બિશ્વાસ, બસન્તકુમાર (જ.–પત્રાગછ, જિ. નદિયા, પ. બંગાળ; અ. 11 મે 1915, અંબાલા, પંજાબ) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા મોતીલાલ લાહોરમાં એક દવાખાનામાં નોકરી કરતા હતા. બસન્તકુમારે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યો અને રાસબિહારી બોઝે તેમને ક્રાંતિકારી પક્ષમાં પ્રવેશ આપ્યો. રાસબિહારીની યોજના મુજબ ભારતના વાઇસરૉય લૉર્ડ હાર્ડિજ શાહી સવારી સાથે 23 ડિસેમ્બર 1912ના રોજ દિલ્હીમાં ચાંદની ચોકમાંથી પસાર થતા હતા ત્યારે બસન્તકુમારે મહિલાના વેશમાં, સ્ત્રીઓ માટેના વિભાગમાંથી બૉમ્બ ફેંક્યો અને રાસબિહારી સાથે બંને દિલ્હી છોડીને નાસી ગયા. તે લાંબો સમય વેશપલટો કરીને ગુપ્ત રહ્યા. ફેબ્રુઆરી 1914માં બસન્તકુમારની ધરપકડ કરીને લૉર્ડ હાર્ડિજના ખૂનના કાવતરામાં મુખ્ય ભાગ ભજવવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો. વળી 17 મે 1913ના રોજ, લાહોરના લૉરેન્સ ગાર્ડનમાં પણ બૉમ્બ નાખવાનો તેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો. તે બૉમ્બથી રામપદારથ નામનો પટાવાળો મૃત્યુ પામ્યો હતો. આ કેસના બીજા આરોપીઓ અમીરચંદ, બાલમુકુંદ અને અવધબિહારી સહિત બસન્તકુમાર ઉપર કેસ ચલાવીને મૃત્યુદંડની સજા કરવામાં આવી અને અંબાલાની સેન્ટ્રલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.

જયકુમાર ર. શુક્લ