બાલ્ફર ઘોષણા : પૅલેસ્ટાઇનમાં વસતા યહૂદીઓના અલગ અને સ્વતંત્ર રાજ્યને ઇંગ્લૅન્ડની સરકારનો ટેકો જાહેર કરતો દસ્તાવેજ. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તુર્કીના સુલતાને પૅલેસ્ટાઇનમાં રહેલા યહૂદીઓ પરનાં નિયંત્રણો વધુ કડક બનાવ્યાં. તેમ છતાં પણ પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્ય માટેની ઝાયન ચળવળ ઉગ્રતાભેર ચાલુ રહી. યુદ્ધની શરૂઆતમાં મિત્ર રાષ્ટ્રોની સ્થિતિ મુશ્કેલીભરી રહી હતી તથા જર્મની અને તુર્કસ્તાનના વિજયો નોંધપાત્ર હતા. આ ગાળામાં ઑક્ટોબર 1917માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થતાં રશિયા યુદ્ધમાંથી ખસી ગયું, જેથી મિત્ર રાજ્યોની સ્થિતિ વધારે નાજુક બની. પરિણામે પૅલેસ્ટાઇન તથા અન્ય દેશોમાં વસતા યહૂદીઓનો યુદ્ધમાં સાથ મેળવવા ઇંગ્લૅન્ડે પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્ય સ્થાપવાની ઝાયન ચળવળને પોતાનો ટેકો હોવાનું જાહેર કરવાનો નિર્ણય કર્યો. ઉપરાંત, ઇંગ્લૅન્ડના વિદેશમંત્રી અર્લ ઑવ્ બાલ્ફર આ ચળવળથી પ્રભાવિત થયા અને આ માટે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સનનો સાથ મેળવવા માટે બાલ્ફરે વૉશિંગ્ટનની મુલાકાત લીધી. ત્યાં વિલ્સનના ખાસ વિશ્વાસુ સલાહકાર ગણાતા ચુસ્ત ઝાયનવાદી ન્યાયાધીશ બ્રાન્ડીએ બાલ્ફરને વિલ્સન પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્યની સ્થાપના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાની ખાતરી આપી. આથી બાલ્ફરે ઇંગ્લૅન્ડના વડાપ્રધાન તથા કૅબિનેટની સંમતિથી તે સમયના જાણીતા અંગ્રેજ યહૂદી નેતા લૉર્ડ રૉથચાઇલ્ડને 2જી નવેમ્બર 1917ના રોજ એક જાહેર પત્ર લખ્યો, જે પાછળથી ‘બાલ્ફર ઘોષણા’ તરીકે ઓળખાયો, જેમાં જણાવાયું કે ઇંગ્લૅન્ડની સરકાર પૅલેસ્ટાઇનમાં યહૂદીઓનાં અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપનાની તરફેણ કરે છે અને આ હેતુની સિદ્ધિ માટે ઇંગ્લૅન્ડની સરકાર બધા જ પ્રયાસો કરશે. ઘોષણામાં આગળ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી કે હાલમાં પૅલેસ્ટાઇનમાં વસતા બિન-યહૂદીઓના નાગરિક તથા ધાર્મિક અધિકારોને આંચ આવે તેવું તથા બીજા દેશોમાં વસતા યહૂદીઓના અધિકારો તથા રાજકીય દરજ્જાને નુકસાન થાય તેવું કશું કરવામાં આવશે નહિ.
ઉપર્યુક્ત ઘોષણા થઈ તે જ દિવસે અંગ્રેજ સેનાપતિ એલેન્બીનાં દળોએ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી શહેર જાફાના તથા ડિસેમ્બર 1917માં શહેર જેરૂસલેમનો કબજો લીધો. આથી ઝાયન ચળવળવાદીઓને પૅલેસ્ટાઇનના અલગ યહૂદી રાજ્યની સ્થાપનાના આંદોલનને ઝડપી બનાવવાની પ્રેરણા મળી. તેના અનુસંધાને ઇંગ્લૅન્ડે બાલ્ફર ઘોષણાનો અમલ કઈ રીતે કરવો તેને લગતી ભલામણો કરવા, પ્રસિદ્ધ અંગ્રેજ યહૂદી નેતા ડૉ. વિઝમૅનના પ્રમુખપદે એક પંચને પૅલેસ્ટાઇન મોકલ્યું હતું.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા
મુગટલાલ પોપટલાલ બાવીસી