બાવળા : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 22° 49´ 30´´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે. અમદાવાદથી તે 32 કિમી. દૂર નૈર્ઋત્ય દિશામાં ઉતાવળી નદીના કાંઠે વસેલું છે. બાવળા અમદાવાદ–ભાવનગર મીટરગેજ પરનું રેલમથક છે અને અમદાવાદ–ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ દ્વારા ધંધૂકા, બરવાળા, વલભીપુર અને ભાવનગર સાથે તથા અમદાવાદને ખેડા જિલ્લા સાથે જોડતા તાલુકા-મથક ધોળકા, કોઠ, આણંદ, વગેરે જેવાં નગરો સાથે જિલ્લા કક્ષાના માર્ગો દ્વારા જોડાયેલું છે. તે ધંધૂકા-ઘોઘા-તગડી માર્ગથી પણ ઓગણીસમી સદીથી જોડાયેલું છે.
બાવળા ધોળકા તાલુકાનું મહત્વનું વેપારી કેન્દ્ર છે. અહીં નિયંત્રિત બજાર ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી કપાસ, ઘઉં અને ડાંગર વેચાણ માટે આવે છે. કપાસની મોસમ દરમિયાન નજીકનાં ગામોમાંથી ચાર માસ માટે શ્રમિકો આવે છે. માલસંગ્રહ માટે વેર હાઉસિંગ કૉર્પોરેશનનું ગોદામ તથા ખાનગી ગોડાઉન તૈયાર કરાયેલાં છે. બાવળામાં હાથસાળનું કાપડ બને છે. અહીં જિનિંગ-પ્રેસિંગ મિલો, કાગળ-પૂંઠાંની અને ડાંગર છડવાની મિલ તથા ખેતીનાં સાધનો અને ઑઇલ એંજિન દુરસ્ત કરવાનાં કારખાનાં છે. 66 કિલોવૉટ ક્ષમતાધારક વીજમથક દ્વારા બાવળા નગર તથા ગ્રામવિસ્તારોને વીજળીની સુવિધા પૂરી પડાય છે. ધોળકાથી વાયવ્યમાં 9 કિમી. દૂર બાવળા નજીક કુદરતી વાયુક્ષેત્ર છે, ત્યાં ચાર કૂવાનું શારકામ કરવામાં આવેલું છે.
આજુબાજુના વિસ્તાર માટેનું બાવળા ખરીદ-વેચાણનું કેન્દ્ર હોવાથી અહીં બે રાષ્ટ્રીયકૃત બૅંકોની શાખાઓ તથા એક જિલ્લા સહકારી બૅંકની શાખા છે. આ ઉપરાંત અહીં વિવિધ કાર્યકારી ગોપાલક સહકારી મંડળી, ગૃહ સહકારી મંડળી, જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની શાખા અને ગ્રામવિસ્તારોમાં સેવા આપતા ડૉક્ટરોને તાલીમ આપતું આરોગ્ય-મથક પણ છે. અહીં એક બાલમંદિર, બે પ્રાથમિક અને બે માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય, પછાતવર્ગનું છાત્રાલય વગેરે જેવી શૈક્ષણિક સંસ્થાઓની સગવડ છે. આ સિવાય અહીં વિદ્યુત બૉર્ડ, ટેલિફોન-એક્સચેન્જ, કૉટન-ઇન્સ્પેક્ટર તથા ફતેહવાડી નહેરના સિંચાઈ ખાતાની કચેરીઓ આવેલી છે.
1991ની વસ્તીગણતરી મુજબ બાવળાની વસ્તી 25,369 છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 904નું છે. અહીં આશરે 65 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે
શિવપ્રસાદ રાજગોર