બિલ્મા : પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશની ઈશાનમાં અગાદેઝ વિસ્તારમાં ચાડ સરોવરની ઉત્તરે આશરે 480 કિમી. અંતરે આવેલો રણદ્વીપ (18° 30´ ઉ. અ. અને 13° 30´ આજુબાજુ) તથા તે જ નામ ધરાવતું નગર (18° 46´ ઉ. અ. અને 12° 50´ પૂ. રે.).

રણદ્વીપ : આ રણદ્વીપ 96 કિમી. લંબાઈનો અને 16 કિમી. પહોળાઈનો વિસ્તાર ધરાવે છે. તેની નજીક ઘણાં ખારાં સરોવરો આવેલાં છે. તેમાંના જળનું બાષ્પીભવન થતું રહેવાથી અહીં વેપાર માટે મીઠાની ઊપજ વિશાળ પાયા પર મળી રહે છે. આ સિવાય તે બધી બાજુએ રણથી વીંટળાયેલું છે. 20મી સદીની શરૂઆતમાં આ રણદ્વીપ પર ફ્રાન્સ અને ટર્કી બંનેએ પોતાની માલિકી હોવાનો દાવો કરેલો, પરંતુ ફ્રેન્ચોને કબજો મેળવવામાં સફળતા મળી. ત્યારથી આ રણદ્વીપ નાઇજરનો એક ભાગ બની રહ્યો છે. નગર ટ્રિપોલીથી લ ચાડ(LL Chad)ના વણજાર-માર્ગ પર આવેલાં મહત્વનાં સ્થળોમાં બિલ્માનો પણ સમાવેશ થાય છે. આ સ્થળ તેની ખેતપેદાશો અને મીઠાના વેપાર માટે જાણીતું છે. આ સ્થળની નજીક કલાઈ, કોલસા અને યુરેનિયમની ખાણો આવેલી છે. તે રણપ્રદેશની નજીક આવેલું હોવાથી અહીં ગરમીનો સખત અનુભવ થાય છે. અહીં ભાગ્યે જ વરસાદ પડે છે, છેલ્લે ક્યારે પડ્યો હતો તેની કોઈ નોંધ મળતી નથી.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા