બીબું (block) : ધાતુનો કે લાકડાનો નાનો લંબઘન ટુકડો, જેની કોતરણી વડે ઉપસાવેલી સપાટી ઉપર શાહી ચોપડીને તેના ઉપર કોરો કાગળ દબાવીને લખાણ અથવા ચિત્રની પ્રતિકૃતિઓ મેળવવામાં આવે છે. અક્ષરો માટેનાં બીબાં સીસાની મિશ્રધાતુનાં બનાવવામાં આવે છે. ચિત્રો માટેનાં બીબાં જસતનાં કે તાંબાનાં પતરાં ઉપર વિશેષ પ્રક્રિયાથી બનાવીને બીબાંમાપની ઊંચાઈના લાકડાના ટુકડા ઉપર ચોડવામાં આવે છે. અક્ષરનાં ધાતુનાં બીબાંને ટાઇપ કે છાપવાના ટાઇપ (printing type) પણ કહે છે. ચિત્રો છાપવાના બીબાને બ્લૉક કે છાપવાનો બ્લૉક (printing block) પણ કહે છે.
મુદ્રણકળાનો ઇતિહાસ એક રીતે બીબાંનો ઇતિહાસ છે. લખવાની કળાની શોધ થયા પછી પોતે જે જોયું, જાણ્યું, વિચાર્યું હોય તેને લેખિત રૂપ આપવાની ઇચ્છા માણસને થાય તે સ્વાભાવિક હતું. પથ્થર તથા હાડકાં પર કોતરણી કરીને તેમને ભીની માટીમાં દાબીને લખાણ કે ચિત્રની છાપ ઉપસાવવાના પ્રયત્ન સાથે મુદ્રણકળાનો ઉદભવ થયો. ભારતે કાપડની શોધ કરી તે પછી આવાં લાકડાંનાં કે શિલાનાં બીબાં પ્રાકૃતિક રંગો–ગેરુ, મેંદી, ગળી, હળદર, હીરાકશી, આદિ–વાળાં કરીને કાપડ ઉપર છાપ મેળવવાની પ્રવૃત્તિને દિશા મળી. બીજી બાજુ ચીનમાં ઈ. સ. 105ના અરસામાં ચાઈ લુને કાગળની શોધ કરી. તેથી લાકડાનાં બીબાં વડે કાગળ ઉપર છાપવાનું કાર્ય સરળ બન્યું. પુસ્તક છાપવા માટે જોકે આ પદ્ધતિ વ્યાપક બની શકી નહિ. દરેક પાના માટે એક એમ જેટલાં પાનાં તેટલાં છૂટાં બીબાં કોતરવાં પડતાં. તેમાં ભૂલ રહી જાય અથવા તૂટફૂટ થાય તો તે પાનાનું બીબું નવેસરથી બનાવવું પડતું. 1045માં પી શેંગ નામના ચીની મુદ્રકે માટીનું છૂટા અક્ષરનું બીબું બનાવી, આવાં છૂટાં બીબાં વડે પાનાં ગોઠવીને છાપવાની પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિ પણ ચાલી નહિ. ચીની ભાષામાં હજારો મૂળાક્ષરો છે. તે બધા માટે ભિન્ન બીબાં બનાવવાં, તેમને સાચવવાં તથા તેમના વડે પાનું બાંધવું એ કામ ધાર્યા જેવું સરળ નીવડ્યું નહિ. આમ, એક ઉપયોગી શોધ ભાષાની વિચિત્રતાને કારણે ભુલાવા લાગી.
