બિયાસ : પંજાબની જાણીતી પાંચ નદીઓ પૈકીની એક. પ્રાચીન નામ વિપાશા. આ નદી પંજાબ રાજ્યના ઉત્તર ભાગમાં થઈને વહે છે. હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ‘પંજાબ હિમાલય’ના રોહતાંગ ઘાટમાં 4,361 મીટરની ઊંચાઈએથી તે નીકળે છે.

હિમાલય ગિરિમાળામાંથી પંજાબ-હિમાચલ પ્રદેશ તરફ વહેતી બિયાસ નદી
અહીંથી તે દક્ષિણ તરફ કુલુ ખીણમાં પ્રવેશે છે, ત્યાં આજુબાજુના ઢોળાવો પરથી નીકળતી નાની નદીશાખાઓ તેને મળે છે. ત્યાંથી પશ્ચિમ તરફનો વળાંક લઈ મંડી નજીકથી પસાર થઈ કાંગરાની ખીણમાં વહે છે. કાંગરા ખીણને વટાવીને તે પંજાબમાં પ્રવેશે છે. પંજાબમાંથી દક્ષિણ તરફ વહી નૈર્ઋત્ય તરફનો વળાંક લઈ સતલજ નદીને મળી જાય છે. આમ સતલજ નદીના સંગમ સુધીનો તેનો પ્રવાહપથ લગભગ 470 કિમી જેટલો છે. ઈ.પૂ. 326માં ભારત જીતવા આવેલો ઍલેક્ઝાન્ડર બિયાસ નદીની હદ સુધી પહોંચી શકેલો.
ગિરીશભાઈ પંડ્યા