બિંબિસાર (ઈ. પૂ.ની છઠ્ઠી સદી) : મગધના પ્રતાપી રાજવી. શાસનકાળ ઈ. પૂ. 544થી ઈ. પૂ. 492. તેમના પૂર્વજો વિશે પ્રાચીન ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે; પરંતુ ‘બુદ્ધચરિત્ર’ના લેખક અશ્વઘોષના ઉલ્લેખને માન્ય રાખીને મોટા ભાગના વિદ્વાનો તે ‘હર્યંક વંશ’ના હોવાનું સ્વીકારે છે. પિતા ભટ્ટીય સામાન્ય સામંત હતા. પડોશી રાજ્ય અંગદેશના શાસક બ્રહ્મદત્ત સાથેના યુદ્ધમાં તે માર્યા ગયા હતા. પંદર વર્ષની નાની ઉંમરે બિંબિસાર સત્તા પર આવ્યા ત્યારે ઉત્તર હિન્દનાં અનેક નાનાંમોટાં રાજ્યો વચ્ચે સત્તા અને સર્વોપરિતા માટે સંઘર્ષ ચાલતો હતો. પોતાની કુશળ રાજનીતિ અને રણનીતિથી તેમણે મગધના નાનકડા રાજ્યને એક શક્તિશાળી મહારાજ્યમાં ફેરવી નાખ્યું. તેમણે સમકાલીન મહાસત્તાઓ સાથે લગ્ન તથા મૈત્રીસંબંધો વિકસાવી પોતાનું સ્થાન મજબૂત કર્યું. તે સમયે કોશલરાજ્ય મહાસત્તા હતું. ત્યાંની રાજકુંવરી, મહારાજા મહાકોશલની પુત્રી અને પ્રસેનજિતની બહેન કોશલદેવી સાથે તેમણે લગ્ન કર્યાં. બદલામાં વાર્ષિક એક લાખની આવકવાળો કાશી અને તેની આસપાસનો વિસ્તાર પ્રાપ્ત કર્યો. લિચ્છવી રાજવી ચેટકની પુત્રી ચેલન્ના, મદ્રરાજ્યની રાજકુમારી ક્ષેમા અને વિદેહકુંવરી વાસવી સાથે પણ તેમણે લગ્ન કર્યાં હતાં. આ લગ્નસંબંધોને કારણે તેમને ઉત્તર હિન્દની શક્તિશાળી રાજ્યસત્તાઓનું સમર્થન પ્રાપ્ત થયું. અવન્તિનરેશ ચંડપ્રદ્યોતની સાથે તેમણે મૈત્રીસંબંધો સ્થાપ્યા અને તેમની માંદગી વખતે પોતાના વિખ્યાત રાજવૈદ જીવકને તેની શુશ્રૂષા માટે મોકલી આપ્યો. પિતાનું અધૂરું કાર્ય પૂરું કરવા પડોશી અંગદેશ પર આક્રમણ કરી તેની રાજધાની ચંપાનગરી કબજે કરી. ત્યાં પોતાના પુત્ર અજાતશત્રુને વ્યવસ્થાપક તરીકે નીમ્યો. બૌદ્ધ ગ્રંથોના ઉલ્લેખ મુજબ, તેનું રાજ્ય ત્રણ સો યોજનમાં વિસ્તરેલું હતું અને તેમાં એંશી હજાર ગામોનો સમાવેશ થતો હતો. પ્રારંભમાં તેની રાજધાની ગિરિવ્રજમાં હતી, જે પાછળથી રાજગૃહ મુકામે ખસેડવામાં આવી. પ્રાચીન ગ્રંથોએ તેમને કુશળ અને વત્સલ શાસક તરીકે વર્ણવ્યા છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી તેમના સમકાલીન હતા. તેઓ બંને મહાપુરુષો પ્રત્યે આદર ધરાવતા હતા અને તેમનો સત્સંગ કરતા હતા. તે ધાર્મિક ર્દષ્ટિએ ઉદાર અને સહિષ્ણુ રાજવી હતા. જૈન, બૌદ્ધ તથા બ્રાહ્મણધર્મીઓને તે ઉદાર હાથે સખાવતો કરતા હતા. મગધની મહાનતાના સ્થાપક તરીકે ઇતિહાસમાં તેમનું સ્થાન અંકાયેલું છે.
રોહિત પ્ર. પંડ્યા