આ બાજુ યુરોપમાં આ બધો સમય પુસ્તકો લહિયાઓ દ્વારા હાથ વડે લખાતાં રહ્યાં. તેરમી સદીના અંતિમ દાયકાઓમાં વેનિસના માર્કો પોલોએ મધ્ય એશિયા, ચીન, ભારત તથા પશ્ચિમ એશિયાની યાત્રા કરી. ચીનમાં તેણે 18 વર્ષ જેવો લાંબો સમય ગાળ્યો. ચીન અને પૂર્વની અન્ય સંસ્કૃતિઓ પાસેથી ઉપયોગી જ્ઞાન લઈને 1292માં તે સ્વદેશ પાછો ફર્યો. આ પ્રદેશો વિશેની અદભુત વાતો તેણે ગ્રંથસ્થ કરવા ઇચ્છ્યું, પણ તે તેમ કરી શક્યો નહિ અને તેની સાથે આ ઉપયોગી જ્ઞાનનો પણ અંત આવ્યો. તેરમી સદી પણ અંધારી વીતી. તેના અંતભાગે અથવા ચૌદમી સદીના આરંભે ઇટાલીમાં લાકડાના આખા બીબા વડે પાનાં છાપવાની કલા પ્રવેશી. પ્રારંભે ધાર્મિક ચિત્રો છપાયાં. નવજાગૃતિપ્રસાર સાથે લોકોમાં જ્ઞાનપિપાસા તીવ્ર બની. અહીં હાથે પ્રતિલિપિ ઉતારવાની અથવા લાકડાનાં બીબાં વડે છાપવાની પદ્ધતિઓ અપૂર્ણ સિદ્ધ થઈ.
1440માં જર્મનીના યોહાનિસ ગુટેનબર્ગ તથા તેના સાથીઓએ રોમન લિપિના અક્ષરોનાં છૂટાં ધાતુનાં બીબાં બનાવવાની પ્રક્રિયા વિકસાવી. લાકડાના ડામચિયા જેવું મુદ્રણયંત્ર પણ બનાવ્યું. તેમાં બીબાં ગોઠવીને બનાવેલા પાનાનું ચોકઠું બાંધીને પીઠ ઉપર મૂકીને ઉપર શાહી લગાડી તેના પર કાગળ મૂકી ઉપરથી ઉચ્ચાલનચાલિત પાટિયા વડે દાબ આપીને લખાણની છાપ મેળવી. આ રીતે દિવસમાં 300 પાનાં છાપી શકાતાં. છૂટાં બીબાં વડે છાપવાની આ પદ્ધતિએ મુદ્રણકલામાં ક્રાંતિ આણી. જોકે પ્રારંભે લોકોએ આ ચમત્કારને શેતાની કૃત્ય માની તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું, પણ આ અવગણના લાંબી ટકી નહિ. 1500ના વર્ષ સુધીમાં યુરોપમાં 1,000 છાપખાનાં કાર્ય કરતાં થઈ ગયાં અને પુસ્તકોની લાખો નકલો ઘેર ઘેર વંચાતી થઈ.
સાડાચાર સૈકા સુધી ગુટેનબર્ગનાં છૂટાં બીબાં વડે પુસ્તકો છાપવાનું કાર્ય ચાલ્યું. અક્ષરોનાં આ બીબાં દાબ વેળા ભાર આપી શકે અને છતાં ઢાળવામાં સરળ પડે તે માટે સીસામાંથી બનાવવામાં આવતાં. સીસું પોચી ધાતુ હોવાથી ઝટ ઘસાઈ જતું. તેથી તેમાં ઍન્ટિમની નામે કઠણ ધાતુ ઉમેરાઈ. કોઈ વાર કલાઈ અને તાંબાનો ઉમેરો પણ થતો. પહેલાં છાપખાનાવાળા પોતાની જરૂરિયાત પ્રમાણે બીબાં જાતે ઢાળી લેતા, પણ મુદ્રણાલયોની સંખ્યા વધવાથી તથા મુદ્રણકાર્યનો વ્યાપ વધવાથી બીબાંની માગમાં ઘણો વધારો થયો; આથી લુહારી કામના અનુભવી લોકો બીબાં ઢાળવાના વિશેષ વ્યવસાયમાં પડ્યા. બીબાં ઢાળવાના કારખાનાને ફાઉન્ડ્રી કહેતા. મુદ્રણકાર્યની માગ પ્રમાણે તેઓ વિવિધ માપમાં અને રૂપમાં બીબાં ઢાળતા. લિપિમાં વિવિધ શૈલીઓ પણ પ્રચલિત બની. લખાણના