બિલગ્રામી, અબ્દુલજલીલ (જ. 10 નવેમ્બર 1660, બિલગ્રામ; અ. 1725, દિલ્હી ) : અરબી વિદ્વાન. તેઓ મોગલ સમ્રાટ ઔરંગઝેબ તથા ફર્રુખસિયરના સમયમાં જુદા જુદા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર રહ્યા હતા. તેમણે અરબી, ફારસી ઉપરાંત તુર્કી અને હિન્દી ભાષામાં પણ કાવ્યો લખ્યાં હતાં. તેમણે બિલગ્રામ તથા લખનૌમાં તે સમયના પ્રથમ કક્ષાના શિક્ષકો પાસેથી ઉચ્ચ કોટિનું શિક્ષણ મેળવ્યું હતું અને વિશેષ કરીને અરબી ભાષાશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેમણે મોગલ સામ્રાજ્યમાં દક્કન, ગુજરાત (પંજાબ), ભક્કર તથા સેહવાન(સિંધ)માં બક્ષી અને વકાએનિગાર (રિપૉર્ટર) જેવા હોદ્દા ઉપર કામગીરી બજાવી હતી. તેમનું અવસાન દિલ્હીમાં થયું હતું, પરંતુ તેમને બિલગ્રામમાં દફન કરવામાં આવ્યા હતા.
બિલગ્રામ ઉત્તરપ્રદેશ રાજ્યના હરદોઈ જિલ્લાનું એક પ્રાચીન ગામ છે. ત્યાંના મુસ્લિમ સૈયદ લોકોમાં કવિઓ, લેખકો તથા વિદ્વાનોએ ઘણી નામના પ્રાપ્ત કરી છે. તેમાંથી બિલગ્રામી અબ્દુલજલીલ ઉપરાંત તેમના દીકરા મુહમ્મદ કવિ હતા. તેમનું ઉપનામ ‘શાઇર’ હતું; તેમના દોહિત્ર આઝાદ બિલગ્રામી બિલગ્રામના સૌથી નામાંકિત વિદ્વાન અને લેખક થઈ ગયા છે; અમીર હૈદર – ‘સ્વાનિહે અકબરી’ના લેખક; સૈયદ અલી બિલગ્રામી; ઇમાદુલ મુલ્ક સૈયદ હુસેન બિલગ્રામી પ્રથમ ભારતીય મુસ્લિમ છે, જેમને 1907માં સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયાની કાઉન્સિલના સભ્યપદે નીમવામાં આવ્યા હતા; સૈયદ મુર્તુઝા અલ – ઝુબૈદી, ‘તાજુલ અરૂસ’ના લેખક વગેરે જાણીતા છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી