બાર્બરા, મેક્લિન્ટોક (જ. 1902, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1992) : ઈ. સ. 1983ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયના નોબેલ પુરસ્કારનાં વિજેતા. તેમણે ચલનશીલ જનીનતત્વો (mobile genetic elements) અંગેના તેમના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું

મેક્લિન્ટોક બાર્બરા

હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટી ખાતે ભણીને 1927માં વાનસ્પતિક જનીનવિદ્યા(plant genetics)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ કેલ્ટેક, ફ્રેઇબર્ગ અને મિસોરીમાં કામ કરીને કૉર્નેલ ખાતે ભણાવવા માટે આવ્યાં. ઈ. સ. 1940માં તેમણે કોલ્ડ-સ્પ્રિંગ હાર્બર લૅબોરેટરી ખાતે જનીનવિદ્યામાં સંશોધન કર્યું. તે મહદ્અંશે પ્રસિદ્ધિ ન પામ્યું, પરંતુ જ્યારે નોબેલ પુરસ્કાર સમિતિએ તેને તે સમયની વિશ્વભરની 2 મહત્વની જનીનવિદ્યાકીય શોધોમાંની એક શોધ તરીકે નવાજ્યું ત્યારે સૌનું તેના તરફ ધ્યાન ગયું. તેઓ સૌપ્રથમ મહિલા હતાં કે જેમને એકલાંને તબીબી વિદ્યાનો નોબેલ પુરસ્કાર મળ્યો હોય. તેમણે મકાઈની કેટલીક રંગીન જાત પર સંશોધન કરીને દર્શાવ્યું કે કેટલાંક જનીનો ફક્ત બીજાં જનીનોના કાર્યનું નિયમન કરે છે અને તેઓ રંગસૂત્ર પર ખસે પણ છે. આવાં કૂદકા મારતાં જનીનોની સંકલ્પના પ્રમાણે ડી.એન.એ.ના અણુઓ એક સ્થળેથી બીજા સ્થળે ખસીને જનીનક્રિયાને ચાલુબંધ કરતી ચાંપ જેવું કાર્ય કરે છે. આ શોધ પ્રમાણમાં ઘણી ક્રાંતિકારી શોધ ગણાઈ હતી.

શિલીન નં. શુક્લ