બાલીવાલા, ખુરશેદજી મેરવાનજી (જ. 2 જૂન 1853, મુંબઈ; અ. 17 સપ્ટેમ્બર 1913, મુંબઈ) : જૂની રંગભૂમિના જાણીતા પારસી નટ અને દિગ્દર્શક. એમણે 12 વર્ષની વયે જરૂર પૂરતું અંગ્રેજી અને ગુજરાતીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી પોતાના કુટુંબને આર્થિક સહાય મળે એ માટે માસિક 5 રૂપિયાના પગારે ‘ધ ટેલિગ્રાફ ઍન્ડ કુરિયર’ પ્રેસમાં કમ્પૉઝિટરની નોકરી કરવા માંડી.
સૌપ્રથમ એમણે 1869માં ‘બેજન અને મનીજેહ’ નાટકમાં બાળનટ તરીકે કામ કર્યું. તેઓ સ્ત્રી અને પુરુષના પાઠ લેતા અને કરુણ અને હાસ્ય ભૂમિકાઓ ભજવતા. દિગ્દર્શક તરીકે તેઓ સચોટ અભિનય, નાટકની અસરકારક રજૂઆત, ભવ્ય સંનિવેશ, ખર્ચાળ પોશાકો, રંગીન ર્દશ્યરચનાઓ અને જરૂર પડે તો અવનવી તખ્તાકીય કરામતોનો ઉપયોગ પણ કરતા. એમના પારસીશાહી ઉચ્ચારો અને હાવભાવ પ્રેક્ષકો ઉપર ઊંડી અસર જન્માવતા. તેઓ સારા ગાયક હતા. ‘અલ્લાઉદ્દીન’ નાટકની રજૂઆતમાં એમણે ભવ્ય ર્દશ્યરચના અને તખ્તાકીય કરામતોનો સારો ઉપયોગ કરેલો. નાટકને લોકપ્રિય બનાવવા એ જાતજાતના નુસખા અજમાવતા. ‘ગોપીચંદ’ નાટકમાં એમણે મિસ મેરી ફેન્ટનને ઉતારી હતી. ‘પાકજાદ પરીન’, ‘ઝંઝેરે ગૌહર’, ‘નૂરજહાં’, ‘નાજાં’, ‘અસલાજી’ જેવાં નાટકો રજૂ કરી એ જમાનામાં તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેઓ વાસ્તવિક અભિનયના આગ્રહી હતા. એ જમાનામાં તેઓ તખ્તાના ‘હેનરી ઇરવિંગ’ ગણાતા. 1906માં એમણે ‘બાલીવાલા ગ્રાન્ડ થિયેટર’ બાંધ્યું. નાટકો બપોરના સમયમાં ભજવવાની, નાટકોના સારને ગાયન સાથે છપાવવાની અને ભજવણી માટે પરદેશ જવાની પ્રથા એમણે શરૂ કરી. બર્માનાં રાજદંપતીએ એમને ઝવેરાતથી મઢી દીધા હતા. સાતમા એડવર્ડની હાજરીમાં એમણે લંડનમાં ‘અલ્લાઉદ્દીન’ અને ‘હરિશ્ચન્દ્ર’ નાટકો ભજવી બતાવ્યાં હતાં. તેઓ મલાયા, થાઇલૅન્ડ અને મૉરેશિયસ પણ ગયેલા. એમનાં નાટકોના ભવ્ય સંનિવેશ તથા રુઆબદાર વેશભૂષાથી અંગ્રેજો, આરબો, તુર્કો, અને બર્મીઝો ખુશ થતા હતા.
દિનકર ભોજક