યું તથા 1868માં અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો ગુણક-બંધો ધરાવે છે તેમ શોધી કાઢ્યું.
બુતલેરલનો રાસાયણિક બંધારણના સિદ્ધાંતો વિકસાવવામાં સિંહફાળો ગણવામાં આવે છે અને ચલાવયવતા તેમજ બંધારણીય રીતે સમાન સંયોજનોનાં આંતરપરિવર્તન અંગે તેમનાં મૂળભૂત સંશોધનો આજે પણ પ્રમાણભૂત ગણાય છે.
જ. પો. ત્રિવેદી