બિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પેપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pterocarpus marsupium Roxb. (સં. बीजक, बंधूक पुष्प; હિં, असन, बीजसाल; બં. પિતશાલ; મ. અસન, બીબલા; ગુ. બિયો હિરાદખણ, બીવલો; અં. Indian Kino Tree) છે. તે મધ્યમ કદથી માંડી વિશાળ કદનું લગભગ 30.0 મી. જેટલું ઊંચું અને 2.5 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. સામાન્ય રીતે ડેકન દ્વીપકલ્પ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસાના પહાડી પ્રદેશમાં તે થાય છે. તેની છાલ ભૂખરી, બરછટ, ઊભી તિરાડોવાળી, શલ્કી અને ગુલાબી—સફેદ ચિહ્નોવાળી હોય છે. જૂનાં વૃક્ષો લોહી જેવા લાલ રંગના ગુંદર-રાળ(gum-resin)નો સ્રાવ કરે છે. પર્ણો અયુગ્મ એક-પીંછાકાર સંયુક્ત હોય છે અને 5થી 7 લંબચોરસ (oblong) પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો પીળાં, સુગંધીદાર, મોટા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી, વર્તુલાકાર (orbicular), ચપટું અને સપક્ષ (winged) હોય છે અને 5 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. બીજ એકથી બે, બહિર્ગોળ અને કઠણ હોય છે.
આ વૃક્ષ પાનખરનાં જંગલોમાં તરંગિત (undulating) અને ચપટી ભૂમિ પર જ્યાં જલસિંચન સારા પ્રમાણમાં થતું હોય ત્યાં થાય છે. તે પૂરતા પ્રમાણમાં રેતી ધરાવતી ભૂમિ પસંદ કરે છે; છતાં કેટલાક પ્રમાણમાં ચીકણી માટી ધરાવતી લાલ ગોરાડુ ભૂમિમાં પણ થાય છે. તેના સારા ઉગાવા માટે 75થી 200 સેમી. વરસાદ જરૂરી છે. મૈસૂર અને કેરળમાં તેના વૃક્ષનું કદ મહત્તમ હોય છે. તેના તરુણ રોપ હિમ-સંવેદી હોય છે. દક્ષિણ ભારતમાં ચા અને કૉફીના બગીચાઓમાં તેનું છાયા-વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે.
દક્ષિણ ભારતના સૌથી અગત્યના પ્રકાષ્ઠ (timber) પૈકીમાંનું તે એક છે. રસકાષ્ઠ (sapwood) આછું પીળાશ પડતું, સફેદ અથવા સફેદ અને સાંકડું હોય છે. અંત:કાષ્ઠ (heart wood) સોનેરી પીળાશ પડતું બદામી હોય છે અને વધારે ઘેરા રંગની રેખાઓ ધરાવે છે. તે મધ્યમ-બરછટ ગઠન ધરાવતું, મજબૂત, ખૂબ સખત અને મધ્યમસર–ભારે (વિ. ગુ. 0.796; 801 કિગ્રા./ઘમી.) હોય છે. કાષ્ઠ મધ્યમ–ઉચ્ચતાપસહ (refractory) હોય છે અને તેનું હવા દ્વારા સંશોષણ સારી રીતે થાય છે અને તિરાડો પડતી નથી. અંત:કાષ્ઠ ઘણી વાર સડી જતું હોવાથી તેના રૂપાંતર (conversion) દરમિયાન રક્ષણ આપવું જરૂરી બને છે. લીલા થડનું કાષ્ઠપટ (plank) કે નિશ્ચિત માપના કાષ્ઠના ટુકડા કરવા માટે તેમને 6 અઠવાડિયાં માટે વહેતા અથવા 4 માસ માટે સ્થાયી પાણીમાં રાખવામાં આવે છે. તેથી કાષ્ઠ દેખાવમાં સીસમ (Dalbergia sissoo) જેવું બને છે. તે ભઠ્ઠી-સંશોષણ (kiln-seasoning) માટે 16થી 20 દિવસ લે છે. ખુલ્લી સ્થિતિ કરતાં આચ્છાદિત સ્થિતિમાં તે વધારે ટકાઉ બને છે. તેને વહેરવું સહેલું છે છતાં સારું પરિષ્કૃત (finished) કાષ્ઠ બનાવવું મુશ્કેલ હોય છે. સાગની તુલનામાં તેના પ્રકાષ્ઠ(timber)ના ગુણધર્મો ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 115; પાટડાનું સામર્થ્ય (strength) 105; પાટડાની દુર્નમ્યતા (stiffness) 95; થાંભલા તરીકેની ઉપયુક્તતા (suitability) 95; આઘાત-અવરોધ-શક્તિ (shock-resisting ability) 135; આકારની જાળવણી 75; અપરૂપણ (shear) 115; અને કઠોરતા 135.
