બિયાનામ : આસામનાં લગ્નગીતો. આસામમાં લગ્નની જુદી જુદી વિધિ પ્રમાણે ગાવાનાં ગીતો. એ બિયાનામમાં વિધિ પ્રમાણે જુદા જુદાં ગીતો હોય છે. એમાં લગ્નપૂર્વેથી વિધિના સમાપન સુધીનાં ગીતોનો સમાવેશ થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ બંને ઠેકાણે ગવાતાં ગીતોને બિયાનામ કહેવાય છે. લગ્નપૂર્વે ગવાતાં ગીતમાં કન્યાનાં ઘરનાં વખાણ હોય છે.

કન્યાપક્ષ તરફથી ગવાતાં ગીતોમાં કરુણની છાંટ હોય છે, જ્યારે વરપક્ષ તરફથી ગવાતાં ગીતોમાં આનંદોલ્લાસની અભિવ્યક્તિ હોય છે. આ લગ્ન પૂર્વે ગવાતાં ગીતોને જોરોન દિયાનામ કહે છે. આ ગીતો વરપક્ષ તરફથી કન્યાને ઘરેણાં, કપડાં આપતી વખતે ગવાતાં હોય છે.

નાઓવાનામ : કન્યાને પીઠી ચોળતી વખતે અને સરસિયા તેલથી એને માલિશ કરતી વખતે ગવાતાં ગીતો.

ગાધોવાનામ : ભોજન માટે અનાજ ખાંડતી અને કૂટતી વખતે ગવાતાં ગીતો.

પાનીતોલાનામ : કન્યાની મા લગ્નવિધિ માટે પવિત્ર પાણી લેવા જાય અને લઈને આવે ત્યારે ગવાતાં ગીતો.

સુદગીરીતોલાનામ : વર પરણવા આવે ત્યારે વરઘોડિયાંનું સ્વાગત કરતી વખતે ગવાતાં ગીતો.

ચોવાટી ઉત્સવ નામ : કન્યાને ચોરીમાં લઈ જતી વખતે ગવાતાં ગીત.

સંપદાનાનામ : કન્યાદાન વિધિ વખતે ગવાતું ગીત. વરને ત્યાં પણ ગીતો ગવાય છે. એ ગીતો આનંદ અને ઉલ્લાસનાં હોય છે, જ્યારે કન્યાને ત્યાં જે ગીતો ગવાય છે તેમાં કરુણ સૂરો હોય છે.

 આ ઉપરાંત કન્યા પક્ષ તરફથી વરને તથા વરઘોડિયાંને ચીડવવા પણ ગીતો ગવાય છે. વળી, વરસાદ ન આવતો હોય તો લોકો દેડકા અને દેડકીનાં વિધિસર લગ્ન કરાવે છે અને તે વખતે ગવાતાં ગીતોનો પણ બિયાનામમાં સમાવેશ થાય છે. એ લગ્નમાં ઇન્દ્રને આમંત્રણ આપતાં ગીતો પણ ગવાય છે.

ચન્દ્રકાન્ત મહેતા