બીટનિક જૂથ : બીજા વિશ્વયુદ્ધ પછીની ઠંડા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન 1956ની આસપાસ અમેરિકામાં ચાલેલી ઝુંબેશ. આ ઝુંબેશમાં બોહીમિયનોનો સ્થાપિત સમાજ અને સ્થાપિત સાહિત્ય સામેનો વિદ્રોહ છે. યુદ્ધોત્તર નિર્ભ્રાન્તિની લાગણીમાંથી જે તણાવો ઊભા થયા, એની અભિવ્યક્તિ આ રૂઢિમુક્ત થવાની ચળવળમાં જોઈ શકાય છે. અમેરિકામાં પશ્ચિમમાં સાનફ્રાન્સિસ્કો અને પૂર્વમાં ન્યૂયૉર્ક એનાં ખાસ કેન્દ્રો રહ્યાં. ‘બીટ’ સંજ્ઞામાં થાક્યા-હાર્યાનો ભાવ પડેલો છે; સાથે સાથે પરમાનંદની સ્થિતિ તરફનો અભિગમ પણ છે. રશિયનનો ‘નિક’ પ્રત્યય ‘સ્પુટનિક’માં લાગે છે તેમ સંબંધવાચક તરીકે અહીં લાગેલો છે. સમાજથી થાકેલા-હારેલા આ આંદોલનના સભ્યોએ સમાજની રૂઢ રીતભાત અને તેનાં રૂઢ વર્તનોથી છેડો ફાડવા પ્રયત્ન કર્યો અને ઇન્દ્રિયોની ઉત્કટ અભિજ્ઞતાને પ્રધાન સ્થાને મૂકી. એમ કરવામાં નશીલા પદાર્થો અને કેફી દ્રવ્યોની પણ એમણે છોછ રાખી નહિ.

એમને કોઈ ને કોઈ રીતે સામાજિક અને યૌનતણાવોમાંથી મુક્તિ જોઈતી હતી. આ આંદોલન એક રીતે જોઈએ તો સામાજિક સમસ્યાઓ પરત્વે ઉદાસીન અને રાજકારણથી નિરપેક્ષ એવું આંદોલન હતું. એની માત્ર વૈયક્તિક મુક્તિમાં રુચિ હતી. આધુનિક સમાજની ઉલ્લાસહીનતા અને હેતુવિહીનતાએ આ જ કારણે બીટનિકોને ઝેન બુદ્ધવાદ ભણી વાળ્યા હતા. એમનું ‘હિપ’ શબ્દભંડોળ ભ્રષ્ટ ધંધાદારી જગત પરત્વેના આક્રોશમાંથી ઊભું થયેલું.

આ આંદોલનના અગ્રણી તરીકે પહેલું નામ જૅક કેરૂએકનું આવે. આ અમેરિકન નવલકથાકારે યાદચ્છિક સ્વરૂપને આગળ કરી અસંબદ્ધ, અનાયોજિત લેખન દ્વારા અનુભવની અપરોક્ષતાની જિકર કરી. અલબત્ત, એના પછી થયેલાં અનુસરણોમાં આને કારણે અસંગત શબ્દાળુતા અને અવ્યવસ્થા લેખનમાં પ્રવેશ્યાં; પણ એક જુદો અભિગમ ઊભો કરવામાં આ આંદોલને ઠીક ઠીક મથામણ કરી. નૉર્મન મેઇલર, હેન્રી મિલર, કેનેથ રેક્સરૉથ અને વિલિયમ બરોઝનાં લખાણોએ પણ આ અભિગમ ઊભો કરવામાં સહાય કરી. ઍલન ગિન્સબર્ગ અને ગ્રેગરી કોર્સો જેવા કવિઓનો પુરુષાર્થ પણ વીસરવા જેવો નથી. ફેલિંગ ગેટી, ફિલિપ વેય્લન, ગેરી સેય્ડર જેવા લેખકો તો પ્રકાશમાં આવ્યા; પણ ઉપેક્ષિત ‘બ્લૅક માઉન્ટન’ કવિઓને પણ નવેસરથી સ્વીકૃતિ મળી. જૉન ટાય્ટેલનું ‘નેકેડ એન્જલ્સ : ધ લાઇવ્ઝ ઍન્ડ લિટરેચર ઑવ્ ધ બીટ મૂવમેન્ટ’ (1976) – એ આ જૂથ પરનો સારો અભ્યાસ દર્શાવતું પુસ્તક છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા