બાર્બી, ક્લૉસ (જ. 1913, બૅડ ગૉડઝ્બર્ગ, જર્મની; અ. 1991) : વિવાદાસ્પદ બનેલા નાઝી નેતા. તેઓ લિયૉનના હત્યારા તરીકે પણ ઓળખાય છે. 1931માં તેઓ ‘હિટલર યૂથ’ નામે ઓળખાતા જૂથમાં જોડાયા. તેઓ નેધરલૅન્ડ્ઝ, રશિયા અને છેલ્લે લિયૉન ખાતે ‘ગેસ્ટાપો’ માટે કામગીરી બજાવતા હતા. આ બધાં સ્થળોએથી તેઓ હજારો લોકોને ઑસ્વિચના કૅમ્પ ખાતે ધકેલી આપતા.

યુદ્ધ પછી તેઓ ભળતું નામ ધારણ કરીને પોતાના કુટુંબ સાથે દક્ષિણ અમેરિકા જતા રહ્યા, પરંતુ નાઝી સત્તાવાળાઓએ તેમને ખોળી કાઢ્યા અને 1983માં તેમને બોલિવિયામાંથી હદપાર કરવામાં આવ્યા. 1977માં ફ્રાન્સમાં માનવતાવિરોધી 177 જેટલા ગુનાઓ આચરવા બદલ તેમની પર કામ ચલાવવામાં આવ્યું અને તેઓ દોષિત પુરવાર થતાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવી.

મહેશ ચોકસી