બિઠૂર : ઉત્તરપ્રદેશમાં કાનપુર પાસેનો એક કસબો. પ્રાચીન કાળમાં તે ઉત્પલારણ્ય કહેવાતું હતું. બ્રહ્માએ પ્રજાની ઉત્પત્તિની ઇચ્છાથી આ સ્થળે યજ્ઞ કર્યો હતો અને બ્રહ્મેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ વડે તેમણે મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યાં. બ્રહ્માએ અહીં યજ્ઞ કર્યો તેથી આ સ્થળ ‘બ્રહ્માવર્ત’ કહેવાયું. તે યજ્ઞના સ્થળની આજે પણ લોકો પૂજા કરે છે. અનુશ્રુતિ મુજબ આ સ્થળે સ્વયંભૂ મનુનું રાજ્ય થયું ત્યારે તે માહિષ્મતીપુરી કહેવાયું.
ઈ. સ. 1818માં અંગ્રેજોએ છેલ્લા મરાઠા પેશવા બાજીરાવ બીજાને હરાવીને તેને બિઠૂર મોકલ્યો હતો. તેને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું. ત્યારબાદ તેના દત્તક પુત્ર નાનાસાહેબ અને તાત્યા ટોપેને કારણે 1857ના વિપ્લવનું તે એક કેન્દ્ર બન્યું હતું. કાનપુર પાસે બીબીઘરના હત્યાકાંડ પછી નાનાસાહેબે બિઠૂર ખાલી કર્યું. ત્યારબાદ અંગ્રેજોએ પેશવાનો મહેલ તથા ત્યાંનાં મંદિરોનો નાશ કર્યો. પેશવાના મહેલમાંના કૂવામાંથી સોનાના અસંખ્ય સિક્કા સહિત સોના-ચાંદીના દાગીના, ઝવેરાત વગેરે મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. તે બ્રિટિશ સરકારે પોતાની પાસે રાખી લીધેલું.
જયકુમાર ર. શુક્લ