બાલાશિનોર

January, 2024

બાલાશિનોર : મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાંનો એક તાલુકો.

ભૌગોલિક સ્થાન : તે 22° 57´થી 23° 18´ ઉ. અ. અને 73° 19´થી 73° 37´ પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો મહીસાગર જિલ્લાની પશ્ચિમ અને દક્ષિણ ખૂણાની સરહદે આવેલો છે. આ તાલુકાનો કુલ વિસ્તાર 305 ચો.કિમી. છે. તેનો ગ્રામ્ય વિસ્તાર 283.32 ચો.કિમી. જ્યારે 21.64 ચો.કિમી. શહેરી વિસ્તાર છે. આ તાલુકાની વસ્તી (2011 મુજબ) 1,45,823 છે. આ તાલુકામાં ગ્રામપંચાયતોની સંખ્યા 44 છે. જ્યારે મહેસૂલી ગામડાંઓની સંખ્યા 46 છે.

ભૂપૃષ્ઠ : તાલુકાના પશ્ચિમ ભાગમાં ટેકરીઓની હારમાળા આવેલી છે, બાકીનો ભાગ સપાટ મેદાન છે. આ તાલુકામાંથી મહી અને શેઢી નદીઓ પસાર થાય છે. મહી નદી પર જનોડ, પિલુદ્રા અને સાકરિયા ગામો તથા શેઢી નદી પર બાલાશિનોર સહિત પાંચ ગામો આવેલાં છે. શેઢી પંચમહાલ જિલ્લાના ધામોદ અને વરધરીની ટેકરીઓમાંથી નીકળે છે. આ નદીનો પટ ખૂબ સાંકડો છે, તેને પ્રભાવકચરિતમાં ‘પલાશચારિણી’ – ખાખરાના વનમાંથી પસાર થતી – જણાવી છે.

આબોહવા : આ તાલુકામાં મે માસનું મહત્તમ–લઘુતમ સરેરાશ તાપમાન અનુક્રમે 41° સે. અને 26° સે., જ્યારે જાન્યુઆરીનું મહત્તમ–લઘુતમ સરેરાશ તાપમાન અનુક્રમે 29° સે. અને 14° સે. જેટલું રહે છે. આ તાલુકો સમુદ્રથી દૂર હોઈ ગરમી-ઠંડીનું પ્રમાણ વિશેષ રહે છે. મે માસ સૌથી વધુ ગરમ અને જાન્યુઆરી સૌથી વધુ ઠંડો રહે છે. પંદરમી જૂનથી પંદરમી સપ્ટેમ્બરના વર્ષાઋતુના ગાળા દરમિયાન અહીં સરેરાશ 905 મિમી. જેટલો વરસાદ પડે છે.

બાલાશિનોર તાલુકો, ખેડા જિલ્લો

અર્થતંત્ર : નદીઓના કાંપ-માટીને કારણે આ તાલુકાની જમીન ફળદ્રૂપ છે. આથી ખેતી આ તાલુકાની મુખ્ય પ્રવૃત્તિ છે. કડાણા ડૅમને કારણે નહેરો દ્વારા સિંચાઈનો લાભ મળે છે. પાતાળકૂવા પણ જોવા મળે છે. મુખ્ય ખેતીકીય ધાન્ય પાકોમાં ડાંગર, ઘઉં, બાજરી જ્યારે રોકડિયા પાકો તમાકુ, કપાસ, શેરડી છે. આ સિવાય કઠોળ, ફળો અને શાકભાજીની ખેતી લેવાય છે. અહીં મોટે ભાગે પર્ણપાતી વૃક્ષો જેમાં સાગ, બાવળ, ખાખરો, આમલી, પીપળો જેવાં વૃક્ષો જોવા મળે છે.

અહીં ગ્રૅનાઇટ, રેતીખડકો, ચૂનાખડકો, બેસાલ્ટ જેવા ખડકો તેમજ નદીના પટમાંથી માટી, રેતી દ્રવ્યો મળી આવે છે. બેસાલ્ટ ખડકોને કારણે અહીં ‘ક્વોરી’નું પ્રમાણ વધુ છે. મોટા પ્રમાણમાં નાનીમોટી કપચીનું ઉત્પાદન થાય છે. જેનો ઉપયોગ બાંધકામપ્રવૃત્તિમાં અધિક થાય છે. આ સિવાય અહીં ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ પણ આવેલા છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસી છે. જેને કારણે દૂધ અને દૂધની બનાવટો બનાવવાના નાના એકમો ઊભા થયા છે.

આ તાલુકામાં રાજ્યપરિવહનની બસોની તેમજ ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. અહીં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાજ્ય ધોરી માર્ગ નં. 2, 63, 141, 191 તેમજ જિલ્લા માર્ગો પસાર થાય છે. આ તાલુકાનું એક પણ ગામ પાકા રસ્તાથી વંચિત નથી. આણંદ-ગોધરા બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે.

વસ્તી : આ તાલુકામાં સાક્ષરતાનો દર આશરે 72% છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ આપતી વિનયન-વાણિજ્ય કૉલેજ, પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો તથા પુસ્તકાલયો પણ આવેલાં છે. આ તાલુકામાં નગરપાલિકાનો ધ્યેય છે કે તાલુકાનું કોઈ પણ બાળક શિક્ષણની સુવિધાથી વંચિત ન રહે.

જોવાલાયક સ્થળો : ડાયનોસૉર ફૉસિલ પાર્ક રૈયોલી ગામ, કેડીગઢ મહાકાલી મંદિર, થર્મલ પાવર સ્ટેશન, જૂનું પ્રાચીન લીલવણીયા મહાદેવ મંદિર, અંબાનું મંદિર, વણાકબોરી બંધ (મહા નદી) વગેરે જોવાલાયક સ્થળો છે.

બાલાશિનોર (શહેર) : મહીસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાનું તાલુકા મથક અને શહેર.

આ શહેર 22 95´ ઉ. અ. અને 73 33´ પૂ. રે. પર સ્થિત છે. તે શેઢી નદીથી 6 કિમી. અંતરે તથા આણંદ-ગોધરા બ્રૉડગેજ રેલમાર્ગ પરના સેવાલિયા મથકથી 14 કિમી. દૂર આવેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાજ્ય ધોરી માર્ગ નં. 4 અહીંથી પસાર થાય છે. તે સમુદ્રસપાટીથી 72 મીટર ઊંચાઈ ધરાવે છે.

બાલાશિનોર તાલુકાનું મથક હોવાથી બાજરી, કપાસ, વરિયાળી, તમાકુ, એરંડા, રાઈ અને કઠોળ જેવી ખેતપેદાશોનું મોટું બજાર છે. અહીં સાબુનાં કારખાનાં, તેલમિલ, લાટીઓ તથા લાકડાં વહેવારની મિલો, સહકારી જિન, ચૂનાના ભઠ્ઠા, ડેરીપેદાશો તેમજ ચામડાં કમાવવાનો ગૃહઉદ્યોગ જોવા મળે છે. કાચના આભલા બનાવવાનો ગૃહઉદ્યોગ વધુ જાણીતો છે. નજીકમાં ચૂનાખડકની ખાણો તેમજ ‘ક્વૉરી’ઓ પણ આવેલી છે. તાલુકા મથક હોવાથી તે રાજ્ય પરિહવનની બસો દ્વારા મહીસાગર જિલ્લાનાં તાલુકા મથકો અને ગામો તેમજ પડોશી જિલ્લા સાથે સંકળાયેલ છે.

આ શહેરનો વિસ્તાર 21.64 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 39,330 છે. જેમાં પુરુષોની સંખ્યા 20,282 અને મહિલાઓની સંખ્યા 19,048 છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 70.6% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિ અનુક્રમે 3,603 અને 331 જેટલી છે. હિંદુઓ અને મુસ્લિમોની સંખ્યા અનુક્રમે 65% અને 35% જેટલી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજો આવેલી છે. જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. સરકારી કચેરીઓ, ચિકિત્સાલયો આવેલાં છે. અહીં હિંદુ મંદિરો અને ઇસ્લામિક સ્થાપત્યો  આવેલાં છે. શહેરની ઉત્તરે સુદર્શન તળાવ તેમજ નવાબનો મહેલ આવેલાં છે.

આ શહેર વાડાશિનોરના નામથી પણ જાણીતું છે. જૂના વખતમાં તે ‘વાડશોળ’ નામથી ઓળખાતું હતું. અહીં ભરવાડોનો મુખ્ય વસવાટ હતો. ઢોર પૂરી રાખવા માટે કાંટાવાળા થોરની વાડ તૂટી જવાથી ભરવાડોએ શોળ(પથ્થર)નો વાડો તૈયાર કરેલો. આ કારણે તેનું નામ ‘વાડશોળ’ પડ્યું હતું. જે અપભ્રંશ થઈને ‘વાડાશિનોર’ થયું હોવાનું મનાય છે. આ શહેરની નજીકમાં કેદાર, દેવડુંગરિયા અને ભીમભમરાડાના ડુંગરો આવેલા છે.

ઇતિહાસ : બાલાશિનોર જૂના કાળથી વસેલું છે. તે સમયે વાડાશિનોરના નામે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશાઓ જોતાં તથા જૂના લશ્કરના માર્ગો જોતાં વાડાશિનોર શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણ વાડાશિનોર શબ્દ છે. ગુજરાતનાં મુખ્ય વ્યાપારી શહેરોમાં લશ્કરની અવરજવરમાં આ શબ્દનો ઉલ્લેખ થતો હતો. સર્વે વ્યાપારી માર્ગોના મિલન સ્થળ તરીકે બાલાશિનોર વધુ જાણીતું હતું. 14ના સૈકામાં બાલાશિનોર ખાતે ઉસ, સાજીખાર, ચૂનો, સાબુ (મહુડામાંથી બનાવાતો) વગેરેના વ્યાપારનો ઉલ્લેખ મળી આવે છે.

મુસ્લિમ શાસન પૂર્વે બાલાશિનોર વીરપુરના સોલંકી રાજાને તાબે હતું. 1505માં મહમ્મદ બેગડાના સેનાપતિએ તે જીતી લીધું હતું. શેરખાન બાબીથી ચોથી પેઢીએ થઈ ગયેલા સરદાર મહમૂદખાને મુઘલ શાસનની અવનતિ દરમિયાન બાલાશિનોરનું રાજ્ય સ્થાપ્યું હતું. 1761માં તે ગાયકવાડને ખંડણી આપતું હતું. મહમૂદખાનના અનુગામી સલાબતખાન બાબી ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા ગાયકવાડ – બંનેને ખંડણી ભરતા હતા. 1882થી સલાબતખાનના વારસ જોરાવરખાને 50 વર્ષ શાસન કર્યું અને ત્યારબાદ તેનો પુત્ર મુનાવરખાન ગાદીએ આવ્યો. તેના શાસન દરમિયાન વીરપુર પરગણાનાં 42 ગામો અંગેની તથા લુણાવાડા સાથેના બાલાશિનોર રાજ્યની તકરારનો અંત આવ્યો. 1899માં મુનાવરખાનના અવસાન પછી તેનો પુત્ર જમાલખાન ગાદીએ આવ્યો. તે સગીર હોવાથી બાલાશિનોરનો વહીવટ બ્રિટિશ સરકારના અધિકારીને હસ્તક હતો. 1915માં તેણે વહીવટ સંભાળ્યો. છેલ્લો નવાબ જમિયતખાન તરંગી અને રૈયત તરફ સહાનુભૂતિવિહીન હતો. નાટકો અને તાજિયાનો શોખીન હોઈ તેનો બધો જ વખત તેમાં વીતતો હતો. લોકોનાં કલ્યાણકાર્યો પ્રત્યે તે બેદરકાર હતો. તેના વખતમાં વેઠની પ્રથા પ્રચલિત હતી. તેણે મૃત્યુવેરો પણ નાખ્યો હતો. લોકોએ તેનાથી કંટાળીને મણિલાલ હીરાલાલ મહેતાના પ્રમુખપણા નીચે ‘લોકસમાજ’ની સ્થાપના કરી. પહેલી સભાના પ્રમુખ નવાબ પોતે હતા. 1921માં વીરપુર ખાતે ભરાયેલી સભાના પ્રમુખ મોહનલાલ કામેશ્વર પંડ્યા હતા. ત્રીજું અધિવેશન રાજ્યના ત્રાસને કારણે ભરી શકાયું નહિ. 20 મે, 1922ના રોજ છોટાલાલ કડકિયાની ધરપકડ કરવામાં આવી. ચંદુલાલ ગાંધી ઘોડા નીચે કચરાઈને મૃત્યુ પામ્યા. સરદાર પટેલ અને નરીમાને રાજ્યવિરોધી આ આંદોલનને ટેકો આપ્યો. 1930–31 દરમિયાન રાજ્યના ખેડૂતો વેઠના ત્રાસથી કંટાળી હિજરત કરીને કૈલાસપુરમાં જઈને વસ્યા. રાજ્યે વિદ્યારામ જોષી વગેરેની ધરપકડ કરી. એ વર્ષે ઘરવેરો બેવડો કરાયો. મોજીલાલ દેસાઈ સહિત સો માણસો હિજરત કરી ગોધરા રહેવા ગયા. 1932માં મુંબઈના ગવર્નર સર ફ્રેડરિકને જુલમ અંગે મેમોરૅન્ડમ આપ્યું. 1936–37માં નવાબને તેના મૃત્યુ સુધી વડોદરામાં રહેવા ફરજ પાડવામાં આવી. 1945ના ફેબ્રુઆરીમાં નવાબનું મૃત્યુ થયું. ત્યારબાદ બાલાશિનોર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. નવાબને રૂ. 69,000 સાલિયાણું અપાયું. તે વખતે બાલાશિનોર રાજ્યમાં 104 ગામ હતાં અને તેનો વિસ્તાર 189 ચોકિમી. જેટલો હતો. 28 ડિસેમ્બર, 1971થી એ સાલિયાણું બંધ કરાયેલું છે.

મહીસાગર જિલ્લો 15મી ઑગસ્ટ, 2013માં એ પંચમહાલ અને ખેડામાંથી છૂટો પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ખેડા જિલ્લાના બે અને પંચમહાલ જિલ્લાના ચાર તાલુકાઓ છે. ખેડા જિલ્લામાંથી બાલાશિનોર અને વીરપુર તાલુકા વિભાજિત થઈ નવા મહીસાગર જિલ્લામાં સમાવેશ કરાયો છે.

ડાયનોસૉર ફૉસિલ પાર્ક :

બાલાશિનોર તાલુકામાં રૈયાલી ગામમાં આ પાર્ક આવેલો છે.

તે 22 95´ ઉ. અ. અને 73 33´ પૂ. રે. પર સ્થિત છે. ભારતીય ઉપખંડમાં મળી આવનારો પ્રથમ અને વિશ્વમાં ત્રીજા ક્રમે આ ડાયનોસોર ફૉસિલ પાર્ક છે. ઈ. સ. 1980ના દાયકામાં ખનીજો વિશે ભૌગોલિક સર્વે દરમિયાન ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવેત્તાઓને સંશોધન કરતાં ડાયનોસૉરનાં હાડકાં, ઈંડાં, હાડપિંજર વગેરે અશ્મિઓ રૂપે મળી આવ્યાં હતાં.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુજરાત એ ડાયનોસૉરનાં  ઈંડા સેવનાર ક્ષેત્રનું મહત્ત્વ વધુ છે. એક અંદાજ મુજબ 100 મિલિયન વર્ષથી પણ પહેલાં એટલે કે 65 મિલિયન વર્ષ પહેલાં ડાયનોસૉર લુપ્ત થયાં હશે. તે વખતે  ગુજરાતમાં 13 પ્રજાતિનાં ડાયનોસૉર વસવાટ કરતા હશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારના ટાઇટોનોરસે મૂકેલાં હજારો ગોળાકાર ઈંડાં અને અસંખ્ય માળા ધરાવતું પેલોન્ટોલૉજિકલ સ્થળ જે વિશ્વમાં ખૂબ ઓછું જાણીતું છે. દુનિયામાં આ એક અદ્વિતીય સ્થળ છે. સમૂહમાં રહેનારા આ સરીસૃપ પ્રાણીને તેમના માળા બાંધવા અને ઈંડાં મૂકવા માટે નદીકિનારાની પોચી રેતી અને સૂર્યપ્રકાશ મળી રહેતો હશે તેથી તેમને આ સ્થળ આદર્શ અને ખૂબ જ અનુકૂળ બન્યું હશે.

 

શિવપ્રસાદ રાજગોર