બાહલિક (રાજા)

January, 2000

બાહલિક (રાજા) : કુરુવંશનો એક પ્રતાપી રાજા. તે બાહલિક દેશના રાજા પ્રતીપ અને રાણી સુનંદાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. જરાસંધનો મિત્ર હોઈને તે મથુરા પરના આક્રમણ વખતે જરાસંધની સહાયતામાં રહ્યો હતો. જરાસંધે તેને દક્ષિણ પ્રવેશદ્વાર અને ગોમાંતકથી દક્ષિણના પ્રદેશનો અધિપતિ બનાવ્યો હતો. તેની બહેનો રોહિણી અને પૌરવીનાં લગ્ન યાદવનેતા વસુદેવ સાથે થયાં હતાં. બાહલિક કુરુઓમાં તે અગ્રણી ગણાતો હતો. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષનો એક સેનાપતિ હતો અને ભીમના હાથે મરાયો હતો. તેને સોમદત્તાદિ સાત પુત્રો હતા, જેમણે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અને દુર્યોધનની સેનામાં સક્રિય ભાગ લીધો હતો.

પ્રવીણચંદ્ર પરીખ