બિલાડીનો ટોપ (mushroom) : બેસિડિયોમાયસેટિસ વર્ગમાં આવેલા કુળ ઍગેરિકેલ્સની ફૂગ અથવા આવી ફૂગનું પ્રકણીફળ (basidiocarp). બિલાડીના ટોપની મોટાભાગની જાતિઓ લાકડા પર અને ઘાસનાં મેદાનોમાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 3,300 જેટલી જાતિઓ થાય છે. તે ક્લૉરોફિલરહિત હોય છે અને તેમની આસપાસ રહેલી જીવંત કે કોહવાતી વનસ્પતિઓમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી પોષણ મેળવે છે.
બિલાડીના ટોપના મુખ્ય બે ભાગ છે : (1) મિસિતંતુ (mycelium) અને (2) ફળકાય (fruiting body). મિસિતંતુ ભૂમિની સપાટીની નીચે ઉત્પન્ન થાય છે અને પોષક દ્રવ્ય શોષે છે. આ ભાગ ઘણાં વર્ષો સુધી જીવંત રહી શકે છે. છત્રી જેવું ફળકાય મિસિતંતુમાંથી ઉદભવે છે અને થોડાક દિવસો પૂરતું જ જીવંત રહે છે. તે સમય દરમિયાન તે સૂક્ષ્મ પ્રજનનકોષોનું નિર્માણ કરે છે. તેમને પ્રકણીબીજાણુઓ (basidiospores) કહે છે. બિલાડીના ટોપની વિવિધ જાતિઓ કદ અને રંગમાં વૈવિધ્ય દર્શાવે છે. તેની ઊંચાઈ 2 સેમી.થી 40 સેમી. સુધીની અને તેના છત્રિક(pileus)નો ઉપરનો વ્યાસ 0.5 સેમી.થી લગભગ 45 સેમી. જેટલો હોય છે. મોટાભાગની જાતિઓ સફેદ, પીળી, નારંગી, લાલ અથવા બદામી રંગની હોય છે. કેટલીક જાતિઓ વાદળી, જાંબલી, લીલી અથવા કાળી પણ હોય છે.
બિલાડીના ટોપનો મિસિતંતુ સફેદ કે પીળા, દોરી જેવા, બહુશાખિત ઘણા તંતુઓનો બનેલો હોય છે. મોટાભાગની જાતિઓમાં તે પરસ્પર શિથિલ રીતે ગૂંથાઈને જાળ જેવી રચના બનાવે છે. તેને કવકજાલ (hyphae) કહે છે. કેટલીક જાતિઓમાં તે સમૂહમાં ગોઠવાઈને લાંબા તંતુગુચ્છ બનાવે છે. તેમને તંતુજટા (rhizomorphs) કહે છે.
તેનું ફળકાય ખીચોખીચ રીતે ગૂંથાયેલી કવકજાલ વડે બને છે. તે વૃન્ત ધરાવે છે, જેની ટોચ પર છત્રિકા (pileus) આવેલી હોય છે. તેની મોટાભાગની ઍગેરિકસ જાતિઓમાં પાતળી, ઊભી છરી જેવી ચપટી રચનાઓ આવેલી હોય છે; જેમને ઝાલરો કહે છે. પૈડાના આરાની જેમ આ ઝાલરો છત્રિકાના કેન્દ્રમાંથી બહારની તરફ પ્રસરતી હોય છે. બોલેટિસની જાતિઓમાં ઝાલરો હોતી નથી. તેઓમાં છત્રિકાની નીચેની સપાટીએ ખીચોખીચ રીતે સમાંતરે ગોઠવાયેલી નલિકાઓ જોવા મળે છે. ઝાલરની બાહ્ય સપાટીએ અથવા નલિકાની અંદરની સપાટીએ નાના મગદળ આકારના કોષો એક પંક્તિમાં આવેલા હોય છે, તેમને પ્રકણીધર (basidia) કહે છે. આ પ્રત્યેક પ્રકણીધર પર અર્ધસૂત્રીભાજન પ્રકારના વિભાજન દ્વારા ચાર પ્રકણીબીજાણુઓ ઉદભવે છે. આ પ્રકણીબીજાણુમાંથી નવા મિસિતંતુનું નિર્માણ થાય છે.
