બિલાસખાં : તાનસેનના પુત્ર અને અકબરના દરબારી સંગીતકાર. તાનસેનની જેમ તેઓ પોતે સારા ગાયક હતા અને એમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તાનસેનના ચાર પુત્રોમાં તે સૌથી નાના હતા. તાનસેનના અન્ય ત્રણ પુત્રોમાં સૂરતસેન, શરતસેન અને તરંગસેન. બિલાસખાં એકાન્તપ્રિય સંગીતજ્ઞ હોવાથી મોટાભાગે જંગલમાં જઈને જ તેઓ સંગીતસાધના કરતા હતા. એક વેળા તાનસેનના પુત્રોમાં સૌથી ચડિયાતું કોણ છે તે બાબતમાં વાદવિવાદ થવાથી તાનસેને જાહેર કર્યું કે જે પુત્ર પોતાના સંગીતથી એને ખુશ કરે તે શ્રેષ્ઠ ગણાશે. આથી બિલાસખાંએ ફક્ત ભૈરવી રાગના સ્વરો વાપરીને તોડી રાગનો એક નવીન પ્રકાર રચ્યો, જેથી તાનસેન બહુ જ ખુશ થયા. તે જ રાગ બિલાસખાંની તોડી તરીકે ઓળખાયો.
એક કિંવદંતી મુજબ જ્યારે તાનસેનનો દેહાંત થયો ત્યારે એમની પત્નીએ જાહેર કર્યું કે જે પુત્ર સંગીતનો ચમત્કાર સર્જી શકે તેને તાનસેનની અંતિમ ક્રિયા કરવાનો અધિકાર મળશે. આથી બિલાસખાંએ બિલાસખાંની તોડી રાગની રચના કરી અને તાનસેનના શબની પાસે બેસીને તે રાગ ગાયો, જેની અસરથી તાનસેનનો જમણો હાથ ઊંચો થયો અને તેને લીધે બિલાસખાં તાનસેનના મુખ્ય વારસ ગણાયા.
બિલાસખાંના બે પુત્રોમાંથી એક ઉદયસેનખાં પણ અપ્રતિમ ગાયક હતા અને એમના જમાઈ લાલખાં શાહજહાંના દરબારી ગાયકોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા હતા.
બટુક દીવાનજી