બિરજુ મહારાજ (જ. 4 ફેબ્રુઆરી 1938, હંડિયા તહસીલ ) : ભારતના અગ્રણી કથક નૃત્યકાર. જાણીતા શાસ્ત્રીય કથક નૃત્યકાર અચ્છન મહારાજના પુત્ર. મૂળ નામ બ્રિજમોહન. બનારસ અને અલાહાબાદની વચ્ચે હંડિયા તહસીલમાં તેમનું પારંપરિક કુટુંબ જ્યાં વસ્યું હતું ત્યાં તેમનો જન્મ થયો હતો. જન્મસમયે મા સ્વસ્થ હતી. પ્રસૂતિ-વૉર્ડમાંની બધી સ્ત્રીઓને પુત્રીઓ જન્મતી હતી, ત્યારે તેમને પુત્ર અવતર્યો હતો. એથી કૃષ્ણભક્તિપ્રિય માતાએ તેમના પુત્રમાં વ્રજબિહારીનું દર્શન કર્યું અને તેનું નામ બ્રિજમોહન પાડ્યું. પછીથી લાડમાં ‘બ્રિજમોહન’નું બિરજુ થયું.

તેમને નૃત્યની પ્રાથમિક શિક્ષા પિતા પાસેથી મળી હતી. દસ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેમણે નૃત્યની શિક્ષા કાકા અને જાણીતા નૃત્યકાર લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ પાસેથી પ્રાપ્ત કરી હતી. માત્ર સાત વર્ષની વયે તેમણે તેમનો નૃત્યનો પ્રથમ કાર્યક્રમ દેહરાદૂન ખાતે પ્રસ્તુત કર્યો હતો. પિતાના અવસાન બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિ કથળી હતી, છતાં તેમણે નૃત્યની સાધના ચાલુ રાખી હતી. થોડાક સમય માટે તેમણે દિલ્હીની ‘સંગીતભારતી’ નામક સંસ્થામાં શિક્ષણકાર્ય કર્યું હતું. દિલ્હીમાં તેમણે કેટલીક નૃત્યનાટિકાઓની રચના કરી હતી. ત્યારબાદ થોડા સમય માટે લખનૌ રહ્યા અને ફરી દિલ્હીની ‘ભારતીય કલાકેન્દ્ર’માં શિક્ષકની નોકરી સ્વીકારી. ત્યાં તેમણે ઘણી નૃત્યનાટિકાઓનું નિર્માણ કર્યું. તેમાંની ‘કુમારસંભવ’, ‘ગોવર્ધનલીલા’, ‘શામે-અવધ’ અને ‘માલતીમાધવ’ ખૂબ લોકપ્રિય થઈ છે. ઠૂમરી અને દાદરાના ગાયક તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

1983માં કલાસંગીત વિદ્યાલયે અને ત્યારબાદ બનારસ હિંદુ યુનિવર્સિટી તથા ઇંદિરા ગાંધી સંગીત મહાવિદ્યાલય, ખૈરાગઢે તેમને ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિ આપી હતી. ભારત સરકારે તેમને ક્રમશ: ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ તથા 1986માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માન્યા છે. 1986માં મધ્યપ્રદેશની સરકારે તેમને કાલિદાસ સન્માનથી નવાજ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમને ‘સોવિયેટ લૅન્ડ નેહરુ ઍવૉર્ડ’ (1986) અને ‘નૃત્યચૂડામણિ’ ઍવૉર્ડ (1986) પણ એનાયત થયા છે.

તેમણે ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને સોવિયેટ સંઘમાં પણ કથક નૃત્યના જાહેર કાર્યક્રમો આપ્યા છે. નવી દિલ્હી ખાતેના કથક કેન્દ્રના નૃત્યનાટિકા વિભાગના તેઓ નિયામક છે.

પ્રકૃતિ કાશ્યપ