બિલાડીના ટોપની કેટલીક જાતિઓમાં આ ઝાલરો કે નલિકાઓની ફરતે આવરણ આવેલું હોય છે, તેને ગુંઠિકા (veil) કહે છે. જેમ જેમ છત્રિકાની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ આ ગુંઠિકા ફાટે છે અને વૃન્તની ફરતે લટકતું વલય (annulus) બનાવે છે. કેટલીક વાર આ ગુંઠિકા સમગ્ર બિલાડીના ટોપને આવરે છે. તે તૂટે છે ત્યારે પ્યાલાકાર રચના રહી જાય છે. તેને અધોવેષ્ટન (volva) કહે છે.
બિલાડીના ટોપને તેની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્બોદિતો, પ્રોટીન, કેટલાક પ્રજીવકો અને અન્ય પોષક પદાર્થોની જરૂરિયાત હોય છે. મિસિતંતુ આ પોષક પદાર્થો મેળવવા માટે તેની કવકજાલમાંથી ઉત્સેચકોનો સ્રાવ કરે છે.
તેઓ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવાં વધારે સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતર કરે છે.
તેની ઘણી જાતિઓ મૃતોપજીવી (saprophyte) હોય છે અને મૃત ઘાસ કે કોહવાતાં વનસ્પતિ કે પ્રાણીદ્રવ્યોમાંથી પોષણ મેળવે છે. બીજી કેટલીક જાતિઓ નીચે પડી ગયેલા વૃક્ષના કોહવાતા કાષ્ઠ, જૂનાં થડ કે ઘરમાં રહેલા ઇમારતી લાકડા પર આક્રમણ કરે છે. બહુ ઓછી જાતિઓ તૃણાહારી પ્રાણીઓના મળ પર જીવે છે. કેટલીક જાતિઓ વૃક્ષોને ચેપ લગાડી રોગ લાગુ પાડે છે અને તેના પર વૃદ્ધિ પામી તેમનો નાશ પણ કરે છે.
બિલાડીના ટોપની કેટલીક જાતિઓની કવકજાલ જીવંત વનસ્પતિઓના મૂળની બહાર કે મૂળમાં કોઈ પણ નુકસાન પહોંચાડ્યા સિવાય થાય છે. આ પ્રકારના પરસ્પર લાભદાયી સાહચર્ય(association)ને કવકમૂલ (mycorrhiza) કહે છે. બિલાડીના ટોપની કવકજાલ ભૂમિમાંથી પાણી અને અન્ય દ્રવ્યોનું શોષણ કરી યજમાન વનસ્પતિમાં મોકલે છે. યજમાન વનસ્પતિ બિલાડીના ટોપની કવકજાલને પોષણ પૂરું પાડે છે. ભોજવૃક્ષ લાર્ચ (larix), ઓક, ચીડ (pine) અને જંગલી ફ્રાસ કે સફેદા (populus alba) જેવી ઘણી વૃક્ષ-જાતિઓમાં બિલાડીના ટોપ કવકમૂલ બનાવે છે.
