બીલી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aegle marmelos (Linn.) correa ex Roxb. (સં. बिल्व, महाकपित्थ; હિં. બં. મ. बेल; ગુ. બીલી, અં. Bael tree) છે. તે મધ્યમ કદનું 6.0 મી. થી 7.5 મી. ઊંચું અને 90.0 સેમી.થી 120.0 સેમી.નો ઘેરાવો ધરાવતું નાજુક વૃક્ષ છે. મુખ્ય થડ કેટલેક અંશે ખાંચવાળું (fluted) અને 3.0 મી.થી 4.5 મી. લાંબું હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી સર્વત્ર થાય છે અને પશ્ચિમ હિમાલય, વિંધ્ય, સાતપુડા, બંગાળ, બિહાર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. તેનાં પર્ણો અને કાષ્ઠ પૂજામાં વપરાતાં હોવાથી અને ખાદ્ય ફળ સ્થાનિક ઔષધિ તરીકે વપરાતાં હોવાથી હિંદુ મંદિરોમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેની છાલ નરમ અને આછી ભૂખરી હોય છે અને અપશલ્કિત (exfoliate) થતાં તેની અનિયમિત પતરીઓ પડે છે. પર્ણો ત્રિપંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે અને તીક્ષ્ણ, 2.5 સેમી. લાંબા દ્વિશાખિત કક્ષીય કંટકો ધરાવે છે. પર્ણિકાઓ અંડાકાર અથવા અંડાકાર–ભાલાકાર (ovate – lanceolate), કુંઠદંતી (crenate) અને તીક્ષ્ણ (acuminate) હોય છે. પાર્શ્વીય પર્ણિકાઓ અદંડી હોય છે અને ટોચ પરની પર્ણિકા લાંબો દંડ ધરાવે છે. પુષ્પો મોટાં, લીલાશ પડતાં સફેદ, મીઠી સુવાસવાળાં હોય છે અને કક્ષીય લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળાકાર, ભૂખરાં અથવા પીળાશ પડતા રંગનાં હોય છે. ફળની છાલ કાષ્ઠમય હોય છે. બીજ અસંખ્ય, લંબચોરસ અને ચપટાં હોય છે અને નારંગી રંગના મીઠા ગર વડે આવરિત કોથળીઓમાં ખૂંપેલાં હોય છે.

બીલી ઉપહિમાલય (sub Himalayan) પ્રદેશોમાં અને મધ્યભારત અને દક્ષિણ ભારતનાં શુષ્ક પર્ણપાતી જંગલોમાં Acacia catechu (ખેર બાવળ), Anogeissus latifolia Wall. (ધાવડો), Bauhinia racemosa Lam. (આશેત્રી, આસુંદરો), Bridelia retusa Spreng. (આસન, મોંજ), Butea monosperma Kuntze (ખાખરો, પલાશ), Dalhergia latifolia Roxb. (સીસમ) અને Diospyros melanoxylon Roxb. (ટીમરુ)ની સાથે વન્ય અવસ્થામાં થાય છે.

તે વિવિધ પ્રકારની ભૂમિમાં અને આબોહવાકીય પરિસ્થિતિઓમાં અને 5થી 10 pHમાં થાય છે. મોટાભાગની જાતિઓ માટે પ્રતિકૂળ હોય તેવાં શુષ્ક સ્થાનોએ પણ તે ઊગે છે. તે હિમ-અવરોધક (frost-resistent) છે અને –7° સે. જેટલું નીચું તાપમાન પણ તે સહન કરી શકે છે. વળી 570 મિમી.થી 2,000 મિમી. વાર્ષિક વરસાદવાળા પ્રદેશોમાં થાય છે. તેની શુષ્ક, સખત અને આલ્કેલાઇન ભૂમિમાં ઊગવાની ક્ષમતાને લીધે ઊસર ભૂમિ(wasteland)ના ઉદ્ધાર (reclamation) માટે અને ઉત્તર ભારતમાં વાતરોધ (wind-break)  માટે તેની ભલામણ કરવામાં આવે છે.

Xanthomonas bilvae patel et al. બીલીનાં પર્ણો, શાખાઓ, ફળ અને કાંટાઓને ચેપ લગાડે છે; જેથી વિસ્ફોટ-છિદ્ર (shot hole) અને ફળના પ્રવ્રણ(canker)નો રોગ થાય છે. Cercospora aeglemarmeli Mathur et al. અને C. aeglicola S. Dar દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે. Aspergillus spp. દ્વારા ફળોને સૂકો સડો, A. nidulans દ્વારા લીલો સડો, A. niger van Tiegh દ્વારા કાળો સડો, Fusarium solani દ્વારા પોચો સડો અને Botrytis cinerea Pers. ex Fr. દ્વારા રાતો સડો થાય છે.