ભાવને અનુરૂપ શૈલીઓ વિકસાવવામાં આવી. બીબાનું પૈકા નામનું રૂપ વિશ્વવ્યાપી બન્યું તથા તેનાં માનકો પણ સ્થપાયાં. બીબામાં મુખ, ગળું, સ્કંધ, ધડ, છેદચિહ્ન, ઘીસી અને ખાંચ એવાં સ્થાન નિશ્ચિત કરાયાં. સુશોભનાર્થે વિશેષ શૈલીઓ પ્રયોજાઈ. પાઠ માટે માનક બીબાં પ્રચલિત બન્યાં. તેમાં ધ્યાન ખેંચવા માટે પોલાં, પાતળાં, મધ્યમ, જાડાં, ત્રાંસાં, પહોળાં, સાંકડાં એમ એક જ શૈલીમાં ભિન્ન ભિન્ન ઘાટ અપાયા. એક નિશ્ચિત શૈલીમાં નિશ્ચિત માપ અને મુખના બધા ઘાટના બધા અક્ષરોનો સંપૂર્ણ સંપુટ ફૉન્ટ કે ફાઉન્ટ કહેવાયો. બીબાંનાં માપ અંગ્રેજી એક ઇંચમાં 72 પૉઇન્ટ એ પ્રમાણે પ્રચલિત બન્યાં. મેટ્રિક પદ્ધતિમાં એક પૉઇન્ટ 0.3 મિમી. થાય છે. પાઠ માટે 12 પૉઇન્ટ આસપાસનું માપ ઉચિત જણાયું. પાદટીપ, સૂચિ આદિ માટે 8 તથા 10 પૉઇન્ટ તથા મથાળાં માટે મોટાં માપો પ્રયોજાયાં.
હવે બીબાં ગોઠવીને છાપવાનું પુસ્તકો માટે વિલંબકારી હોવા છતાં તે નિભાવી લેવાયું; પરંતુ, સામયિકો અને વર્તમાનપત્રોના પ્રસાર સાથે આવો વિલંબ બાધક જણાયો. છાપવા માટેનાં પાનાં તૈયાર કરવામાં ઝડપ અને ચોકસાઈ અનિવાર્ય બન્યાં. એટલે આશરે 400 વર્ષ પછી 1884માં જર્મનીમાં ઓટમર મર્ગેન્ટેલરે શોધેલી લાઇનોટાઇપ અથવા પંક્તિબીબાંની યાંત્રિક ઢાળણપદ્ધતિ ઝડપથી લોકપ્રિય થઈ. જોકે ભારતમાં તે ભારતીય ભાષાઓને ઉપયોગી થાય તેવા સ્વરૂપે લગભગ પોણી સદી પછી આવી અને તે પણ દૈનિક વર્તમાનપત્રો પૂરતી મર્યાદિત રહી. આ પદ્ધતિમાં બે ભાગ છે : એક, ટાઇપરાઇટરનું હોય છે તેવું કીબૉર્ડ ધરાવતું યંત્ર હોય છે; બીજું, બીબાં ઢાળવાનું યંત્ર હોય છે. છાપવાના લખાણ પ્રમાણે કળ દબાવતાં જે તે અક્ષરનું બીબું ઢાળી શકે તેવો નાનો ફર્મો કંપોઝરેખામાં આવીને ગોઠવાય છે. લીટી પૂરી થાય એટલે યોગ્ય કળ દબાવતાં શબ્દો વચ્ચેની જગ્યામાં વધઘટ થઈ લીટી ઠરાવેલા માપ પ્રમાણે વિસ્તરે છે અથવા સંકોચાય છે. ઢાળણ-કળ દબાવતાં ફર્મામાં સીસાનો રસ ભરાઈ ઠંડો પડે છે. આમ, આખી લીટીનું બીબું તૈયાર થાય છે. આવાં બીબાં ગૅલીમાં એકત્ર થઈ છાપવાનું પૂરું લખાણ નવા અખંડિત બીબામાં તૈયાર થાય છે. લાઇનોટાઇપમાં ભૂલ સુધારવા આખી લીટી નવેસરથી તૈયાર કરવી પડતી. 1887માં અમેરિકાના ટોલબર્ટ લેન્સટને મૉનોટાઇપ અથવા એકાક્ષરી બીબા-પદ્ધતિની શોધ કરી. તેમાં એક એક અક્ષરનું બીબું જુદું ઢાળવાની અને લીટીમાં ગોઠવવાની સગવડ મળી. આથી, ભૂલસુધાર સરળ બન્યો. આમ છતાં, આ પદ્ધતિ દૈનિક વર્તમાનપત્રો તથા મોટાં મુદ્રણાલયો પૂરતી મર્યાદિત રહી. તે ઘણી મોંઘી પડતી હતી.
