બિલબાઓ : સ્પેનના ઉત્તર કિનારે આવેલું શહેર, બાસ્ક (Basque) (વિઝકાયા) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 15´ ઉ. અ. અને 2.58´ પ. રે. બાસ્કના અખાતથી આશરે 13 કિમી. દૂર હોવા છતાં તે આ વિસ્તારનું અગત્યનું દરિયાઈ બંદર છે. તે ‘બેલવોઆ’ નામથી પણ ઓળખાય છે.

આ શહેર પહાડી અને સમતળ ભૂમિ પર વસેલું છે. આ શહેરમાં થઈને નેર્વિયૉન (Nervion) નદી પસાર થાય છે અને બાસ્કના અખાતને મળે છે. તે મધ્યમસરની દરિયાઈ આબોહવા ધરાવે છે અને સરેરાશ વાર્ષિક 1,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે.

બાસ્કના અખાત પર આવેલી ખાડીમાં ફેરફારો કરીને બંદરી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. બિલબાઓ અહીંની સમૃદ્ધ લોખંડની ખાણોના ક્ષેત્રમાં આવેલું હોવાથી તે મહત્વનું ઉત્પાદકીય અને વેપારી કેન્દ્ર તથા નાણાકીય મથક બની રહેલું છે. ઉત્તર સ્પેનના વ્યસ્ત રહેતા આ બંદરેથી લોહ-અયસ્ક, લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ, રસાયણો, સિમેન્ટ, ખાદ્ય ચીજો, દારૂ, આટો, કાચ, કાગળ અને ચામડાંની નિકાસ; જ્યારે કોલસો અને કાષ્ઠની ચીજોની આયાત થાય છે. અહીં મળી આવતા પુષ્કળ લોહ-અયસ્કને કારણે ધાતુશોધન-ઉદ્યોગ, લોખંડનાં ઉત્તમકક્ષાનાં હથિયારો-ઓજારો તેમજ યંત્રસામગ્રીના વિવિધ પુરજાઓ બનાવતા ઔદ્યોગિક એકમો, ઊની કાપડ-ઉદ્યોગ, માટીનાં વાસણોનો ઉદ્યોગ, મત્સ્ય-ઉદ્યોગ, જહાજવાડો તેમજ તેના સમારકામનાં ઉદ્યોગ વિકસ્યા છે.

આ શહેર સ્પેનનાં મોટાભાગનાં સ્થળો સાથે રેલમાર્ગોથી સંકળાયેલું છે, અહીં સાત જેટલાં સ્થાનિક રેલમથકો છે. અહીંની નદી પર અગાઉ માત્ર એક જ પુલ હતો, પરંતુ હવે આ શહેર નદીકિનારે વિકસતું ગયેલું હોવાથી શહેરના જૂના અને નવા ભાગોને જોડતા ઘણા પુલ તૈયાર થયા છે.

શહેરમાં 14મી સદીમાં બાંધેલું સાન્ટિયાગોનું દેવળ, સંત જૉન, સાન ઍન્ટોનિયો તથા ઍબડનાં દેવળો આવેલાં છે. તે પૈકી છેલ્લાં બે દેવળોનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. શહેરમાં ટૅકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. આ ઉપરાંત 1993માં અહીં ગગ્ગેનહાઇમ સંગ્રહાલય તૈયાર કરવામાં આવેલું છે.

1300ના અરસામાં વિઝકાયાના તત્કાલીન શાસક ડિયેગો લોપેઝ દ હૅરોએ આ શહેર સ્થાપેલું ત્યારે દરિયાખેડુઓ અહીં વસતા હતા. તેઓ લોહ-અયસ્કમાંથી અહીંના નદીકિનારે ઉત્તમ કક્ષાનાં હથિયારો અને ઓજારો બનાવતા હતા. 15મી અને 16મી સદી દરમિયાન અહીંની લોખંડની સમૃદ્ધ ખાણોને કારણે તે ઝડપથી વિકાસ પામતું ગયેલું. વળી ઊનનો વેપાર પણ તે વખતે મોટા પાયા પર ચાલતો હતો. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન આ શહેરનો વિકાસ મંદ પડી ગયેલો. તેમ છતાં અઢારમી સદીમાં સ્પેન અને યુરોપના અન્ય ભાગોમાંથી અમેરિકામાં જઈને વસેલી વસાહતો માટે તે અગત્યનું વેપારી મથક બની રહેલું. 1795માં અને 1808માં ફ્રેન્ચોએ પણ આ શહેરનો કબજો મેળવવા ત્રણ અસફળ પ્રયાસો કરેલા; પરંતુ ઓગણીસમી સદીમાં ફરીથી તે વિકસતું થયેલું છે. 1936–37માં સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન, તે બાસ્કન સ્વાયત્ત પ્રજાસત્તાકનું વડું મથક રહેલું.

1994 મુજબ આ શહેરની વસ્તી આશરે 3,72,000 જેટલી છે અને બાસ્ક પ્રાંતનું તે મોટામાં મોટું શહેર ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા