બાલ્સમ (balsam) (રસાયણશાસ્ત્ર) : સદાયે લીલાં રહેતાં વૃક્ષો કે છોડવામાંથી અલગ પાડવામાં આવતું રાળ જેવા સુંગધીદાર પદાર્થોનું મિશ્રણ. તેમાં ઓલિયોરેઝિન, ટર્પીન, સિન્નામિક ઍસિડ તથા બેન્ઝોઇક ઍસિડ હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય, પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તેમાંનાં કેટલાંક તીવ્ર મીઠી વાસ ધરાવે છે. બાલ્સમ જ્વલનશીલ અને બિનઝેરી હોય છે.
બાલ્સમની કેટલીક જાતો નીચે મુજબ છે :
(i) પેરુ બાલ્સમ : મધ્ય અમેરિકામાં મળે છે. ચાઇના તેલ તરીકે ઓળખાય છે. તે જાડું રગડા જેવું પ્રવાહી છે. ઘનતા, 1.15 છે. તેમાં વેનિલિન નામનો સુગંધીદાર પદાર્થ હોય છે. તે સોડમકારક (flavouring agent) તરીકે, ચૉકલેટના ઉત્પાદનમાં; કફોત્સારક ઔષધોમાં સંઘટક તરીકે, શૅમ્પૂ તથા વાળના અનુકૂલનમાં સુગંધકારક તરીકે વપરાય છે.
(ii) ટોલુ બાલ્સમ : લાલ-બદામી રંગના પદાર્થ રૂપે દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં થતાં માયરૉક્સિલોન ટોલ્વીફેરમ વૃક્ષોમાંથી મળે છે. તે પ્લાસ્ટિક જેવો ઘન પદાર્થ છે અને જંતુનાશક તરીકે તથા ગળાનાં ઔષધો તેમજ ચૂઇંગ ગમના સંઘટક તરીકે વપરાય છે.
ટોલુ બાલ્સમ તથા પેરુ બાલ્સમ ખરેખરા બાલ્સમ તરીકે જાણીતા છે. તેમનામાં બેન્ઝોઇક તથા સિન્નામિક ઍસિડ હોય છે.
(iii) કોપૈબા બાલ્સમ : તે બ્રાઝિલ તથા વેનેઝુએલામાં મળે છે. તે ઘટ્ટ, રગડા જેવું પ્રવાહી છે. ઘનતા, 0.94થી 0.99. મુખ્યત્વે વાર્નિશ અને લાખ-ઉદ્યોગમાં, ગંધ-સ્થાયીકર (odour fixative) તરીકે તથા ફોટોગ્રાફિક પેપરના ઉત્પાદનમાં વપરાય છે.
(iv) ગિલિયડનો મલમ (balm of gilead) અથવા બાલ્સમ મક્કા : મધ્યપૂર્વીય પ્રદેશોમાં થતા છોડવામાંથી મળે છે. અત્તરો તથા ઔષધોમાં વપરાય છે.
(v) કૅનેડા બાલ્સમ : ઉત્તર અમેરિકામાં થતાં ચીડનાં વૃક્ષો(balsam fir trees)માંથી મળે છે. તે 0.98 ઘનતા ધરાવતું પ્રવાહી છે. તે ઔષધો અને મલમની બનાવટમાં તથા સોડમકારક દ્રવ્ય તથા સુગંધી તરીકે વપરાય છે. તે પારદર્શક સિમેન્ટ તરીકે ઉપયોગી છે.
(vi) બેન્ઝોઇન રેઝિન અથવા બેન્ઝામિન ગુંદર : દક્ષિણ-પૂર્વ એશિયા તથા સુમાત્રામાં ઊગતાં સ્ટાઇરેક્સ વૃક્ષોમાંથી મેળવવામાં આવે છે. તે લાલ-બદામી રંગની ગોલિકા (globules) રૂપે મળે છે. તે વેનિલા જેવી સુગંધ ધરાવે છે. તે ઓરડાના સામાન્ય તાપમાને બરડ હોય છે; પણ ગરમીથી નરમ બને છે. ગરમ આલ્કોહૉલમાં તથા કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય, પરંતુ પાણીમાં અદ્રાવ્ય છે. બેન્ઝોઇક ઍસિડ, સિન્નેમિક ઍસિડ તથા વેનિલિન તેના મુખ્ય ઘટકો છે. મુખ્યત્વે અત્તરો, સૌંદર્ય-પ્રસાધનો અને ઔષધોની બનાવટમાં વપરાય છે. બેન્ઝોઇક ઍસિડનો તે એક સ્રોત છે.
જ. પો. ત્રિવેદી