બીબીજી (પંદરમી સદી) : ઈરાનના નામાંકિત ઉરેઝી સૈયદ ખુદમીર બિન સૈયદ બડા બિન સૈયદ યાકૂબની માતા. તેઓ ગુજરાતના ઇતિહાસમાં ‘બીબીજી’ તરીકે જાણીતાં છે. સૈયદ ખુદમીર 12 વર્ષના હતા ત્યારે બીબીજી તેમને લઈને પાટણથી અમદાવાદ આવ્યાં. સૂફી જ્ઞાન મેળવવા માટે બીબીજીએ પોતાનો પુત્ર વટવાના પ્રસિદ્ધ સંત કુતુબે આલમસાહેબને સોંપ્યો. બીબીજી સંસ્કારી હતાં. પોતાનો પુત્ર જ્ઞાની થાય તો જ તેને જીવતો રાખે એવી પ્રાર્થના તેઓ પ્રભુને રોજ કરતાં. સૈયદ ખુદમીર પોતે જ્ઞાની થયા હતા અને ગુજરાતના સુલતાન કુત્બુદ્દીન(1451 –1459)ના વજીર મલિક શાબાન જેવા તેમના પરમભક્ત હતા. બીબીજીએ અમદાવાદમાં અસારવા પાસે બીબીપુરા નામનું પરું વસાવ્યું હતું. એમના મૃત્યુ પછી એમને ત્યાં દફનાવવામાં આવ્યાં હતાં. રાજપુરમાં આવેલી મસ્જિદ બીબીજીની મસ્જિદ તરીકે જાણીતી છે.

થૉમસ પરમાર