બાલાઘાટ હારમાળા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી ટેકરીઓની શ્રેણી. તે પશ્ચિમ ઘાટની હરિશ્ચંદ્ર હારમાળામાંથી શરૂ થઈ, અગ્નિકોણ તરફ 320 કિમી.ના અંતર સુધી વિસ્તરીને કર્ણાટકની સરહદ સુધી જાય છે. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 9 કિમી.ની છે. તેની ઊંચાઈ પશ્ચિમ તરફ વધુ છે, પરંતુ જુદી જુદી જગાએ 550થી 825 મીટર વચ્ચેની ઊંચાઈ જોવા મળે છે. પૂર્વ તરફ ઊંચાઈ ઓછી થતી જઈને ભીમા નદી નજીક ખૂબ ઘટી જાય છે. જ્યાં જ્યાં સપાટ શિરોભાગવાળી ડુંગરધારો છે ત્યાં શિખરો પલ્યયન(saddle)થી અલગ પડી જતાં દેખાય છે. પૂર્વ તરફ આવાં ભૂમિસ્વરૂપો વધુ જોવા મળે છે. આ હારમાળા ઉત્તરે વહેતી ગોદાવરી તથા દક્ષિણે વહેતી ભીમા નદી વચ્ચે જળવિભાજક બને છે. સહ્યાદ્રિ તરફના પશ્ચિમ ભાગમાં વર્ષાપ્રમાણ વિશેષ રહેતું હોવાથી ટેકરીઓ વનસ્પતિથી હરીભરી દેખાય છે, જ્યારે દૂર જતાં પૂર્વ તરફના વર્ષાછાયાના પ્રદેશમાં તે વનસ્પતિવિહીન ખુલ્લાં પહાડી ર્દશ્યોવાળી બની રહેલી છે.

આ આખીય હારમાળા મહદ્અંશે ભરવાડોની વસ્તીવાળી છે. તેઓ ઘેટાઉછેર કરી તેમનો જીવનનિર્વાહ કરે છે તથા તેઓ આજુબાજુનાં નાનાં નાનાં ગામડાં, લોકો તેમજ ટેકરીઓ પરનાં મંદિરો વચ્ચેના સંપર્કો જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. પુણેથી નાસિક તરફ જતો ધોરીમાર્ગ તથા ધોંડથી મન્માડ તરફ જતો રેલમાર્ગ આ ટેકરીઓમાંથી પસાર થાય છે.

ગિરીશભાઈ પંડ્યા