બીલીનાં પર્ણ, પુષ્પ અને ફળ

બીલીને કેટલાક કીટકો દ્વારા નુકસાન પહોંચે છે. Papilio deroleus Linn. અને P. erithonius Cramerની ઇયળો તરુણ પર્ણો અને પ્રરોહ ખાઈ જાય છે. P. demoleusનું નિયંત્રણ ઍન્ડ્રિન (0.02 %) દ્વારા કરવામાં આવે છે. Phyllocnistis citrella Stainton અને Schistocera gregaria Forsk.ની ઇયળો પ્રકાંડ અને પર્ણના અધિસ્તર પરથી પોષણ મેળવે છે. Amblirrhynus poricollis Schonherr, Aspidotus orientalis Newstead., Lecanium (coccus) colemanii Kann., L. viride Green., Myllocreus discolor Boheman અને Parlatoria pergandii Comstock જેવી ભમરાની જાતિઓ વનસ્પતિના રસ પર જીવે છે અને વૃક્ષોનું વિપત્રણ (defoliation) કરે છે. Argynoploce illepida Butler, Chaetodacus zonatus Saund., Euzophera niveicostella Hampson. અને E. plumbeifasciella Hampson ફળ કોરી ખાય છે. બીલી પર Dendophthoe falcata (વાંદો) નામની અર્ધપરોપજીવી આવૃતબીજધારી વનસ્પતિ પણ થાય છે અને તેને નુકસાન કરે છે.

એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તેના ફળનું બંધારણ આ પ્રમાણે છે : ભેજ 61.5 %, પ્રોટીન 1.8 %, મેદ 0.3 %, કાર્બોદિતો 31.8 % અને રેસાઓ 2.9 %, કૅલ્શિયમ 85.0 મિગ્રા. ફૉસ્ફરસ 50.0 મિગ્રા., લોહ 0.6 મિગ્રા., થાયેમિન 0.13 મિગ્રા., રાઇબોફ્લૅવિન 1.2 મિગ્રા., નાયેસિન 1.1 મિગ્રા., ઑક્સૅલિક ઍસિડ 18.7 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 8.0 મિગ્રા./100 ગ્રા., કૅરોટિન 55 માઇક્રોગ્રા. / 100 ગ્રા. અને કૅલરીમૂલ્ય 137 કિકે./ 100 ગ્રા. ફળમાં ઍલો ઇમ્પેરેટોરિન, માર્મેલોસિન અને β–સિટોસ્ટૅરોલ હોય છે. તે માર્મેલાઇડ (C16H14O4) ધરાવે છે. તે ઇમ્પેરેટોરિનનો સમઘટક (isomer) છે અને ટાયરોસિનેઝ ઉત્સેચકને ઉત્તેજે છે અને ટ્રિપ્ટોફેન પાયરોલેઝને અવરોધે છે. અંકુરણ-અવરોધક (germination-inhibiter) સોરેલિન અને ટેનિક ઍસિડની હાજરી પણ નોંધાઈ છે. ફળ અને તેની છાલમાં ટેનિન અનુક્રમે 7 %થી 9 % અને 18 %થી 22 % હોય છે. ફળ દ્વારા 2 % જેટલો સૂકો જલદ્રાવ્ય ગુંદર ઉત્પન્ન થાય છે. ગુંદરના જલીકરણથી ગેલેક્ટોઝ 20.4 %, ઍરેબિનોઝ 10.7 %, ડી–ગૅલેક્ચ્યુરોનિક ઍસિડ 25.2 % અને અતિ અલ્પ પ્રમાણમાં રહેમ્નોઝ પ્રાપ્ત થાય છે. પ્રકાંડ પણ બાવળના ગુંદર જેવો ગુંદર ઉત્પન્ન કરે છે. કાચાં ફળોની છાલમાંથી પીળો રંગ મળે છે.

