બિંદુ : શબ્દ-સાધનામાં સંસારમાં વ્યાપ્ત અનાહત નાદને પિંડમાં પણ માનેલો છે. નાદથી પ્રકાશ થાય છે અને પ્રકાશનું વ્યક્ત રૂપ બિંદુ છે, જે તેજનું પ્રતીક છે. બિંદુના ત્રણ પ્રકાર છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. નાદ અને બિંદુની આ ક્રીડા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પિંડમાં એ બિંદુ વીર્યબિંદુના રૂપમાં હોય છે અને હઠયોગી સાધક તે બિંદુને કારણથી બચાવીને ઉપર ઉઠાવે છે. બૌદ્ધ તથા શાક્ત તાંત્રિક સાધનાઓમાં વજ્રૌલી, સહજૌલી વગેર અનેક ક્રિયાઓ એવી કરવામાં આવતી કે જેમાં સાધક મુદ્રા વડે સમાગમ કરતી વખતે પણ બિંદુને સ્ખલિત થવા નહોતા દેતા બલ્કે એને ઉપર ખેંચી લેતા. આવા યોગીને ઊર્ધ્વ-રેતસ્ કહેવામાં આવતા.

પ્રવીણચંદ્ર પરીખ