બાલ્કન દેશો : યુરોપના અગ્નિકોણમાં આવેલા દ્વીપકલ્પને આવરી લેતા મુખ્ય પાંચ દેશોનો સમૂહ. આ નામ બલ્ગેરિયા અને યુગોસ્લાવિયામાં આવેલા બાલ્કન પર્વતો પરથી પડેલું છે. તુર્કી ભાષામાં ‘બાલ્કન’ શબ્દનો અર્થ પર્વત થાય છે. આ દેશો યુરોપ અને મધ્ય પૂર્વના દેશો વચ્ચે મહત્વનું વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. આ વિસ્તારમાં જ્યારે જ્યારે યુદ્ધો થયેલાં છે ત્યારે તેની શરૂઆત અહીંથી થયેલી છે.
સ્થાન-વિસ્તાર-પ્રાકૃતિક રચના : બાલ્કન દ્વીપકલ્પીય દેશોમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ગ્રીસની મુખ્ય ભૂમિ, યુરોપીય તુર્કી તથા યુગોસ્લાવિયાના મોટાભાગનો સમાવેશ થાય છે. તેમનો કુલ વિસ્તાર 4,66,000 ચોકિમી. જેટલો છે. ડૅન્યૂબ અને સૅવા નદીઓ તેમની ઉત્તર સરહદ રચે છે. બોસ્પોરસ અને કાળો સમુદ્ર તેમની પૂર્વ સરહદ બનાવે છે. દક્ષિણ સરહદ માર્મરાના સમુદ્રથી, ડાર્ડેનલ્સની ખાડીથી અને એજિયન સમુદ્રથી બનેલી છે. પશ્ચિમ તરફ એડ્રિયાટિક અને આયોનિયન સમુદ્ર આવેલા છે. ભૌગોલિક રીતે રુમાનિયા તેનો ભાગ ન હોવા છતાં પરસ્પર ઘનિષ્ઠ ઐતિહાસિક તથા રાજકીય સંબંધોને કારણે રુમાનિયા પણ બાલ્કન સમૂહના દેશો સાથે હોવાનું ઘટાવાય છે.
આ દ્વીપકલ્પનો ઘણોખરો ભાગ પહાડોએ આવરી લીધેલો છે. ઉત્તર યુગોસ્લાવિયામાંથી એડ્રિયાટિક સમુદ્રથી ગ્રીસ સુધી દિનારિક આલ્પ્સ વિસ્તરેલો હોવાથી ત્યાં તે પિન્ડસ પર્વતો તરીકે ઓળખાય છે. બાલ્કન પર્વતો યુગોસ્લાવિયાની પૂર્વ સરહદથી બલ્ગેરિયાને વીંધતા પથરાયેલા છે. દક્ષિણ બલ્ગેરિયામાં રહોડોપ પર્વતો આવેલા છે. આ પર્વતીય ભાગોમાં ખાણપેદાશો તથા જંગલની પેદાશો પર નભતા અગત્યના ઉદ્યોગો વિકસ્યા છે. ડૅન્યૂબ નદી અહીંનો મુખ્ય વેપારી જળમાર્ગ બની રહેલી છે. મોરાવા, વરદર અને મારિત્મા અન્ય અગત્યની નદીઓ છે, તેમનો મહદ્અંશે સિંચાઈ માટે ઉપયોગ થાય છે.
વસ્તી-લોકો : બાલ્કન દેશોની કુલ વસ્તી આશરે 4.5 કરોડ જેટલી છે. અહીંના નિવાસીઓ તેમના સ્થાનભેદે સ્લોવેન, ક્રોએટ, સર્બિયન, બલ્જર, ગ્રીક તથા તુર્ક કહેવાય છે. વસ્તી 50 % ગ્રામીણ અને 50 % શહેરી છે. ગ્રીસનાં ઍથેન્સ અને સલોનિકા, તુર્કીનું ઇસ્તંબુલ, યુગોસ્લાવિયાનું બેલગ્રેડ તથા બલ્ગેરિયાનું સોફિયા અહીંનાં મુખ્ય શહેરો છે.
ઇતિહાસ : ઈ. પૂ. 148થી તે પછીનાં લગભગ 500 વર્ષ સુધી અહીં રોમન સામ્રાજ્યનું શાસન હતું. છઠ્ઠી સદીના ગાળામાં અહીં સ્લાવ લોકો આવ્યા. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ઑટોમન (ટર્કી) સામ્રાજ્યે આ વિસ્તાર પર શાસન કરેલું. ઓગણીસમી સદીમાં બાલ્ક્ધા પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જાગ્રત થઈ, તુર્કો પાસેથી સ્વતંત્રતા મેળવવા તેઓ પ્રયાસો કરતા હતા. યુરોપીય મહાસત્તાઓ ટર્કીની બાબતોમાં હસ્તક્ષેપ કર્યા કરતી હતી. તેમણે બાલ્કનોની રાષ્ટ્રભાવનાને પોતાના અંગત સ્વાર્થને કારણે પોરસ ચઢાવ્યો. આમ 1829થી 1908 સુધીમાં ગ્રીસ, મૉન્ટેનેગ્રો, સર્બિયા, રુમાનિયા અને બલ્ગેરિયાએ એક પછી એક સ્વતંત્રતા મેળવી. 1878માં બર્લિન કૉંગ્રેસે મૉન્ટેનેગ્રો, રુમાનિયા અને સર્બિયાની સ્વતંત્રતાને માન્ય રાખી; પરંતુ એક જ રાષ્ટ્રના બધા જ લોકો એક જ દેશમાં રહ્યા નહિ. ટર્કીએ મૅસિડોનિયા અને આલ્બેનિયાનો કબજો બાલ્કન યુદ્ધો થયાં ત્યાં સુધી રાખેલો.
બીજા વિશ્વયુદ્ધ બાદ ગ્રીસ અને ટર્કી સિવાયના બાકીના બધા જ બાલ્કન દેશો સામ્યવાદી અસર હેઠળ આવી ગયા. ગ્રીસ અને ટર્કી નાટોના સભ્યો થયેલા છે. 1953માં ગ્રીસ, ટર્કી અને યુગોસ્લાવિયા દ્વારા પહેલા બાલ્કન સંધિ-કરાર પર હસ્તાક્ષર થયા. તેમાં સલામતી અને રક્ષણાત્મક સહકારની શરત હતી. બીજો બાલ્કન સંધિ-કરાર આ જ ત્રણ દેશો દ્વારા 1954માં થયો, જેમાં ખાતરીબદ્ધતા અને કરારપાલનની બાબતને મહત્વ આપવામાં આવ્યું હતું.
ગિરીશભાઈ પંડ્યા