બિયાંતસિંગ (જ. 22 ફેબ્રુઆરી 1922, કોટલી, જિ. લુધિયાના; અ. 30 સપ્ટેમ્બર 1995, ચંદીગઢ) : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખાલિસ્તાનવાદી આતંકવાદનો ભોગ બનેલા રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અવિભાજિત પંજાબના લુધિયાના જિલ્લાની શિક્ષણસંસ્થાઓમાં લીધા બાદ લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને પિતાની ઇચ્છાને માન આપવા ખાતર 1948માં લશ્કરમાં જોડાયા; પરંતુ બે વર્ષ બાદ લશ્કરની નોકરીનો ત્યાગ કરી સીધા રાજકારણમાં જોડાયા.

બિયાંતસિંગ

1950માં પોતાના જન્મસ્થાન કોટલીના સરપંચપદે ચૂંટાયા અને ત્યારથી અવસાન સુધીના સતત 45 વર્ષ સુધી રાજ્યના રાજકારણમાં કટ્ટર રાષ્ટ્રવાદી નેતા તરીકે સક્રિય રહ્યા. શરૂઆતનાં વર્ષો દરમિયાન તેઓ પ્રતાપસિંગ કૈરોના તત્કાલીન વિરોધી ગ્યાનસિંગ શરેવાલની છાવણીમાં રહ્યા, પરંતુ થોડાક સમય પછી પ્રતાપસિંગ કૈરોની છાવણીમાં દાખલ થયા, જેને પરિણામે દોરાહા બ્લૉક સમિતિના અધ્યક્ષપદે તેમની વરણી થઈ. 1967માં વિધાનસભાની ચૂંટણીમાં સર્વપ્રથમ વાર અકાલીદળ વતી કૉંગ્રેસના ગ્યાનસિંગ શરેવાલ સામે ઉમેદવારી કરી, પરંતુ પરાજિત થયા. બે વર્ષ પછીની 1969ની વિધાનસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચે ફરી સામનો થયો જેમાં કૉંગ્રેસના ટેકાથી સ્વતંત્ર/અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેલા બિયાંતસિંગે અકાલીદળના ઉમેદવાર શરેવાલ પર વિજય મેળવ્યો. 1972માં પંજાબ વિધાનસભા માટે ફરી ચૂંટણી થવાની હતી તે પૂર્વે બિયાંતસિંગ પ્રથમ વાર કૉંગ્રેસમાં જોડાયા અને ત્યારપછીની ત્રણ ચૂંટણીઓ –1972, 1977 અને 1980–માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે વિજય મેળવ્યો. 1972માં કાગ્રેસ સાથે નાતો જોડ્યા પછીના અવસાન સુધીના સમયગાળા દરમિયાન એક રાષ્ટ્રવાદી નેતા તરીકેની તેમની છબી ઊપસી આવી અને તેને કારણે જ તેઓ અકાલીદળ અને આતંકવાદીઓ સામે નિષ્ઠાપૂર્વક ઝૂઝતા રહ્યા.

1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ત્યારપછી થોડોક સમય પંજાબ કૉંગ્રેસના મહામંત્રી તરીકે અને ત્યારબાદ તેના અધ્યક્ષ તરીકે તેમણે સેવાઓ આપી. 1992માં રાજ્યમાં વિધાનસભાની ફરી ચૂંટણી થઈ, જેનો અકાલીદળે બહિષ્કાર કર્યો હોવાથી મતદાર મંડળના કુલ શીખ મતદારોમાંથી આશરે 95 % શીખોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ ચૂંટણીમાં બિયાંતસિંગના નેતૃત્વ હેઠળ કાગ્રેસ પક્ષને બહુમતી પ્રાપ્ત થતાં બિયાંતસિંગ ત્રીજી વાર પંજાબના મુખ્યપ્રધાન બન્યા. 1992–95નો આશરે ત્રણ વર્ષનો કાળ તેમની રાજકીય કારકિર્દી માટે અત્યંત કપરો હતો. એક તરફ શીખ સમુદાયને વિશ્વાસમાં લેવાનો પડકાર સામે હતો તો બીજી તરફ પંજાબમાં આતંકવાદને નાથવાનું અને સાથોસાથ રાજ્યનો વિકાસ સાધવાનું અત્યંત મુશ્કેલ કામ પૂરું કરવાનું હતું. આ બંને કામો પૂરાં કરવા માટે બિયાંતસિંગે સંઘર્ષ કરતાં સમાધાનનો માર્ગ પસંદ કર્યો અને ‘પ્રથમ શાંતિ અને ત્યારબાદ વિકાસ’ આ સૂત્રનો અંગીકાર કર્યો. શીખ સમુદાયની ઘવાયેલી લાગણીઓને શાંત પાડવા માટે બિયાંતસિંગે ત્રણ માગણીઓ પર ભાર મૂક્યો : એક તો ચંદીગઢ પંજાબને ત્વરિત ફાળવવું જોઈએ; બીજું, 1966માં ભારતમાં રાજ્યોની પુન:રચના થઈ તે પહેલાંના સંયુક્ત પંજાબ રાજ્યના જે વિસ્તારો હતા તે બધા ભેગા કરીને નવા પંજાબ રાજ્યની પુન:રચના થવી જોઈએ અને ત્રીજું કે સંયુક્ત પંજાબ રાજ્યની પુન:રચના થાય તે પૂર્વે દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ – આ ત્રણેય રાજ્યોમાં પંજાબી ભાષાને બીજી અધિકૃત ભાષાનું સ્થાન આપવું જોઈએ. તેમનું આ સ્વપ્ન સાકાર થાય તે પહેલાં જ આતંકવાદીઓએ પંજાબના આ ‘શેર દા પુત્તર’નો કાર બૉમ્બથી ભોગ લીધો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે