બિલ્હણ : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. તેઓ ‘વિક્રમાંકદેવચરિત’, ‘ચૌરપંચાશિકા’ અને ‘કર્ણસુંદરી’ના રચયિતા છે. જ્યેષ્ઠ કલશ અને નાગદેવીના પુત્ર. કોણમુખનગરમાં જન્મ, જે કાશ્મીરમાં પ્રવરપુર નજીકનું સ્થળ છે. બિલ્હણ સ્વયં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન હતા. તેમના પિતાએ પણ પતંજલિના ‘મહાભાષ્ય’ પર ટીકા રચી હતી. કલશના રાજ્યકાળ દરમિયાન બિલ્હણ યશ અને નસીબ માટે પરિભ્રમણ કરતા રહ્યા (ઈ. સ.ની અગિયારમી સદીનો ત્રીજો અને ચોથો ભાગ). મથુરા, કાન્યકુબ્જ, પ્રયાગ અને વારાણસીના ભ્રમણ પછી બુંદેલખંડના દાહલના રાજા કૃષ્ણે તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો, જ્યાં તેમણે રામ વિશે કવિતા રચી. એ પછી અણહિલવાડના કર્ણદેવના દરબારમાં બિલ્હણ ગયા. ‘કર્ણસુંદરી’ નામની નાટિકા તેમણે રચી છે. તેઓ ધારાનરેશ ભોજને મળ્યા હોય તેમ લાગતું નથી. તેમણે દક્ષિણ ભારતની તીર્થયાત્રા કરી હતી. તે પછી કલ્યાણના ચાલુક્ય વંશના રાજા વિક્રમાદિત્યે (1076થી 1126) તેમનું સન્માન કર્યું. ‘વિક્રમાંકદેવચરિત’ (18 સર્ગનું મહાકાવ્ય) બિલ્હણે તેમના આશ્રયદાતાને યાદગાર બનાવવા રચ્યું હતું. ‘ચૌરપંચાશિકા’ પ્રેમકાવ્ય છે. તેમાં વસંતતિલકા વૃત્તમાં 50 પદ્યો છે. ‘બિલ્હણકાવ્ય’ નામે પણ તે ઓળખાય છે.
ઈ. સ. 1064–94માં બિલ્હણ સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીના રાજ્યકાળમાં થોડો સમય પાટણમાં રહ્યા હતા. ‘કર્ણસુંદરી’ નાટિકા કર્ણદેવના મંત્રી શાન્તુ મહેતાની આજ્ઞાથી પાટણમાં આદિનાથના મંદિરમાં ભજવાઈ હતી. સોમેશ્વરે ‘કીર્તિકૌમુદી’માં વાલ્મીકિ, કાલિદાસ વગેરે કવિઓ સાથે બિલ્હણની પ્રશંસા પણ કરી છે. બિલ્હણનો કાશ્મીરપ્રેમ અપૂર્વ હતો. તેમના મત પ્રમાણે કવિઓ અને કેસર કાશ્મીરદેશ છોડીને અન્યત્ર જતાં નથી ! ‘કર્ણસુંદરી’ અણહિલવાડના કર્ણદેવ ત્રૈલોક્યમલ્લ(1064–94)ની પ્રણયકથાની રસમય કૃતિ છે.
‘વિક્રમાંકદેવચરિત’ નોંધપાત્ર ઐતિહાસિક કૃતિ છે. 18 સર્ગનું આ મહાકાવ્ય કદાચ બિલ્હણે એમના આશ્રયદાતા રાજા વિક્રમાદિત્યની કીર્તિને અંજલિરૂપે અથવા આશ્રયદાતાના જીવનનો કોઈ ખાસ પ્રસંગ ઊજવવા રચ્યું હોય એમ બને. વિક્રમાંકદેવે બિલ્હણને ‘વિદ્યાપતિ’ની ઉપાધિ બહુમાન સાથે આપેલી.
તેમાં ચાલુક્યરાજ વિક્રમાદિત્યની કુલપરંપરાનો કાલ્પનિક અને અનુશ્રુતિનિર્ભર અહેવાલ આપી કવિ ભગવાન શિવ અને રાજાની વધૂ વિદ્યાધરીને લાવી અતિમાનવીય પાત્રો અને ચમત્કારો દાખલ કરે છે – ઐતિહાસિકતા પશ્ચાદભૂમાં રહી જાય છે. શરૂઆતના સર્ગોમાં કથાંશો વધારે છે. પછી વર્ણનાત્મકતા છે. એટલે ઐતિહાસિક ર્દષ્ટિએ કાવ્ય ઊણું ઊતરે છે; પણ કાવ્યાત્મક ર્દષ્ટિએ તે ગુણવત્તાથી ભરપૂર છે. તેમાં વૈદર્ભી રીતિ છે, સમાસો અલ્પ છે. શૃંગાર, વીર અને કરુણરસનું સુંદર આલેખન થયું છે.
‘ચૌરપંચાશિકા’માં બિલ્હણની પોતાની જ પ્રેમકથાનું નિરૂપણ છે. સંસ્કૃત સાહિત્યમાં તેની શૃંગારકાવ્યમાં ગણના થઈ છે.
પારુલ માંકડ
ઉષાકાન્ત શાસ્ત્રી