બાળશોષ (marasmus) : પાતળા પડેલા સ્નાયુવાળો તથા હાડકાંને જાણે ઢીલી કરચલીવાળી ચામડી વડે વીંટાળ્યાં હોય એવો દેખાવ ઉપજાવતો, ઉમરના પ્રમાણમાં 60 % કે તેથી ઓછું વજન ધરાવતો, ફૂલેલા પેટવાળો, અતિશય ભૂખ તથા અકળામણ(irritation)નાં લક્ષણો દર્શાવતો બાળકોનો રોગ. તેને શિશૂર્જા-ઊણપ પણ કહે છે (વિશ્વકોશ ખંડ 10, પૃ. 514–524 : ન્યૂનતાજન્ય રોગો). પોષણની ઊણપને કારણે જ્યારે ઊર્જા (શક્તિ) મેળવવામાં શરીરમાંની ચરબી વપરાઈ ગઈ હોય ત્યારે આવું બને છે. સ્નાયુઓમાં પોષણના અભાવે અપોષી ક્ષીણતા (atrophy) આવેલી હોય છે. ચામડીમાં કરચલીઓ અને ગડીઓ પડે છે. બેઠક-વિસ્તાર (gluteal region) અને જાંઘની અંદરની બાજુ પર તે ખાસ જોવા મળે છે. ગાલમાંની ચરબીનું પડ (કપોલીય મેદરાશિ, buccal fat pad) છેક છેલ્લે સુધી જળવાઈ રહે છે, કેમ કે તેમાં પણ સંતૃપ્ત મેદ(saturated fat)નો જથ્થો હોય છે. તે છેક છેલ્લે વપરાય છે. ચામડી સુક્કી અને ખેંચીને સહેલાઈથી લાંબી ન કરી શકાય તેવી અલંબનશીલ (inelastic) બને છે અને તેમાં ચેપ લાગવાની શક્યતા વધે છે. વાળ ભૂખરા (ઝાંખા રંગના) બને છે. સ્નાયુ પાતળા પડે છે. તેને સ્નાયુક્ષીણતા (muscle wasting) કહે છે. તેને કારણે પેટના સ્નાયુઓની સજ્જતા (muscle tone) ઘટે છે અને તેથી તે ઢીલા પડે છે. સામાન્ય રીતે મોટા આંતરડામાંના સૂક્ષ્મ જીવો આહારી દ્રવ્યોમાંની શર્કરાને આથો ચડાવે છે, જેને કારણે ઘણો વાયુ બને છે. વાયુપ્રકોપ તથા સ્નાયુઓની અલ્પસજ્જતા(hypotonia)ને કારણે પેટ ફૂલેલું લાગે છે. ખભા અને કોણી વચ્ચેના હાથના ભાગને બાહુ અથવા ભુજા (arm) કહે છે. તેના મધ્ય ભાગના પરિઘ(ઘેરાવા)ને માપવાથી પોષણની માહિતી મળે છે. તેને મધ્યભુજા પરિઘ (midarm circumference) કહે છે. તે ઘટે છે. સ્નાયુ પાતળા પડવાથી હાડકાં વધુ સ્પષ્ટપણે દેખાય છે. શિશૂર્જા-ઊણપ અથવા બાળશોષનો દર્દી સતેજ (alert), સહેલાઈથી અકળાઈ જનાર અને પુષ્કળ ખાનારો હોય છે.
બાળકોમાં જોવા મળતી એક અન્ય પ્રકારની પોષણલક્ષી ઊણપને બાળપ્રોટીન-ઊણપ (kwashiorkar) કહે છે. તેમાં બાળકના શરીરની વૃદ્ધિમાં ઘટાડો તથા હાથપગ પર સોજા પણ થાય છે. વળી બાળકમાં મનોગતિકીય (psychomotor) ફેરફારો પણ જોવા મળે છે. આવું બાળક થાકેલું, તેજહીન અને આસપાસમાં રસ ન લેનારું થઈ જાય છે. ક્યારેક આ બંને વિકારોનાં ચિહ્નો અને લક્ષણો એકસાથે જોવા મળે છે. તેને બાળશોષી બાળપ્રોટીન-ઊણપ અથવા શિશૂર્જા-પ્રોટીન-ઊણપ (marasmic kwashiorkor) કહે છે. આ જ કારણસર હાલ આવા કુપોષણની ઊણપવાળા વિકારોને સંયુક્તપણે પ્રોટીનોર્જા-કુપોષણ (protein-energy malnutrition) કહે છે.
