બાર્બિઝન ચિત્ર-સંપ્રદાય : ફ્રાન્સના લૅન્ડ્સ્કેપ ચિત્રકારોનું જૂથ. 1840ના દશકાની આસપાસ આ ચિત્રકારો ભેગા મળ્યા હતા. તે બધા ચિત્રકળાની અતાર્કિક, અવ્યવહારુ કે પાંડિત્યપૂર્ણ પરંપરા અને શૈલીનો વિરોધ કરનારા હતા. તેઓ કુદરતી ર્દશ્યોની ચિત્રકળા કેવળ આનંદ ખાતર જ હોવાનો ર્દઢ મત ધરાવતા હતા. પૅરિસ નજીકના જે એક નાના ગામમાં તેઓ ચિત્રકામ કરતા હતા તે ગામના નામ પરથી તેમણે પોતાના જૂથનું નામ બાર્બિઝન પાડ્યું હતું. થિયોડૉર રુસો આ જૂથના નેતા હતા. આ જૂથ પર કૉન્સ્ટેબલ તથા સત્તરમી સદીની ડચ પરંપરાનો પ્રભાવ હતો. તેઓ પ્રકૃતિર્દશ્યો પરથી સીધું જ ચિત્રકામ કરતા હતા. સૌપ્રથમ તેઓ પ્રકૃતિનો અભ્યાસ કરતા હોય એ રીતે પ્રારંભિક કાર્ય કરી લેતા અને પછીથી પોતાના સ્ટુડિયોમાં રંગ વગેરે ર્દષ્ટિએ એ ચિત્રને સંપૂર્ણ કરી લેતા હતા. આ રીતે તેઓ પ્રભાવવાદી ચિત્રકારોથી જુદા પડતા હતા; જોકે કેવળ સૌંદર્યલક્ષી પ્રેરણા ખાતર પ્રકૃતિના ખોળે જવાની ઉત્કંઠા તો બંને ચિત્રશૈલીઓમાં એકસરખી હતી. તેમનો તાજગીસભર પ્રકૃતિવાદી અભિગમ વાસ્તવવાદી ઝુંબેશની ભાવના સાથે ઘણું સામ્ય ધરાવતો હતો; અલબત્ત, તેમનો વિષયફલક ઘણે અંશે મર્યાદિત હતો.
મહેશ ચોકસી