બીલીમોરા : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અંબિકા, ખરેરા અને કાવેરી નદીઓના ત્રિવેણીસંગમ પર આવેલું નગર અને લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 20° 46´ ઉ. અ. અને 72° 58´ પૂ. રે. પર આવેલું છે. નવસારીથી તે 25.6 કિમી., તાલુકામથક ગણદેવીથી 17 કિમી. અને મુંબઈથી 193 કિમી. અંતરે આવેલું છે. બીલી અને મોરા જેવાં બે નજીક નજીકનાં ગામો વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વિકસીને એક થયાં હશે તે પરથી તેનું નામ બીલીમોરા પડ્યું હોવાનું જણાય છે. તે ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે. ક્લૉડિયસ ટૉલેમીએ(ઈ.સ. 160–180) બીલીમોરાનો સર્વપ્રથમ ઉલ્લેખ પૌલી પોલા તરીકે કરેલો છે. બીજા એક મંતવ્ય પ્રમાણે અહીં બીલીનાં વૃક્ષોનાં ઝુંડ હતાં તથા મોરાનો અર્થ ટેકરા અને ઢોળાવો જેવો થાય છે, તેથી આ નગરનું નામ બીલીમોરા પડ્યું હશે, કારણ કે હાલ પણ અહીં બીલીનાં વૃક્ષો તેમજ ટેકરા જોવા મળે છે.

બીલીમોરાની આજુબાજુના વિસ્તારમાં ડાંગર, જુવાર અને શેરડીની ખેતી થાય છે. અહીં કેળાં, ચીકુ અને આંબાની વાડીઓ આવેલી છે. અહીં સુતરાઉ અને રેશમી કાપડની તથા તેલ અને ચોખાની મિલો છે. વળી કાચ, સાબુ, મૅંગલોરી નળિયાં, ઈંટો, સિમેન્ટના પાઈપો અને જાળીઓ, ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, લૂમ, વીજાણુ સાધનો, પ્લાસ્ટિક, પ્લાયવુડ, ઇજનેરી સામાન, ડ્રિલિંગનાં યંત્રો તથા તેમના ભાગો, ખનિજતેલના કૂવા માટેની રિગો, કૃષિઓજારો, લેથ, બૉબિન, વગેરે બનાવવાનાં કારખાનાં તેમજ હીરા ઘસવાના 100 જેટલા એકમો છે. અહીંની ઔદ્યોગિક વસાહતમાં 60થી વઘુ વિવિધ પ્રકારના ઉદ્યોગોનાં કારખાનાં છે. વહાણો તથા મચ્છીમારી માટેની હોડીઓ બાંધવાના જહાજવાડા પણ છે. અહીં લાકડાં વહેરવાની અનેક મિલો છે. તેથી લાકડા તથા લોખંડનું રાચરચીલું, બળદગાડી, સિગરામ, ટાંગા, સુખડની આભૂષણ-પેટીઓ વગેરે અહીં બને છે. અહીંના પારસી કલાકાર સોરાબજી હાથીદાંત, અબનૂસ અને સુખડની કલાત્મક પેટીઓ બનાવતા હતા. બીલીમોરા મત્સ્ય-ઉદ્યોગનું પણ કેન્દ્ર છે.

બીલીમોરા એ મુંબઈ-વડોદરા-દિલ્હી બ્રૉડગેજ રેલમાર્ગ પરનું જંકશન છે. ડાંગ જિલ્લાના વઘાઈને જોડતો નૅરોગેજ રેલમાર્ગ અહીંથી પસાર થતો હોવાથી તે ડાંગ માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા નવસારી, વલસાડ, સૂરત, ચીખલી, વાંસદા, ગણદેવી જેવાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. આ ઉપરાંત તે લઘુ બંદર પણ છે. અગાઉ 5 ટન સુધીનાં વહાણો અહીં આવતાં હતાં. 1960 પહેલાં બીલીમોરા બંદરેથી 20,000 ટન જેટલા માલની આયાત-નિકાસ થતી હતી; તેમાં ક્રમશ: ઘટાડો થઈને 1975–76માં માત્ર 13 ટનની અને 1982–83માં 50 ટનની નિકાસ તથા 1985–86માં 656 ટનની આયાત થયેલી. તાજેતરમાં આ બંદરેથી આયાત-નિકાસ બંધ છે. અહીં બૂમલા પ્રકારનાં માછલાં પકડવામાં ઘણી હોડીઓ રોકાયેલી રહે છે. શિયાળામાં માછીમારો અહીંથી સૌરાષ્ટ્રનાં બંદરો સુધી માછીમારી માટે જાય છે.

મધ્યયુગ દરમિયાન અહીં મલબારી ચાંચિયાઓનું ખૂબ જોર હતું. તેઓ વેપારી વહાણો લૂંટી લેતા હતા. તેમને જેર કરવા ગાયકવાડ સરકારે અહીં નૌકાસૈન્યનું મથક સ્થાપ્યું હતું. તેની સ્મૃતિ તરીકે બંદર મહોલ્લામાં દાટેલી તોપ હમણાં સુધી હતી. બીલીમોરા બંદરનો વહીવટ ગણદેવીના દેસાઈ કરતા હતા અને તેમને વેરો નાખવાનો હક હતો. શ્રીમંત સયાજીરાવે 1885માં તે વેરો નાબૂદ કર્યો હતો.

બીલીમોરા બંદરેથી ડાંગનું લાકડું, વાંસ, વહેર, ચૂનો, પથ્થરો, કેરી, માછલી (બૂમલા), ગોળ, ઇજનેરી સામાન વગેરેની નિકાસ તથા અનાજ, સિંગતેલ, ડુંગળી, બૅન્ટોનાઇટ અને મીઠાની આયાત થતી હતી. બીલીમોરામાં 6 વાણિજ્ય-બૅંકો અને એક સહકારી બૅન્ક છે. અહીંના માર્કેટ યાર્ડમાં ખેતીની ઊપજની આવક અને વેચાણ થાય છે. શહેરમાં 10 પ્રાથમિક શાળાઓ, 3 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ટૅકનિકલ શાળા, વિજ્ઞાન-વિનયન અને વાણિજ્ય કૉલેજોનું સંકુલ, બાલમંદિરો, આંગણવાડી, પુસ્તકાલયો, શારીરિક શિક્ષણની તથા બી.એડ.ની કૉલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે.

અહીં સોમનાથનું મંદિર સોલંકીકાળ દરમિયાન 1216–18માં બંધાયેલું હતું. ચાર વાર તેનો જીર્ણોદ્ધાર થતાં પ્રાચીન કોતરકામ નષ્ટ થયું છે. અહીં સંન્યાસ આશ્રમ, સાંસ્કૃતિક સભાખંડ અને બગીચો છે. શ્રાવણી સોમવારના દિવસે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત ગાયત્રી, રાધા-કૃષ્ણ, ગંગા માતા અને હનુમાનજીનાં તથા જૈન ધર્મનાં મંદિરો છે. ત્રણ મસ્જિદો ઉપરાંત ગેબનશાહ પીરની અને એક અન્ય દરગાહ પણ છે. રંગ અવધૂત વાડીમાં રંગ અવધૂત મહારાજનું મંદિર, શિવમંદિર, આંગણવાડી, કુદરતી ઉપચારકેન્દ્ર, વનસ્પતિ-ઉદ્યાન, અવધૂત સ્વાસ્થ્ય કેન્દ્ર વગેરે આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર