બાલાચંદર કૈલાસમ્ (જ. 1930, નાન્નીલમ, તંજાવુર, તામિલનાડુ) : તમિળ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. 1951માં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં 1964 સુધી નોકરી કરી. નાટ્યલેખક અને રંગમંચના દિગ્દર્શક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમના પ્રખ્યાત નાટક ‘સર્વર સુંદરમ્’ ઉપરથી 1964માં ફિલ્મ બની. હિંદી નાટક ‘મેજર ચંદ્રકાંત’ ઉપરથી 1965માં દિગ્દર્શક ફણી મજુમદારે પણ ફિલ્મ બનાવી. તેમણે પોતે પણ તેના ઉપરથી તમિળમાં ફિલ્મ બનાવી. પોતાની સ્વતંત્ર નિર્માણસંસ્થા કવિતાલયની સ્થાપના કરતાં પહેલાં થોડો સમય તેમણે કલાકેન્દ્ર ફિલ્મ્સ યુનિટમાં કામ કર્યું. તેમની ફિલ્મોમાં મધ્યમ વર્ગના જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. મધ્યમ વર્ગની સમસ્યા અને સંકુચિતતા ઉપર તેમણે પ્રકાશ પાડ્યો છે. સંયુક્ત કુટુંબની છબી ‘ભાલે કોડાલુ/ભામા- વિજયમ્’માં દેખાય છે. વિધવાવિવાહની વાત ‘અવલ ઓરુ થોડાકથા’માં ચમકે છે.

છૂટછેડા લીધેલી સ્ત્રીઓનું દર્દ ‘અવાર ગલ’માં સ્પર્શી જાય છે. દહેજની સમસ્યા ‘ કલ્યાણ અગાથિગલ’માં ગૂંથી લીધી છે. ગાંધીજીનાં મૂલ્યો ‘પુન્નાગલ’માં રજૂ કરવામાં આવ્યાં છે. ન્યાયની નિર્માલ્યતા વિશે ‘મેજર ચન્દ્રકાંત’માં ચિંતા વ્યક્ત કરી છે. તામિલનાડુ સરકારે તેમની લોકપ્રિય ફિલ્મ ‘આરંગેત્રમ્’નો ઉપયોગ કુટુંબનિયોજનના પ્રચાર માટે કર્યો હતો. કમલ હાસન, રજનીકાંત, સુજાતા, અને એસ. વી. શેખર જેવાં તમિળ ફિલ્મોનાં વરિષ્ઠ કલાકારો (સુપર સ્ટાર) તેમનું પ્રદાન છે.

પીયૂષ વ્યાસ