બીટલ્સ, ધ (1960થી 1970) : 1960માં રચાયેલું બ્રિટનનું પૉપ શૈલીનું સુખ્યાત ગાયકવૃંદ. બે ગીતલેખક-નર્તકોએ આ વૃંદની રચના કરી હતી. તેમનાં નામ હતાં ડૉન (વિન્સ્ટન) લેનન (1940–80) અને (જૅમ્સ) પૉલ મૅકાર્થી (1942–), જ્યૉર્જ હૅરિસન (1943–) અને પેટી બેસ્ટ (1941–). તે સૌએ સાથે મળીને લિવરપૂલની કૅવર્ન ક્લબ ખાતે તેમજ હૅમ્બર્ગમાંનાં વિવિધ મનોરંજન-સ્થળોએ પોતાના આ વ્યવસાયની આંટીઘૂંટી બરાબર સમજી લીધી. 1962માં બ્રિયાન એપસ્ટિને આ વૃંદ સાથે 5 વર્ષના કરાર કર્યા. એ વખતે ડ્રમવાદક પેટી બેસ્ટના સ્થાને રિંગો સ્ટાર(1940–)ને આ વૃંદમાં જોડાવા બોલાવાયા. ત્યારપછી તેમની સરલતા ભરેલી એક બીટ રેકૉર્ડ ‘લવ મી ડૂ’ બહાર પડી. ત્યારપછી 1963માં ‘શી લવ્ઝ યૂ’ બહાર પડી અને તે બ્રિટનની ત્યારસુધીમાં સૌથી વધુ વેચાણ ધરાવતી રેકૉર્ડ બની રહી. એકલા ઇંગ્લૅન્ડમાં જ તેની 160 લાખ રેકૉર્ડનું વેચાણ થયું હતું.
બ્રિટનની યુવાપેઢી સમેત પશ્ચિમનું યુવાજગત તરવરાટભર્યા નિજી વ્યક્તિત્વનો સબળ આવિષ્કાર કરવા મથી રહ્યું હતું અને તે એક પ્રકારનો અજંપો અનુભવી રહ્યું હતું. ‘બીટલ કટ’ નામની કેશછટા અને કંઈક અંશે સમાજ પ્રત્યે તિરસ્કારભર્યું વલણ ધરાવનાર આ બીટલોના વૃંદને, ’60ના દશકાની નાચતી-ગાતી-ઝૂમતી યુવાપેઢીના તરફદાર બની રહેવાનું ફાવતું આવી ગયું. 1963માં ‘સન્ડે નાઇટ ઍટ ધ લંડન પૅલૅડિયમ’ નામના ટી.વી. કાર્યક્રમમાં આ વૃંદ પ્રથમ સ્થાને આવ્યું ત્યારે પૅલેડિયમની બહાર તેમના સંખ્યાબંધ ચાહકોનાં ટોળાં એટલાં બધાં આવેશપૂર્વક વર્ત્યાં કે અખબારોને તેના વૃત્તાંત માટે ‘બીટલમેનિયા’ જેવો શબ્દ પ્રયોજવો પડ્યો.
ત્યારબાદ ‘શી લવ્ઝ યૂ’ રેકૉર્ડ અમેરિકા ખાતે બહાર પાડવામાં આવી. આ વૃંદે ‘ઍટ સલિવન શો’માં પણ કાર્યક્રમ આપ્યો, અમેરિકાના સંગીતપ્રવાસમાં તેમને ભારે સફળતા મળી, સાથોસાથ અન્ય રેકૉર્ડો પણ ઉત્તરોત્તર બહાર પડતી રહી અને ભારે સફળતા અને નામના પામતી. આ બધી ઘટનાઓને પરિણામે બીટલમેનિયા વિશ્વવ્યાપી પરિબળ બની રહ્યો. અગાઉના કોઈ પણ સંગીત-કાર્યક્રમ કરતાં બીટલોના સંગીત-કાર્યક્રમમાં સંખ્યાની ર્દષ્ટિએ વિક્રમરૂપ પ્રેક્ષકો ઊમટતા રહ્યા.
તેમનાં શરૂઆતનાં ગીતો સાદાં અને સરળ હતાં, પણ એ વૃંદના વાદકોના ગંભીર અભિગમને પરિણામે તેમને પુષ્કળ લોકચાહના મળવા લાગી. 1962થી ’66ના ગાળા દરમિયાન ગીતલેખનના તેમના કૌશલ્યમાં અવનવા પ્રકારનું શૈલીવૈવિધ્ય પણ પ્રગટ થતું રહ્યું; તેમાં ‘યસ્ટર ડે’ જેવા અતિસુંદર અને ઊર્મિપ્રધાન બૅલાડનો, ‘પૅપરબૅક’ જેવી જટિલ લયકારી ધરાવતાં ગીતોનો તેમજ ‘ઇલિનૉર રિગ્બી’ જેવી સાહિત્યિક રચનાનો સમાવેશ થાય છે.