પરિપક્વ બિલાડીનો ટોપ અબજોની સંખ્યામાં પ્રકણીબીજાણુઓ ઉત્પન્ન કરે છે. પવનની અત્યંત મંદ લહેર પણ તેમને ખૂબ દૂર સુધી ખેંચી જાય છે. જોકે બહુ ઓછા પ્રકણીબીજાણુઓ તેના અસ્તિત્વ માટે જરૂરી ખોરાક અને ભેજ ધરાવતાં સ્થાનો પર પડે છે અને કવકતંતુનું નિર્માણ કરે છે. આ કવકતંતુને અંકુરણનલિકા (germ-tube) કહે છે. તે લાંબી અને બહુશાખિત બની મિસિતંતુ બનાવે છે. તેના પર ટાંકણીના માથા જેવડી ગાંઠો ઉદભવે છે, તેમને બટન કહે છે, જે વૃદ્ધિ પામી પરિપક્વ બિલાડીના ટોપમાં પરિણમે છે. બટનનું વિભેદન થતાં છત્રિકા અને વૃન્ત બને છે. ત્યારબાદ છત્રિકાની નીચેની સપાટીએ ઝાલરો કે નલિકાઓ ઉત્પન્ન થાય છે. હવે વૃન્ત અત્યંત ઝડપથી લંબાય છે અને છત્રિકા પણ ખૂલી જાય છે. કોષો દ્વારા પાણીનું અભિશોષણ થતાં આ લંબવૃદ્ધિ થાય છે. તે 8 કલાકથી 48 કલાકમાં તેની મહત્તમ લંબાઈ પ્રાપ્ત કરે છે.
તેનાં ફળકાય પ્રકણીબીજાણુઓના વિકિરણ બાદ મૃત્યુ પામે છે અને તેમનો કોહવાટ થાય છે; છતાં ઘણી વાર મિસિતંતુ જીવંત રહે છે. ઘણા કિસ્સાઓમાં મિસિતંતુ ઘણાં વર્ષો સુધી દર વર્ષે ફળકાય ઉત્પન્ન કરે છે.
ઘાસના કેટલાક વિસ્તારોમાં વધારે લીલા રંગના ઘાસનું કે ખુલ્લી ભૂમિનું વલય જોવા મળે છે. પ્રતિવર્ષ, આ વલયની કિનારીએ બિલાડીના ટોપ ઉત્પન્ન થાય છે. આવા વલયને પરીઓનું વલય (fairy ring) કહે છે. જૂના જમાનામાં લોકો એવું માનતા હતા કે આ વલયો રાત્રે નૃત્ય કરતી પરીઓનાં પદચિહ્નો છે અને બિલાડીના ટોપ પર શ્રમિત થયેલી નાની નાજુક પરીઓ બેસતી હશે ! ખરેખર તો પરીઓનું વલય ભૂમિમાં મિસિતંતુની વૃદ્ધિના પ્રતિભાવ રૂપે ઉદભવે છે. આ મિસિતંતુઓ કોઈ એક મધ્ય બિંદુએથી બધી દિશામાં વર્તુળાકારે વૃદ્ધિ પામે છે. વર્તુળની કિનારીએ મિસિતંતુની સક્રિયતાથી પોષક પદાર્થોનો સ્રાવ થાય છે; જે ઘાસની વૃદ્ધિને ઉત્તેજે છે. તેને પરિણામે મિસિતંતુની ઉપર રહેલું ઘાસનું વર્તુળ આજુબાજુના ઘાસ કરતાં વધારે લીલું લાગે છે. આ વર્તુળની અંદરની બાજુએ વૃદ્ધિ પામતા મિસિતંતુઓ ભૂમિમાંથી પોષક પદાર્થોનું શોષણ કરતા હોવાથી ઘાસનો નાશ થાય છે. ઘાસના વર્તુળની અંદરની કિનારીએ હવે ખુલ્લી થયેલી ભૂમિમાં પરીઓનું વલય ઉત્પન્ન થાય છે. જો ભૂમિમાં કોઈ ફેરફાર ન થાય અને મિસિતંતુઓની વૃદ્ધિ સતત ચાલુ રહે તો પરીઓનું વલય ઘણું મોટું બને છે અને ઘણાં વર્ષો સુધી જીવે છે. કૉલોરાડો, યુ.એસ.નાં કેટલાંક ઘાસનાં મેદાનોમાં આ પરીઓના વલયનો વ્યાસ 60 મી. જેટલો હોય છે ! વિજ્ઞાનીઓની માન્યતા મુજબ તે 300 કરતાં વધારે વર્ષોની ઉંમર ધરાવે છે.
