બાર્લાખ, અર્ન્સ્ટ (જ. 2 જાન્યુઆરી 1870; અ. 24 ઑક્ટોબર 1938) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી અને મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત. આધ્યાત્મિક અને વિશિષ્ટ દુ:ખી મનોદશાનું નિરૂપણ કરવા માટે તેઓ જાણીતા હતા. આ માટે જરૂરી વિકૃતિઓ અને કઢંગા આકારોને પણ તેઓ પોતાનાં શિલ્પોમાં ઉતારતા હતા.
1883થી 1891 સુધી તેમણે હૅમ્બર્ગ સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. આ પછી 1891થી 1895 સુધી ડ્રેસ્ડન એકૅડેમીમાં અભ્યાસ કર્યા બાદ પૅરિસ ગયા. અહીં તે સમયના વિખ્યાત શિલ્પી ઑગુસ્ત રોદાંનો તેમના પર કોઈ પ્રભાવ પડ્યો નહિ; પરંતુ પૅરિસમાં ઝ્યાં ફ્રાંસ્વા મિલે, મ્યુનિયર અને વાન ગૉફનું તેમને આકર્ષણ રહ્યું. આ ત્રણેય કલાકારોની કૃતિઓએ બાર્લાખ પર આજીવન અસર પાડી. સમાજનાં છેવાડેનાં, તિરસ્કૃત, હડધૂત અને શોષિત માનવો તેમનાં શિલ્પોના વિષય બન્યા. તેમણે રશિયન ભરતકામ તથા લોકકલાનો પણ અભ્યાસ કર્યો હતો. બાર્લાખના શિલ્પમાં પ્રશિષ્ટ શૈલીના પ્રમાણવિવેક અને માનવદેહના સૌષ્ઠવયુક્ત સૌંદર્યનો હંમેશાં અભાવ દેખાય છે. ભારેખમ અને અણઘડ જણાતાં તેમનાં શિલ્પો હકીકતમાં કલાકૃતિઓ ખરીદનાર ધનાઢ્ય વર્ગ માટે નહિ, પણ પીડિતો તરફની અનુકંપા અભિવ્યક્ત કરવા સર્જાયાં હતાં. તેમાં ‘બેઠેલી સ્ત્રી’, ‘વંટોળમાં સપડાયેલો ભરવાડ’ અને ‘પુનર્મિલન’ લાકડામાંથી બનેલાં મહત્વનાં શિલ્પ છે તથા ‘ભિખારણ અને બાળક’ અને ‘તડબૂચ ખાનાર’ કાંસામાંથી બનેલાં મહત્વનાં શિલ્પ છે. પૅરિસમાં ફ્રેંચ સાહિત્યકાર એમિલ ઝોલા બાર્લાખનો ખાસ પ્રસંશક હતો. તેમની મહત્વની મુદ્રણક્ષમ કલાકૃતિઓમાં ‘ભૂખ’, ‘યુદ્ધના સમયમાં’ અને ‘ઊડતો દેવદૂત’ને ગણાવી શકાય.
1910માં તેઓ કાયમ માટે જર્મની પાછા ફર્યા અને મૅકલનબર્ગ નગરમાં નિવાસ કર્યો. 1930 પછી નાઝી દળોએ બાર્લાખને નિમ્ન કક્ષાએ ઊતરી ગયેલ ઠરાવ્યા અને તેમની કૃતિઓનો નાશ કરવા માંડ્યો.
અમિતાભ મડિયા