બાળાજી બાજીરાવ

January, 2000

બાળાજી બાજીરાવ (જ. 12  ડિસેમ્બર, 1721, અ. 23 જૂન, 1761 પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી પેશવા, કુશળ વહીવટકર્તા. પેશવા બાજીરાવ પહેલાનું અવસાન થતાં એના સૌથી મોટા પુત્ર બાળાજી બાજીરાવ(ઊર્ફે બાળાજી બીજો ઊર્ફે નાનાસાહેબ)ને છત્રપતિ શાહુએે પેશવા તરીકે નીમ્યો. તેણે પિતા અને કાકા ચીમનાજીની દેખરેખ હેઠળ યુદ્ધનીતિ અને રાજનીતિનું શિક્ષણ મેળવ્યું હતું. એણે મરાઠી સૈન્યમાં મરાઠાઓ ઉપરાંત અન્ય જાતિઓના ભાડૂતી સૈનિકો દાખલ કર્યા. તેથી લશ્કરનો જુસ્સો અને રાષ્ટ્રીયતા તેના સમયમાં રહ્યાં નહિ. મરાઠી લશ્કરો ચોથ અને સરદેશમુખીને નામે લૂંટફાટ કરતા. તેઓ મુસ્લિમો સાથે રજપૂતો અને અન્ય હિંદુઓને પણ લૂંટતા. તેથી તેમણે એ બધાંનાં સહકાર તથા સહાનુભૂતિ ગુમાવ્યાં.

બાળાજી બાજીરાવ

તેના સમયમાં દક્ષિણમાં મરાઠાઓએ કેટલાક વિજયો મેળવ્યા. બિદનોર અને મૈસૂરના હિંદુ રાજ્ય ઉપર આક્રમણ કર્યું તથા અંગ્રેજ સેનાપતિ ક્લાઇવ અને વૉટસનની મદદથી નૌકા સેનાપતિ આંગ્રેને હરાવ્યો. સેનાપતિ સદાશિવરાવભાઉએ 1760માં ઉદગીરના યુદ્ધમાં નિઝામને હરાવી એની પાસેથી બિજાપુર, ઔરંગાબાદ, બીડર અને દૌલતાબાદ કબજે કર્યાં.

પેશવા બાળાજી બાજીરાવે દક્ષિણની માફક ઉત્તરમાં પણ આક્રમક નીતિ અપનાવી. 1756ના અંતમાં મલ્હારરાવ હોલ્કર અને પછી રઘુનાથરાવને ઉત્તર હિંદ તરફ મોકલી દોઆબ પ્રદેશમાં સર્વોપરિતા સ્થાપી. 1757ના ઑગસ્ટમાં નજીબુદ્દૌલા પાસેથી દિલ્હી જીતીને તેના વજીર ઇમાદના હાથમાં સોંપ્યું. રઘુનાથરાવ અને મલ્હારરાવ અહમદશાહ અબ્દાલીના પુત્ર તૈમુરશાહના હાથમાંથી પંજાબ છોડાવવા આગળ વધ્યા. એમણે 1758ના માર્ચમાં સરહિંદ અને એપ્રિલમાં લાહોર કબજે કર્યાં. વાર્ષિક રૂપિયા 75 લાખ આપવાની શરતે અદીનાબેગ ખાનની પંજાબના ગવર્નર તરીકે નિમણૂક કરી. આમ, મરાઠી સત્તા છેક અટક સુધી વિસ્તરી. પરંતુ 1758ની 13મી ઑક્ટોબરે અદીનાબેગ ખાનનું મૃત્યુ થયું. પંજાબમાં અરાજકતા ફેલાઈ. દુરાનીના લશ્કરે મરાઠાઓ પાસેથી નવેમ્બર, 1759માં પંજાબ જીતી લીધું. રોહિલાઓ અને ઔંધના નવાબ અબ્દાલી સાથે મળી ગયા. મરાઠાઓએ રજપૂતો સાથેના ખરાબ વર્તાવને કારણે એમનો સાથ ગુમાવ્યો. શીખો તટસ્થ રહ્યા. મુસ્લિમો સામે મરાઠાઓ એકલા પડી ગયા.

1759ના ડિસેમ્બરમાં અબ્દાલીએ દત્તાજી સિંધિયાને થાણેશ્વર પાસે હરાવ્યો અને દિલ્હી પાછા ફરવાની ફરજ પાડી. 1760ની 9મી જાન્યુઆરીએ બરારી પાસે અફઘાનોએ મરાઠા સરદારને મારી નાખ્યો. અબ્દાલીને આગળ વધતો અટકાવવાના જંકોજી સિંધિયા અને મલ્હારરાવ હોળકરના પ્રયત્નો નિષ્ફળ ગયા. બાળાજી બાજીરાવના 17 વર્ષના પુત્ર વિશ્વાસરાવને અને સદાશિવરાવભાઉને ફરીથી સેનાપતિ તરીકે ઉત્તર હિંદમાં મોકલવામાં આવ્યા. સદાશિવરાવે 1760ના ઑગસ્ટમાં દિલ્હી જીત્યું. પરંતુ આંતરિક ખટપટોને કારણે એ છોડીને તે ઉત્તર તરફ આગળ વધ્યો. 1760ની 29મી ઑક્ટોબરે તે પાણિપત પહોંચ્યો.

અહમદશાહ અબ્દાલી પણ અલીગઢ જીતીને અને ઔંધના શુજા ઉદ્દૌલા સાથે મૈત્રીકરાર કરીને 1760ની 1લી નવેમ્બરે પાણિપત આવી પહોંચ્યો. શિસ્ત અને શક્તિની ર્દષ્ટિએ મરાઠાઓના લશ્કર કરતાં અબ્દાલીનું લશ્કર ચઢિયાતું હતું. બંને લશ્કરો વચ્ચે પાણિપતના મેદાનમાં 1761ની 14મી જાન્યુઆરી(ઉત્તરાયણ)ના દિવસે તુમુલ યુદ્ધ થયું, જે પાણિપતના ત્રીજા યુદ્ધ તરીકે ઓળખાયું. આ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો. પેશ્ર્વાનો પુત્ર વિશ્વાસરાવ અને ભત્રીજો સદાશિવરાવભાઉ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. મરાઠાઓના અનેક સેનાપતિઓ, હજારો સૈનિકો, સ્ત્રીઓ તથા બાળકોની કતલ થઈ. એક સાથે નેતાઓની સમગ્ર પેઢી નાશ પામી. મરાઠી સામ્રાજ્ય રચવાની આશા સદાને માટે નષ્ટ થઈ. પેશ્વા બાળાજી બાજીરાવ આ પરાજયનો આઘાત સહન કરી શક્યો નહિ અને ભગ્ન હૃદયે અવસાન પામ્યો. એણે મરાઠી સત્તાને સર્વોચ્ચ શિખરે આરૂઢ થતી અને પતનની ઊંડી ખીણમાં ફંગોળાતી પણ જોઈ.

મુગટલાલ પોપટલાલ બાવીસી