તેમના પ્રથમ વિશ્વપ્રવાસનો પ્રારંભ થયો 1964માં કોપનહેગનથી. મેલબૉર્નમાં તેમને આવકારવા મોટી સંખ્યામાં ઊમટેલો માનવસમુદાય એક જ સ્થળે આટલી બધી સંખ્યામાં ક્યારેય જોવા મળ્યો ન હતો. 1965માં દરેક બીટલ કલાકારને બ્રિટનનાં રાણીએ સ્વહસ્તે ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’(MBE)નો ખિતાબ આપ્યો; જોકે તેના પરિણામે અન્ય નામાંકિત ખિતાબધારકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સિનેમા તથા ટેલિવિઝિન માટે ખૂબ વખણાયેલી ફિલ્મોના નિર્માણ દ્વારા લોકચાહનાથી ઊજળી બનેલી તેમની પ્રતિભામાં સતત વધારો થતો રહ્યો. 1966માં તેમણે જાહેરમાં કાર્યક્રમો આપવાનું બંધ કર્યું.
તેમની સફળતાથી પ્રેરાઈને તેમણે કિશોરાવસ્થા અને અતડાપણાની ભાવનાને લગતી સમસ્યાઓની સમજપૂર્વકની છણાવટને આવરી લેતું હૃદયર્સ્પશી આલબમ બહાર પાડ્યું. તેમાંની કેટલીક ખૂબ પ્રખ્યાત બનેલી રેકૉર્ડોમાં ‘શી ઇઝ લિવિંગ હોમ’, ‘એ ડે ઇન ધ લાઇફ’ તથા ‘લ્યૂસી ઇન ધ સ્કાય વિથ ડાયમન્ડ્ઝ’ વગેરેનો સમાવેશ થાય છે. વિષયનાં સાતત્ય તથા સુસંગતતા ધરાવતાં ઊર્મિપ્રધાન ગીતો તથા સંગીતના પ્રબળ પ્રભાવના કારણે અત્યંત ભાવવાહી એકસૂત્રતા ધરાવતું આ સમગ્ર આલબમ પૉપ સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી બની રહ્યું. તેને વિશેની એક બીજી અપૂર્વ હકીકત એ છે કે તેમાં ‘સ્ટુડિયો ઇફેક્ટ’ પ્રયોજવા સ્ટુડિયોમાં 700 કલાક જેટલું કાર્ય કરવું પડ્યું હતું. તેમની જટિલતા એવી હતી કે આ ગીતો રંગભૂમિ પર પ્રસ્તુત કરવાનું અત્યંત દુષ્કર હતું.
ઇંગ્લૅન્ડમાં ઍબી રોડ સ્ટુડિયો ખાતે તૈયાર કરાયેલું ‘ઑલ યુ નીડ ઇઝ લવ’નું રેકૉર્ડિગ, ‘અવર વર્લ્ડ’ નામના વિશ્વસમસ્તના ટેલિવિઝન પ્રસ્તુતકર્તાને સાંકળી લેતા કાર્યક્રમ રૂપે રજૂ કરાયું હતું.
ઑગસ્ટ 1967માં માદક દ્રવ્ય વધારે પ્રમાણમાં લેવાયું હોવાના કારણસર બ્રિયાન ઍપ્સ્ટિનનું અવસાન થવાના પરિણામે આ ખ્યાતનામ જૂથના અંતનો આરંભ થયો. ત્યારપછી થોડા વખતમાં બીટલોના જૂથે ‘એપલ પબ્લિશિંગ લિમિટેડ’ નામની સંસ્થા સ્થાપી; પરંતુ 1968થી આ વૃંદમાં વિવિધ દબાણો અને તણાવ વધતાં ચાલ્યાં.
છેવટે ધ્યાનની પ્રક્રિયાનો અભ્યાસ કરી શાંતિ મેળવવાની ખોજમાં તેઓ ભારત આવ્યા. પાછા ફર્યા બાદ જૉલેનનને છૂટાછેડાના દાવાનો સામનો કરવાનો વારો આવ્યો. એ જ વખતે પૉલ મેકાર્થીના જૅન ઍશર સાથેના બહુ ચર્ચાયેલા સ્નેહસંબંધો પણ તૂટી ગયા.
તેમણે સાથે મળીને ઑગસ્ટ 1969માં જાહેર છેલ્લી વાર કાર્યક્રમ રજૂ કર્યો અને 1970નાં પ્રારંભિક વર્ષોમાં ભારે કડવાશ સાથે છૂટા પડ્યા. લૅનનના અવસાન પછી 1994માં 3 સભ્યોએ સાથે ગાઈને કેટલીક રેકૉર્ડ તૈયાર કરી. 1995માં ત્રણેએ સાથે મળીને ‘બીટલ ઍન્થૉલૉજી’ નામનો રેકૉર્ડ-સંગ્રહ બહાર પાડ્યો.
મહેશ ચોકસી