બીરબલ (જ. 1528; અ. 1586) : મુઘલ બાદશાહ અકબરના દરબારનાં વિખ્યાત નરરત્નોમાંનું એક. તેનું મૂળ નામ મહેશદાસ કે બ્રહ્મદાસ હતું અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેનું મૂળ વતન કાલ્પી હતું. તે કવિ હતો. તેણે સંસ્કૃત, ફારસી અને હિંદી ભાષાનો અભ્યાસ કર્યો હતો.
તે હિંદીમાં કાવ્ય-રચના કરતો. ઈસવીસન 1573માં અકબરે તેને ‘કવિરાજ’ની ઉપાધિથી સન્માન્યો હતો તથા નગરકોટની જાગીર આપીને ‘બીરબલ’નું બિરુદ આપ્યું હતું. અકબર પર તેનો ઘણો જ પ્રભાવ હતો. બિન-મુસ્લિમ પ્રજા પ્રત્યે ઉદારનીતિ અપનાવી તેમાં બીરબલ અબુલ ફઝલ જેટલો જ જવાબદાર હતો. તેની ચતુરાઈ અને હાજર-જવાબીપણાને લીધે અકબર તેના પ્રત્યે ઘણો જ પ્રેમ ધરાવતો હતો. સમકાલીન ઇતિહાસકાર બદાયૂની, જેને અકબરની બીરબલ પ્રત્યેની લાગણી પસંદ ન હતી, તેણે પણ સ્વીકાર્યું છે કે બીરબલમાં અનેક ઉચ્ચ ગુણો હતા અને પોતાની વાકછટા અને ચતુરાઈથી તે સમ્રાટનો સ્નેહભાજન બન્યો હતો.
બીરબલના કુટુંબના બધા સભ્યો પુષ્ટિમાર્ગના અનુયાયી હતા. તેણે શ્રી વિઠ્ઠલનાથજીનો અકબર સાથે પરિચય કરાવ્યો હતો. બીરબલના પ્રયાસોથી તેમણે ઈ.સ. 1577માં અકબરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઈ.સ. 1581માં શ્રી વિઠ્ઠલનાથ, અકબરનું આમંત્રણ સ્વીકારીને ઇબાદતખાનાની ધર્મચર્ચાઓમાં ભાગ લેવા ફતેહપુર સિક્રી ગયા હતા. અકબરે સ્થાપેલા દીને ઇલાહીમાં જોડાયેલા લોકોની યાદી આઇને-અકબરીમાં દર્શાવી છે તેમાં બીરબલનો પણ સમાવેશ છે.
સમ્રાટ અકબરે બીરબલને મનસબદારી આપી હતી. રાજ્યના જે ઉચ્ચ હોદ્દાઓ હિંદુઓને પ્રાપ્ત થયા હતા તેમાં પાંચ હજારની મનસબ ધરાવનાર બીરબલ હતો. તે દીવાની ન્યાયતંત્રનો મુખ્ય ન્યાયાધીશ હતો.
ઈ.સ. 1585માં અફઘાનિસ્તાનની યૂસુફઝાઈ જાતિના દમન માટે શાહી લશ્કર મોકલવામાં આવ્યું હતું તેમાં બીરબલ સામેલ હતો. આ લશ્કર પર યૂસુફઝાઈઓએ અચાનક હુમલો કરતાં લશ્કરના 12 અધિકારીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં બીરબલનો પણ સમાવેશ થતો હતો. બીરબલના અવસાનથી અકબરને ઘણો આઘાત લાગ્યો હતો અને બે દિવસ સુધી સમ્રાટે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. છેવટે તેની માતા અને અમીરોની સમજાવટ બાદ તેનો શોક શાંત થયો હતો.
ઉષાકાન્ત શાસ્ત્રી