બાલ્સમ (વનસ્પતિશાસ્ત્ર): દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Impatiens balsmina Linn. (હિં. गुलमहेंदी; બં. દુપાતી; ગુ. ગુલમેંદી, તનમનિયાં, પાનતંબોલ; અં. ગાર્ડન બાલ્સમ) છે.
તે આશરે 50 સેમી.થી 60 સેમી. ઊંચી ટટ્ટાર, શાખિત અને માંસલ એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, અદંડી અથવા ટૂંકા દંડવાળાં, એકાંતરિક અને ભાલાકાર (lanceolate) હોય છે. તે દંતુર (serrate) પર્ણકિનારી ધરાવે છે. પુષ્પો એકાકી અથવા ગુચ્છ(fascicled)માં હોય છે. તે જાંબલી, ગુલાબી અથવા લગભગ સફેદ રંગનાં અને આકર્ષક હોય છે અને લાંબું, પાતળું અને અંતર્વક્ર (incurved) દલપુટ (spur) ધરાવે છે.
તે ભારતના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં લગભગ બધે જ થાય છે. જંગલોમાં વૃક્ષોની નીચે તે પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. ગુજરાતમાં તે મુખ્યત્વે વર્ષાઋતુની શોભન-વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં વાવવામાં આવે છે. તેનાં પુષ્પો મુખ્ય પ્રકાંડની એકદમ નજીક આવતાં હોવાથી ક્યારેક આ પુષ્પો પર્ણોથી ઢંકાઈ જાય છે. તેથી પુષ્પો સ્પષ્ટ દેખાય તે માટે કેટલીક વાર તેનાં થોડાંઘણાં પર્ણો તોડી લેવામાં આવે છે. પરંતુ તેમ કરવા જતાં છોડનું આયુષ્ય, પુષ્પનિર્માણનો સમયગાળો અને પુષ્પોની સંખ્યા ઘટી જાય છે. તેથી આ બાબતમાં ખૂબ વિવેકપૂર્વક કામ કરવું જરૂરી છે.
સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં તેનાં બીજ રોપવામાં આવે છે અને તેના છોડ 8થી 10 સેમી. થતાં તેને કાયમની ક્યારીઓમાં લગભગ 25થી 30 સેમી.ને અંતરે વાવવામાં આવે છે. બૉર્ડરની ક્યારીઓમાં તે સવિશેષ રોપાય છે. બીજ રોપ્યા પછી લગભગ દોઢ-બે માસે પુષ્પનિર્માણની શરૂઆત થાય છે અને તે પુષ્પો બીજા દોઢ-બે માસ સુધી ટકે છે. બેચાર વર્ષે સારી નર્સરીમાંથી નવાં બીજ લાવવાથી છોડ પરનાં પુષ્પની જાત અને સંખ્યા સારી આવે છે. જો પાણી પૂરતા પ્રમાણમાં હોય તો ઉનાળામાં પણ બાલ્સમને ઉછેરી શકાય છે. પરંતુ છોડની ઊંચાઈ થોડી ઓછી થાય છે.
બાલ્સમ માટેની ક્યારીઓમાં ખાતર પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે. છોડ બહુ નજીક રોપ્યા હોય તો પુષ્પ સારા પ્રમાણમાં આવતાં નથી. છોડને પુષ્પ આવવાની શરૂઆત થાય ત્યારે દર 8થી 10 દિવસે છાણ કે છાણિયા ખાતરનો રગડો આપવામાં આવે તો પુષ્પો સુંદર રીતે ખીલી ઊઠે છે.
બાલ્સમની કેટલીક જાતો બહુવર્ષાયુ છોડ તરીકે થાય છે. તે 70થી 80 સેમી. ઊંચી થાય છે. આમાંની કેટલીક જાતો ઠંડા પ્રદેશોમાં કે દરિયાથી સારી એવી ઊંચાઈના પ્રદેશોમાં થાય છે.
તેનાં બીજ ખાદ્ય હોય છે અને તે લગભગ 27 % જેટલું લીલા રંગનું ઘટ્ટ તેલ ધરાવે છે. તેલનો ઉપયોગ રાંધવામાં અને દીવા સળગાવવામાં થાય છે.
પુષ્પનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Sclerotinia fructicola, Colletotrichum lindemuthianum અને અન્ય રોગજન્ય ફૂગ અને બૅક્ટેરિયા સામે પ્રતિજૈવિક સક્રિયતા દર્શાવે છે. તેમાં મળી આવેલો સક્રિય પદાર્થ 2—મિથૉક્સિ—1, 4—નેફથૉક્વિનોન તરીકે ઓળખવામાં આવ્યો છે.
બાલીમાં તેનાં પર્ણો ખાવાના ઉપયોગમાં લેવાય છે. આંગળીઓના નખ રંગવા માટે મેંદીની અવેજીમાં તેનાં પર્ણોનો ઉપયોગ થાય છે.
તેનાં પર્ણો પોટીસ તરીકે વાપરવામાં આવે છે. પુષ્પો શ્લેષ્મી અને શીતળ અસર આપે છે અને કટિવેદના (lumbago) અને અંતરાપર્શુકા (intercostal) તંત્રિકાર્તિ(neuralgia)માં ઉપયોગમાં લેવાય છે. તેના દ્વારા રુધિરાભિસરણમાં સુધારો થાય છે. ચીનમાં બીજનું ચૂર્ણ મુશ્કેલીવાળી પ્રસૂતિમાં વપરાય છે.
મ. ઝ. શાહ