બિલાસખાંની તોડી : ભૈરવી રાગના સ્વરો દ્વારા ગવાતો તોડી રાગ. તે ગંભીર પ્રકૃતિનો રાગ છે. કહેવાય છે કે અકબરના દરબારી ગાયક વિખ્યાત તાનસેનના પુત્ર બિલાસખાંએ આ રાગની રચના કરી હતી અને તેમના નામ પરથી જ આ રાગનું નામ ‘બિલાસખાંની તોડી’ પડ્યું છે. આ રાગ દિવસના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં રે, ગ, ધ અને નિ આ ચાર સ્વરો કોમળ સ્વરૂપે વપરાય છે. રાગની જાતિ ઓડવ સંપૂર્ણ છે, એટલે કે આરોહમાં સા રે્, ગ્, પ, ધ્ આ પાંચ સ્વરોનો ઉપયોગ થાય છે તેમજ મ અને નિ વર્જ્ય રખાય છે. અવરોહમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે, જોકે કેટલાક સંગીતકારો તેને સંપૂર્ણ—સંપૂર્ણ જાતિનો રાગ માનીને આરોહ તથા અવરોહમાં સાતે સ્વરોનો ઉપયોગ કરે છે. પરંતુ મોટાભાગના ગાયકો ઓડવ-સંપૂર્ણ બિલાસખાંની તોડીનો જ પ્રયોગ કરે છે.

મૂળ તોડી રાગના સ્વર ભૈરવીના છે, પરંતુ તેનું અંગ રે્ ગ્ રે્ સા બિલાસખાની રાગમાં વપરાય છે. તોડી અંગના આ સ્વરસમૂહના બહુત્વને કારણે જ આ રાગના નામમાં તોડી શબ્દનો પ્રયોગ થયેલ છે, ભૈરવીનો નહિ – એમ માનવામાં આવે છે.

એક પ્રાચીન સંદર્ભ મુજબ,

‘म-नि वर्जित आरोह, सब स्वर मृदु रसरूप जँही संपूरन अवरोह, तोडी बिलासखान की ।।

બિલાસખાની રાગનું ખાસ સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવી શકાય.

આ રાગમાં આલાપની પૂર્ણાહુતિમાં રે્ ગ્ રે્ – સા સ્વરસમૂહ આવ્યા કરે છે. રાગમાં ન્યાસસ્વર તરીકે પંચમ સ્વરનો ઉપયોગ થાય છે. ભૈરવી અને કોમળ રિષભ આસવરી આ બંને બિલાસખાંની તોડીને મળતા રાગો છે.

રાગનું સામાન્ય ચલન :

નીના ઠાકોર