બિલાડીના ટોપને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે : (1) ઝેરી (poisonous) અને (2) બિનઝેરી (nonpoisonous). બિનઝેરી જાતો ખાદ્ય હોય છે. ખાદ્ય બિલાડીના ટોપની, ઝેરી જાતોથી ઓળખવા માટેની કોઈ સરળ કસોટી નથી. તેને માટે સચોટ ઓળખ એ જ માત્ર વિકલ્પ છે. Amenita verna અથવા A. phalloides જેવી જાતિઓનું વિષ મોટાભાગના કિસ્સાઓમાં પ્રાણઘાતક હોય છે. આ જાતિઓમાં રહેલું વિષ (α-ઍમૅનિટિન, β-ઍમૅનિટિન, ફેલૉઇડિન) પેપ્ટાઇડ સ્વરૂપમાં હોય છે.
કેટલીક જાતિઓ ભ્રમોત્પાદક (hallucinogenic) ઘટકો ધરાવે છે. A. muscaria વધારે જથ્થામાં લેવામાં આવે તો ઝેરી છે; પરંતુ અલ્પ પ્રમાણમાં લેવામાં આવે તો તેનાથી ભ્રમ પેદા થાય છે. મધ્ય અને ઉત્તર સાઇબીરિયામાં આદિવાસીઓ તેનો ઉપયોગ કરે છે. મેક્સિકોના કેટલાક ભાગોમાં Psilocybe mexicanaનો ઉપયોગ કરવામાં આવે છે.
બિલાડીના ટોપની 2,000થી વધારે જાતિઓ બિનઝેરી છે. Agaricus campestris, A. bisporus, Collybia albuminosa, Hydnum repantum, Lentinus exilix, L. squyrrosulsus, Lepiota cepaestipes, Lycoperdum sp., Morchella esculenta, Pleurotus ostreatus, Polyporus sulphureus, Volvaria terastria જેવી કેટલીક ભારતીય જાતિઓ ખાદ્ય છે. તેનો કચુંબર તરીકે અને ઈંડાં, માંસ, સૉસ, સૂપ અને અન્ય વાનગીઓને સુગંધિત બનાવવામાં ઉપયોગ થાય છે. તે પ્રજીવક ‘બી’ અને પોટૅશિયમ, ફૉસ્ફરસ અને લોહ જેવાં ખનિજતત્વો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. ચીન અને જાપાન જેવા દેશોમાં બિલાડીના ટોપનું સંવર્ધન એક અગત્યનો ઉદ્યોગ ગણાય છે. મોટાભાગની ખાદ્ય જાતિઓનું ખાસ પ્રકારે બનાવેલ ટોપ-ઘર(mushroom house)માં વાવેતર કરવામાં આવે છે, જ્યાં તાપમાન અને ભેજના પ્રમાણનું નિયંત્રણ થઈ શકે છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે ગુફાઓ બિલાડીના ટોપના સંવર્ધન માટે આદર્શ સ્થાન મનાય છે. સોવિયેટ યુનિયન અને પૂર્વીય યુરોપમાં તેમનું મોટા પાયા પર એકત્રીકરણ કરવામાં આવે છે. મોટાભાગની ખાદ્ય જાતિઓને સૂકવવામાં આવે છે અથવા તેમનું અથાણું બનાવી જ્યારે તાજાં શાકભાજી પ્રાપ્ય હોતાં નથી ત્યારે શિયાળાના મહિનાઓમાં ખાવામાં આવે છે.
બિલાડીના ટોપ ભૂમિને ફળદ્રૂપ બનાવે છે. તેમની વૃદ્ધિ થતાં આધારતલમાં રહેલા પદાર્થોનો કોહવાટ કરે છે અને અગત્યનાં ખનિજો ભૂમિમાં મુક્ત થાય છે. વનસ્પતિઓ આ ખનિજ-પોષક તત્વોનો તેમની વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરે છે.
મ. શિ. દૂબળે
બળદેવભાઈ પટેલ