તેનું પ્રકાષ્ઠ મુખ્યત્વે બાંધકામ માટે વપરાય છે. તેનાં બારણાં, બારીનાં ચોકઠાં, તરાપા, પાટડા અને થાંભલા બનાવવામાં આવે છે. સંશોષણ અને ચિકિત્સા આપ્યા પછી તેનો સાગની અવેજીમાં ઉપયોગ થાય છે. તે રેલવેના ડબ્બા, વૅગન, ગાડાં, હોડી અને કેટલીક વાર વહાણના બાંધકામમાં પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ કૃષિવિદ્યાકીય ઓજારો, ડ્રમ, હાથાઓ, ચિત્રનાં ચોકઠાં, કોતરકામ, સાંધકામ, કૅબિનેટ અને પુલ બનાવવામાં થાય છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. તેનું કૅલરીમૂલ્ય : રસકાષ્ઠ – 4.904 અને અંત:કાષ્ઠ – 5.141 છે.
છાલમાં એલ-એપીકેટેચિન અને રતાશ પડતું બદામી દ્રવ્ય હોય છે. તેનો ઉપયોગ રંગકામમાં થાય છે.
તેની છાલમાં એધા (cambium) સુધી કાપ મૂકતાં ગુંદરનો સ્રાવ થાય છે. તેને ‘કાઇનો’ ગુંદર કહે છે. તેનો ભારતીય ઔષધકોશ(pharmacopoeia)માં સમાવેશ કરવામાં આવ્યો છે. તે નાના (3–0થી 5–0 મિમી.), ખાંચોવાળા (angular), ચળકતા, બરડ ગાંગડા સ્વરૂપે થાય છે અને લગભગ કાળા રંગનો હોય છે. તે ગંધવિહીન, કડવો અને સંકોચક હોય છે. તે કાઇનોટેનિક ઍસિડ (25 %થી 80 %), કાઇનોઇન (C28H24O12), કાઇનો-રેડ (C28H22O11), ઉપરાંત અલ્પ જથ્થામાં કૅટેચોલ (પાયરોકૅટેચિન, પ્રોટોકૅટેચ્યુઇક ઍસિડ, રાળ, પૅક્ટિન અને ગૅલિક ઍસિડ ધરાવે છે. કાઇનોનું ઔષધમૂલ્ય કાઇનોટેનિક ઍસિડને કારણે છે. તે શક્તિશાળી સંકોચક હોવાથી તેનો અતિસાર (diarrhoea) અને મરડા(dysentery)માં ઉપયોગ કરવામાં આવે છે તે પ્રદર (leucerrhoea) અને રક્તસ્રાવમાં ઉપયોગી છે. તેનો રંગકામ, ચર્મશોધન, છાપકામ અને કાગળઉદ્યોગમાં ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર તે કડવો, તીખો, ગરમ, સારક, ત્વચા અને વાળ માટે હિતકર, રસાયન અને વાતપીડા, કંઠનો રોગ, ત્વચાનાં દર્દો, સફેદ કોઢ, પ્રમેહ, કફવિકાર, રક્તવિકાર, મેદ, વ્રણ, રક્તપિત્ત, મૂત્રરોગ, કૃમિ અને હાથીપગામાં લાભપ્રદ છે. તેનો ગુંદર લોહીવા, લોહીના ઝાડા, ઝાડા, આંચકા, પીડા, દંતશૂળ, દાહ અને પ્રમેહરોગનાશક છે. તે શીતળ, ગ્રાહી, જંતુનાશક, રોપણકર્તા અને રક્તસ્રાવ અટકાવનાર છે.
તેનો ઉપયોગ અતિસાર, સંગ્રહણી, આમ, પ્રદર, રક્તપિત્ત અને ધાતુવિકાર ઉપર; ધાતુપુષ્ટિ માટે, થાક ઉતારવા માટે તથા પેટમાં ગુલ્મરોગ ઉપર, ઝાડ ઉપરથી પડવાથી છાતીમાં લોહી બંધાઈ જાય તે ઉપર અને અસ્થિભંગ ઉપર થાય છે.
તેનો કાષ્ઠનો આસવ મધુપ્રમેહમાં ઉપયોગી છે. કાષ્ઠની જલવાહિનીઓમાં રહેલું સંગૃહીત પાણી પ્રતિમધુપ્રમેહ (antidiabetic) ગુણધર્મો ધરાવે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