છાપકામની પ્રક્રિયામાં છબિકલાનો પ્રવેશ થતાં બીબાનો મૃત્યુઘંટ વાગ્યો. વીસમી સદીની અધવચનાં વર્ષોમાં કોઈ પ્રકારનાં બીબાં વિના જ છાપવાનું પાનું છબિની નૅગેટિવ રૂપે મેળવી શકાય તેવી પ્રક્રિયાની શોધ થઈ. આવી નૅગેટિવો વડે ઑફસેટ પ્લેટ કે પતરું બનાવી તેને યંત્ર પર ચડાવી ઝડપથી એકસાથે અનેક પાનાં એક કે વધારે રંગોમાં છાપવાની પદ્ધતિએ પ્રવેશ કર્યો. સંગણક(computer)ની શોધ થતાં તેની સહાયવાળી ડીટીપી (Desk Top Publishing) પદ્ધતિ એટલી વ્યાપક સગવડો આપવા શક્તિમાન બની કે તેણે બધી જૂની પદ્ધતિઓને હાંકી કાઢી. તેમાં બીબાંવૈવિધ્ય, વિન્યાસ(layout)વૈવિધ્ય, પાનાં પાડવાની સુવિધા, જુદી જુદી ભાષાઓના મિશ્રણની અનુકૂળતા, ચિત્ર તથા આલેખ મૂકવાની અનુકૂળતા, છેલ્લી ક્ષણે સુધારા કરવાની ક્ષમતા આદિ અનેક સગવડો ઉપરાંત નાનામોટા કામને અનુરૂપ તેની તાંત્રિક ક્ષમતા મોટો આશીર્વાદ બની રહી. સંગણકમાં લઘુરૂપણ(miniaturization)નો લાભ મળતાં તેના ભાવો ઘણા ઘટી ગયા. આથી, કંપોઝનો જ વ્યવસાય કરતા નાના એકમોને ઉત્તેજન મળ્યું. જૂની પદ્ધતિમાં ઘસાયેલાં તૂટેલાં બીબાંને કારણે મુદ્રણમાં સુઘડતા જળવાતી નહિ; વળી, સીસાનાં બીબાં જોડે સતત કામ પાડવાને લીધે શ્રમિકો સીસાના વિષનો ભોગ બનતા તે ભય દૂર થયો. સંગણકની ઊંચી સ્મૃતિક્ષમતાને લીધે કંપોઝ કરેલાં ખાનાંના સંગ્રહની નવી સગવડ મળી. અક્ષરોની વિવિધ શૈલીઓ પ્રચલિત બની. આ કંપોઝ તાર દ્વારા લાંબા અંતરે મોકલવાની સગવડ પણ મળી. એક કરતાં વધારે નગરોથી પ્રસિદ્ધ થતાં દૈનિક વર્તમાનપત્રોને આ સગવડ ઘણી ઉપયોગી થઈ.