તેનાં કાચાં ફળોનું શાક અને અથાણું કરવામાં આવે છે. પાકેલાં બીલાંનો સ્વાદ ગળચટો લાગે છે, જેને ગરીબ લોકો ખાય છે. બીલીની છાયા ઘણી જ શીતળ અને આરોગ્યકારક હોય છે. તેનાં ફળો કોઠી (Feronia limonia [Linn.] Swingle) અને કોકમ (Garcinia mangostana Linn.)ની અવેજીમાં વપરાય છે. તેનાં કાચાં ફળો રાનીખેત વાઇરસ સામે પ્રતિ-વાઇરસ સક્રિયતા અને ન્યૂનમધુરક્ત (hypoglycaemic) સક્રિયતા દાખવે છે. કરમિયા (Ascaris lumbricoides Linn.) Entamoeba histolytica અને Girardia sp. જેવા આંત્ર પરોપજીવીઓ સામે પણ તે સારાં પરિણામો આપે છે. તેનું કાષ્ઠ બહુ જ પવિત્ર મનાય છે અને તેને સુખડને સમકક્ષ ગણવામાં આવે છે. આયુર્વેદિક ઔષધ દશમૂળમાં તેના વૃક્ષની છાલ લેવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર તે મધુર, હૃદ્ય, તૂરી, રુચિકર, દીપન, ઉષ્ણ, ગ્રાહક, રુક્ષ, કડવી, તીખી અને પાચક છે અને વાતાતિસાર તથા જ્વરનો નાશ કરે છે. તેનું મૂળ અથવા છાલ જ્ઞાનતંતુ માટે શામક છે. તે વાતરોગ, હૃદયનું અતિ ધડકવું, જ્વર, ઉદાસીનતા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે. તેનો કાઢો લેવાથી થોડોક કેફ ચઢે છે. તેનાં કુમળાં ફળ – સ્નિગ્ધ, ગુરુ, ગ્રાહક, દીપન, પાચક, કડવાં, ઉષ્ણ અને તૂરાં હોય છે અને શૂળ, આમવાત, સંગ્રહણી તથા કફાતિસારનો નાશ કરે છે. તેનાં પાકાં ફળ – દાહક, મધુર, તૂરાં, વિષ્ટંભકારક, કડવાં, ગ્રાહક, તીખાં, ઉષ્ણ, દુર્જર અને વાતલ અને અગ્નિમાંદ્યકારક હોય છે. તેનાં જૂનાં ફળ મધુર, તૂરાં, જડ, તીખાં, ઉષ્ણ, સંગ્રાહી, તીક્ષ્ણ, દીપન, ભૂખવર્ધક, પાચક અને હૃદ્ય હોય છે અને કફ તથા વાયુનાં નાશક હોય છે. તેનાં પર્ણો ગ્રાહક અને વાતનાશક હોય છે. બીલી રક્તસ્તંભક, કફહર, પેશાબ અને લોહીની શર્કરા ઘટાડનાર, ઝાડા, મરડો, લોહીના ઝાડા, મધુપ્રમેહ, શ્વેતપ્રદર, વધુ માસિકસ્રાવ તથા દૂઝતા મસા મટાડનાર છે.

બીલીમાંથી બિલ્વાદિ ચૂર્ણ, બિલ્વપંચક ક્વાથ, બિલ્વાવલેહ, બિલ્વાદિ તેલ જેવાં ખાસ ઝાડા-મરડાનાં ઔષધો બને છે.

તે આમ, ગુલ્મવાયુ, સર્પદંશ, અમ્લપિત્તથી થતી ગળામાંની બળતરા, બહેરાશ, આમસંગ્રહણી, ઊલટી, વિષમજ્વર, ધાતુની નબળાઈ, મેદરોગ, અંગની દુર્ગંધી, સોજા, મલબદ્ધતા, મૂળ-વ્યાધિ, વિષૂચિકા (કૉલેરા), કમળો, ચાતુર્થિક જ્વર, જીર્ણજ્વર વગેરેમાં ઉપયોગી છે.

તેનું કાષ્ઠ પ્રથમ વાર ખુલ્લું થાય ત્યારે તે આછું પીળું અને અતિસુરભિત (aromatic) હોય છે. પાછળથી તે પીળાશ પડતું ભૂખરું અથવા ભૂખરા-સફેદ બને છે. અંત:કાષ્ઠ (heartwood) હોતું નથી. તે સ્વાદરહિત, લીસું, ભારે (વિ. ગુ. 0.89; વજન 912 કિગ્રા./ઘમી.), સખત, સુરેખ-કણીદાર (straight-grained) અથવા અરીય સમતલમાં કેટલીક વાર કુંચિત કણીદાર (curly grained) અને સૂક્ષ્મ ગઠનવાળું હોય છે. તે સરળતાથી વહેરી શકાય છે અને નૈસર્ગિક રીતે 24થી 59 માસ સુધી ટકી શકે છે. તેનું સંશોષણ સહેલાઈથી થતું નથી અને તેની સપાટીએ તિરાડો અને ખાડા પડે છે તથા તે વળી જાય છે. તેના કાષ્ઠના ગુણધર્મો સાગની તુલનામાં ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 130, પાટડાની મજબૂતાઈ 80, પાટડાની દુર્નમ્યતા (stiffness)  80; સ્તંભની ઉપયુક્તતા 80, આઘાત-અવરોધશક્તિ 90, આકારની જાળવણી 60; અપરૂપણ (shear) 165, અને કઠોરતા 185.

તેનું પ્રકાષ્ઠ (timber) સામાન્ય રીતે તેલ અને ખાંડની મિલોમાં દસ્તા બનાવવા માટે, થાંભલા, દંડ, ગાડાની ધરી અને નાભ બનાવવામાં વપરાય છે. આસામમાં તે કોતરકામમાં અને ગુજરાતમાં રાચરચીલું બનાવવામાં વપરાય છે. કેરળમાં તેનો ઉપયોગ તરાપા અને માછીમારી માટેની હોડીઓ બનાવવામાં થાય છે. પૂજા અને યજ્ઞમાં પવિત્ર કાષ્ઠ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે હાથાઓ અને ખેતી માટેનાં ઓજારો બનાવવામાં પણ ઉપયોગી છે. તેના માવામાંથી સંવેષ્ટન માટેનો કાગળ બનાવાય છે.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