બીર્ના, ઑગસ્ત મેરી ફ્રાંસ્વા
January, 2000
બીર્ના, ઑગસ્ત મેરી ફ્રાંસ્વા (જ. 1829; અ. 1912) : બેલ્જિયમના અગ્રણી ન્યાયાધીશ અને 1909ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા.
1830માં બેલ્જિયમ સ્વતંત્ર બંધારણીય રાજાશાહીમાં પરિણમ્યું. નેધરલૅન્ડના ભાગ તરીકે ઓળખાતા આ પ્રદેશે યુરોપનાં રાજ્યો વચ્ચે પરસ્પર તટસ્થતા સ્વીકારી હતી જેને બંને વિશ્વયુદ્ધ (1914–1918 અને 1939–1945)માં પડોશી જર્મનીએ પડકારી હતી. એટલે બીર્ના ફ્રાન્સવા માટે બેલ્જિયમને તટસ્થ રાખવા માટે જહેમત કરવી પડી. સરકારી ખાતાના કારકુન તરીકે તેમણે નોકરીની શરૂઆત કરી. 1873માં તેઓ સરકારના વ્યવસાયી સભ્ય બન્યા. 1884માં લિબરલ પાર્ટી માટે તેમણે ચળવળ ચલાવી, સરકાર બનાવી અને રાજાશાહી હોવા છતાં તેઓ તેના ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. તેમણે વડાપ્રધાન તરીકે 1894 સુધી બેલ્જિયમને તટસ્થ રાજ્ય તરીકે વિકસાવ્યું. 1839થી યુરોપીય રાજ્યો દ્વારા મળેલી તટસ્થતા ટકાવવા તેમણે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. વડાપ્રધાન તરીકે 1894માં નિવૃત્ત થયા પછી પણ તેમણે શાંતિ માટે કાર્ય ચાલુ રાખ્યું. પરિણામે વિશ્વમાં ઔદ્યોગિક દેશ તરીકે બેલ્જિયમ ખ્યાતિ પામ્યો. તેમની પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણ માટે વિશ્વસંમેલન ભરાયું જેમાં તેમણે વિવાદી રાજ્યો વચ્ચે યુદ્ધ પહેલાં ‘લવાદી’થી સમાધાન કરવાના પ્રયત્નો ઉપર ભાર મૂક્યો. તેમના પ્રયાસોથી જ હોલૅન્ડના હેગ નગરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત સ્થપાઈ. ત્યારપછી નિ:શસ્ત્રીકરણ માટે 1899 અને 1907માં હેગમાં ભરાયેલી બે પરિષદોમાં તેમણે સંબંધિત રાજ્યોનાં પોકળ પ્રવચનો, નકારાત્મક વલણ અને મિથ્યા વિવાદ તરફ ધ્યાન ખેચ્યું. દરિયાઈ યુદ્ધ દરમિયાન શત્રુની પકડાયેલ સંપત્તિની માલિકી બાબત તેમણે આક્રોશ વ્યક્ત કર્યો અને અમેરિકન પ્રસ્તાવ મુજબ પ્રતિબંધિત સામાન સિવાય સઘળી વસ્તુ પરાજિત રાજ્યને સોંપવા ભલામણ કરી. દરિયાઈ સંપત્તિની મુલકી સંપત્તિની વ્યવસ્થા મુજબ લેણદેણનો આગ્રહ રાખ્યો હતો. શાંતિનાં આ કાર્યો માટે તેમને 1909માં ફ્રાન્સના બાલ્લુએત સાથે સહભાગે નોબેલ પારિતોષિક મળ્યું હતું.
પુષ્કર ગોકાણી