ચિત્રો છાપવા માટેનાં બીબાં (blocks) માટે સહેજ જુદી પ્રક્રિયા જરૂરી બની. અક્ષરો માટે ફાઉન્ડ્રીમાંથી જોઈએ તે પ્રમાણે તૈયાર બીબાં મળી શકતાં. જરૂર પડ્યે તેમને ગાળી નાખીને ફરી ઢાળી શકાતાં. ચિત્ર માટેનું બીબું જે તે સમયે ખાસ બનાવવું પડતું. ચિત્રની છબિની છાપ જસતના (કોઈ વાર તાંબાના) પતરા ઉપર ઉતારી તેને સૂરોખારના મૃદુ અમ્લમાં ધોવાથી છાપવા માટેનો ભાગ ઊપસેલો રહી બાકીનો ભાગ અમ્લ દ્વારા ખવાઈ જતો. પછી, આ પતરાને બીબાની ઊંચાઈના લાકડાના ટુકડા પર જડી છાપતી વખતે પાનામાં યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવતો. અક્ષરનાં બીબાંની જેમ તેમાં ઊપસેલો ભાગ શાહીવાળો બનતાં છાપ પાડતો અને આમ ચિત્ર છપાતું.
કૅમેરા દ્વારા લીધેલી છબિમાં કાળા અને સફેદ એ બે રંગો ઉપરાંત વચ્ચેની છાયાઓ પણ હોય છે. આવાં ચિત્રોમાં ઇષ્ટ છાયા મેળવવા માટે બિંદુ-પદ્ધતિની અદભુત શોધ કરવામાં આવી. તેમાં ચિત્રના વિવિધ અંશોને છાયાની ઘનિષ્ઠતા પ્રમાણે નાનાંમોટાં ટપકાંમાં વહેંચી નાખી દરેક ભાગને ઊપસેલી સપાટીએ જાળવવાની સગવડ મેળવી શકાઈ. મોટાં ટપકાં છપાતાં ત્યાં ઘેરી છાયાનો અને નાનાં ટપકાં છપાતાં ત્યાં આછી છાયાનો અનુભવ થતો. પ્રોસેસ સ્ટુડિયોમાં કૅમેરામાં ચિત્રની છાપ ઝીલતી ફિલ્મ આડે એક જાળીદાર પડદો રાખીને ચિત્રને અનેક સૂક્ષ્મ બિંદુઓમાં વિભક્ત કરવામાં આવતું. રંગીન ચિત્રો માટે ચિત્ર આડે રંગોનાં ફિલ્ટર રાખીને ત્રણ મૂળ રંગો છૂટા પાડીને દરેક રંગનું એક એમ બીબાં બનાવવામાં આવતાં. પછી તેમને પીળી, વાદળી, લાલ અને કાળી શાહીમાં ઉપરાઉપરી છાપવાથી મિશ્રણથી રંગીન છાપ ઊપસતી.
હવે આ પદ્ધતિમાં પણ સંગણકના આગમનથી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. હવે ઘણાં ચિત્રો સંગણક પોતે તેના સંચયમાંથી પૂરાં પાડી શકે છે. ઘણી વાર સંગણક-ચાલક સૂચના અનુસાર ચિત્ર સંગણક પાસે તૈયાર કરાવી શકે છે. તૈયાર ચિત્રો પરથી સંગણક જોઈતા માપમાં પ્રતિકૃતિ તૈયાર કરી પાનામાં સૂચનાનુસાર તેને ગોઠવી આપે છે. રેખાચિત્રો જેમનાં તેમ છપાય છે. વચગાળાની છાયા ધરાવતાં છબિચિત્રોને બિંદુઓમાં વિભક્ત કરવાની પદ્ધતિ ચાલુ રહી છે; પણ, હવે ઘણાં સૂક્ષ્મ બિંદુઓવાળા પડદાનો ઉપયોગ શક્ય બન્યો હોવાથી ચિત્ર નાનું હોય તોપણ સૂક્ષ્મ વિગતોની સ્પષ્ટ છાપ મળી શકે છે. ચિત્રને પણ ફૅક્સની સગવડ પ્રાપ્ત થતાં હવે દૂરના સ્થળે મોકલી શકાય છે. આમ, લાકડાના મોટા બીબાથી ધાતુના નાના છૂટા બીબા સુધીની લાંબી યાત્રાને અંતે જ્યારે મુદ્રણકાર્યનો અસીમ વિસ્તાર થયો છે, ત્યારે બીબાનું ભૌતિક રૂપ લુપ્ત થયું છે એ વિરોધાભાસ આશ્ચર્ય પ્રેરે છે.
બંસીધર શુક્લ