બાલ્કન પર્વતો

January, 2000

બાલ્કન પર્વતો : પૂર્વ બલ્ગેરિયામાં કાળા સમુદ્ર પરની ઇમીન બુરુન ભૂશિરથી પશ્ચિમ તરફ યુગોસ્લાવ સીમા સુધી વિસ્તરેલા પર્વતો. આ પર્વતો મુખ્યત્વે ગેડવાળા ચૂનાખડકો તેમજ રેતીખડકોથી બનેલા છે, પરંતુ તેમની નીચેનો ભૂગર્ભીય વિભાગ સ્ફટિકમય ખડકબંધારણવાળો છે. બાલ્કન પર્વતોની આ હારમાળા ડૅન્યૂબ નદીથાળાની દક્ષિણ સરહદ રચે છે. તેની લંબાઈ 400 કિમી., પહોળાઈ 19થી 48 કિમી. અને સરેરાશ ઊંચાઈ 900 મીટરની છે. માઉન્ટ જુમરુકચલ ખાતેનું 2,376 મીટરની ઊંચાઈ ધરાવતું બૉટેવ શિખર અહીંનું સર્વોચ્ચ સ્થળ છે. પર્વતમાળાના દક્ષિણ ઢોળાવો પર ચૂનાખડકના સમુત્પ્રપાતો (escarpments) આવેલા છે તો ઉત્તર તરફ ચૂનાખડકોથી બનેલો ઉચ્ચપ્રદેશ છે. આ ઉચ્ચપ્રદેશમાં કેટલાક ઘાટ આવેલા છે. તે પૈકીનો વધુ જાણીતો શિપકા ઘાટ 1,334 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ઘાટ પરથી રશિયન અને બલ્ગેરિયન દળોએ 1878ની 7મી જાન્યુઆરીએ તુર્કોને હરાવેલા.

આ પર્વતમાળાના વિસ્તારમાંથી તાંબા, લોહ, જસત અને સીસાનાં ખનિજો તેમજ કોલસો મળી આવે છે. અહીંનાં ગોળ, ઘુમ્મટ આકારવાળાં શિખરો તેમજ ડુંગરધારો ઓક, બીચ અને ફરનાં વૃક્ષોવાળાં જંગલોથી આચ્છાદિત છે. આ વિસ્તારમાં વસ્તી અલ્પ પ્રમાણમાં છે.

ગિરીશભાઈ પંડ્યા