સારવાર : સારવારનો મુખ્ય સિદ્ધાંત છે પોષણની કમીને પૂરી કરવી અને વારંવાર લાગતા ચેપને કાબૂમાં રાખવો. વિટામિનની ગોળીઓ કે ઇન્જેક્શન કરતાં સમતોલ અને પૂરતો ખોરાક વધુ મહત્વનો છે તે જાણવું અને જણાવવું જરૂરી ગણાય છે. બાળકને જે ગમે તે બધું જ આપી શકાય છે. જો બાળકોને ભૂખ ઓછી લાગતી હોય તો ડર કે દબાણની જરૂર નથી ગણાતી, પરંતુ તેને સમજાવીને પ્રેમથી ખવડાવાય છે. ક્યારેક કેટલાંક બાળકોની ભૂખ સંતોષાતી જ નથી તેવું પણ બને છે. ધીરે ધીરે ખોરાકનું પ્રમાણ વધારાય છે. ભાત, દાળ, રોટલી, ખીચડી, શાકભાજી વગેરે રોજિંદા ખોરાકને જ મહત્વ અપાય છે. રોજિંદા ખોરાકમાં પ્રોટીન અને કૅલરી કેટલાં હોય છે તે સારણી 1માં દર્શાવ્યું છે. કુટુંબની આર્થિક સ્થિતિ અંગેની સભાનતા જાળવીને આહાર અંગેનાં સૂચનો કરાય છે. માંસાહારી કુટુંબોને માંસ અને મચ્છી આપવાનું પણ જણાવાય છે. જો માતાનું દૂધ અપૂરતું હોય તો પ્રાણીજ (ગાય-ભેંસનું) દૂધ પણ અપાય છે. દરરોજનું આશરે 200 મિ.લિ. દૂધ પણ ઘણો મોટો ફેરફાર લાવે છે. ક્યારેક દૂધનું પ્રમાણ વધે ત્યારે બાળકને વારંવાર મળની હાજત થાય છે, જે થોડા સમયમાં ફરીથી સામાન્ય થઈ જાય છે; પરંતુ જો તેને દુગ્ધશર્કરા(lactose)ને પચવવામાં મુશ્કેલી હોય અને ઝાડા થતા હોય તો દૂધને બદલે દહીં તથા અન્ય અર્ધઘન (semisolid) ખોરાક વધુ અપાય છે. જો બાળક નાનું હોય અને અર્ધઘન ખોરાક ન લઈ શકતું હોય તો ચોખાની કાંજી કરીને અપાય છે. સારવારના પરિણામે બાળકના વજનમાં વધારો થાય તે પહેલાં તેના વ્યક્તિત્વનો વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. રસહીન (apathetic) બાળક હસે છે, પ્રતિભાવ આપે છે અને રમે છે. તેના મુખભાવ બદલાય છે. તેના સોજા ઘટે છે અને પછી વજન વધવા માંડે છે. જો પુષ્કળ પ્રમાણમાં પોષણની ઊણપ હોય તો બાળકનું શરીર ઠંડું પડી ન જાય તે ખાસ જોવાય છે. ચેપ લાગે તો તેની તરત સારવાર કરાય છે. પોષણની કમી દૂર કરવા માટે પોષણ-સહાય-કેન્દ્રો(nutrition support centres)ની મદદ પણ લઈ શકાય છે. જો વધુ તીવ્ર ઊણપ હોય તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાય છે. સારવારની શરૂઆતમાં શરીરનું તાપમાન ઘટે, લોહીમાં ગ્લુકોઝ ઘટે, ઝાડાને કારણે ક્ષારો તથા વીજભાજ્યો(electrolytes)નું પ્રમાણ વિષમ બને કે શરીરમાંનું પાણી ઘટી જાય, હૃદયની લાંબા ગાળાની નિષ્ફળતા થઈ આવે કે ચેપ લાગે તો મૃત્યુ થાય છે. માટે આ બધી જ બાબતો પ્રત્યે સતત ધ્યાન રાખી યોગ્ય અને ત્વરિત સારવાર અપાય છે. ભારત સરકારે 1993માં રાષ્ટ્રીય પોષણનીતિ ઘડી છે, જેની અંતર્ગત બાળકોના કુપોષણની સતત મોજણી કરાય છે તથા જરૂર પડ્યે ત્યારે સક્રિય આંતરક્રમણ (active intervention) કરાય છે. આવાં આંતરક્રમણ વખતે આનુષંગિક તકલીફોની સારવાર તથા અપાતા પોષણની નોંધ કરાય છે તથા જરૂર પડ્યે તેમાં ફેરફાર કરાય છે.
સારણી 1 : સામાન્ય આહારી દ્રવ્યોનું પ્રોટીન અને ઊર્જાલક્ષી મૂલ્ય
ક્રમ | આહારી દ્રવ્ય (100 ગ્રામ) | ઊર્જા (કૅલરી) | પ્રોટીન (ગ્રામ) |
1. | ઘઉંનો લોટ | 350 | 10થી 12 |
2. | ચોખા | 350 | 7.5 |
3. | જવ | 335 | 9–11.3 |
4. | મકાઈનો લોટ | 360 | 8–9.5 |
5. | વિવિધ કઠોળ | 340–350 | 20–25 |
6. | સોયાબીન | 330 | 35–40 |
7. | મગફળી | 560 | 23–27 |
8. | તાજી મકાઈ | 80–90 | 3.7–7.3 |
9. | બટાકા | 80–100 | 106–2.0 |
10. | દૂધનો પાઉડર | 360 | 38 |
11. | ખાંડ | 385 | – |
12. | ગાયનું દૂધ | 65 | 3.5 |
13. | ભેંસનું દૂધ | 115 | 4.5–5 |
14. | મેદરહિત માંસ | 109–200 | 17–19 |
15. | ગાયનું માંસ (મેદરહિત) | 120 | 20 |
16. | મરઘીનું ઈંડું | 300 | 18 |
17. | ડુક્કરનું માંસ | 250 | 26 |
18. | મરઘી | 300 | 18 |
19. | માછલી | 80–100 | 18–20 |
20. | લીલા વટાણા | 80 | 3.5 |
21. | ટમેટાં | 20 | 1 |
22. | સફરજન | 50 | 0.5 |
23. | ખજૂર | 95 | 17 |
નિકીતા શાહ
શિલીન નં. શુકલ