બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ પેટાજૂથના ટાપુઓની બહારનો ટાપુ ગણે છે, કારણ કે ચાપ આકારે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલા અહીંના ટાપુઓમાં તેનો સમાવેશ થતો નથી, પરંતુ તે વિન્ડવર્ડ પેટાજૂથના સેન્ટ વિન્સેન્ટ ટાપુથી 160 કિમી. પૂર્વમાં આવેલો છે.) તેનો કુલ વિસ્તાર આશરે 430 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 34 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 23 કિમી. જેટલું છે. તેના દરિયાકિનારાની લંબાઈ 90 કિમી. થાય છે. બ્રિજટાઉન તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ : બાર્બાડોસનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે, પરંતુ ઈશાન કિનારા તરફનો મધ્ય ભાગ પહાડી તથા અસમતળ છે. 340 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ હિલૅબી અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ છે. ઈશાન કિનારાપટ્ટીથી અંદર તરફનો ભૂમિભાગ નીચાણવાળો બનતો જાય છે. પશ્ચિમ તથા નૈર્ઋત્ય કિનારા પર બારીક રેતીથી બનેલો કંઠારપટ વિસ્તર્યો છે. ટાપુનો લગભગ બધો જ ભાગ પરવાળાંના ખડકોથી ઘેરાયેલો છે, તેમ છતાં 85 % ભૂમિ પર ખેતી કરી શકાય છે. ઈશાન તરફ આવેલાં કેટલાંક સદાહરિત વૃક્ષોને બાદ કરતાં આ ટાપુ પર બહુ જ ઓછી કુદરતી વનસ્પતિ જોવા મળે છે.

બાર્બાડોસ

આ ટાપુની ચારેય બાજુ છીછરાં જળ ધરાવતી વધુમાં વધુ 200 મીટર ઊંડાઈની ખંડીય છાજલી આવેલી છે. ટાપુનું ભૂસ્તર મુખ્યત્વે ચૂનાખડકો, રેતીખડકો અને શેલથી બનેલું છે. અહીં ભૂતકાળમાં પરવાળાંના ખરાબાનો ક્રમિક ઊંચકાવ થતાં પગથીઓ(platforms)ની રચના થયેલી છે. આંતરિક ભાગો તરફ જતાં પગથીઓની ઊંચાઈમાં વધારો થતો જાય છે. ઈશાન ખૂણાના કિનારા પરની ‘ચેરી ટ્રી હિલ’ તથા દક્ષિણ-મધ્યની ‘ગન હિલ’ની ઊંચાઈ અનુક્રમે 246 મીટર અને 210 મીટર જેટલી છે. કિનારાના ભાગોમાં થોડાક પ્રમાણમાં ખનિજતેલ મળી આવ્યું છે.

આબોહવા : અક્ષાંશીય સ્થાન મુજબ તેની ગરમ આબોહવા દરિયાઈ લહેરોથી પ્રમાણમાં નરમ બની રહેલી છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 21° સે.થી 31° સે. વચ્ચેનું રહે છે. બ્રિજટાઉન(પાટનગર)નાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ માસિક તાપમાન અનુક્રમે 25.5° સે. અને 26.5° સે. જેટલાં રહે છે. ઈશાનકોણી વ્યાપારી પવનો દ્વારા આ ટાપુ મધ્યમસરનો વરસાદ મેળવે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,277 મિમી. જેટલો રહે છે, પરંતુ ઉત્તરના અને દક્ષિણના ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ અનુક્રમે 2,000  મિમી. અને 1,000થી 1,500 મિમી. જેટલો પડે છે. ખેતી માટે આટલો વરસાદ પૂરતો ગણાય, તેમ છતાં કોઈક વાર અહીં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ ઉદભવે છે. શરદ ઋતુમાં, જૂનથી નવેમ્બર દરમિયાન, ક્વચિત્ ચક્રવાતના વંટોળોની શક્યતા પણ ઊભી થાય છે; પરંતુ તે ભાગ્યે જ આ ટાપુ પરથી પસાર થાય છે.

અર્થતંત્ર : ઉત્પાદન, પ્રક્રમણ, પ્રવાસન અને ખેતી – એ બાર્બાડોસના અર્થતંત્ર માટેની મહત્ત્વની પ્રવૃત્તિઓ છે. કારખાનાંઓમાં રસાયણો, કપડાં અને વીજાણુ-સામગ્રીનું ઉત્પાદન લેવાય છે. પાટનગર બ્રિજટાઉનમાં અહીંની મહત્વની પેદાશ શેરડીમાંથી ખાંડ, ખાંડસરી અને મધ તૈયાર થાય છે. વનસ્પતિજ અને પ્રાણિજ પેદાશોમાં ખાદ્યતેલો, માર્ગેરિન તથા ડુક્કરની ચરબી બને છે. અહીંની ખુશનુમા આબોહવા, રમણીય દરિયાઈ કંઠારપટ તથા ઇંગ્લિશ માહોલથી પ્રેરાઈને દર વર્ષે હજારો પ્રવાસીઓ આ ટાપુની મુલાકાત લે છે. આ ટાપુની 23 ભૂમિ ખેતીના ઉપયોગમાં લેવાય છે, તે પૈકીની 50 % જમીન પર શેરડીનું વાવેતર થાય છે. આ ઉપરાંત મકાઈ, કસાવા, કઠોળ, કેળાં, ગાજર, શક્કરિયાં તથા રતાળુ પણ થાય છે. દરિયાકાંઠે નાળિયેરીનું ઉત્પાદન લેવાય છે. લોકો દૂધ માટે ગાયો તથા માંસ માટે ડુક્કર પાળે છે. કેટલાક લોકો માછીમારીનો – શ્રીંપ માછલી પકડવાનો – વ્યવસાય પણ કરે છે.

શેરડીનો ઉદ્યોગ અહીં લગભગ 300 વર્ષથી ચાલ્યો આવતો મહત્વનો ઉદ્યોગ છે. બાર્બાડોસનો વેપાર મુખ્યત્વે કૅનેડા, યુ.એસ., ગ્રેટ બ્રિટન અને જાપાન સાથે થાય છે. અહીંથી ખાંડ, ખાંડસરી, રમ, વીજળીનો સામાન, વીજાણુપુરજા-સામગ્રી, કપડાં અને રસાયણોની નિકાસ થાય છે. આ બધી ચીજો લગભગ 90 % નિકાસહિસ્સો ધરાવે છે. ખાદ્યચીજો, ઇંધન તથા અન્ય જરૂરી ઉપભોક્તા-માલસામાનની આયાત કરવામાં આવે છે.

પ્રવાસીઓ માટે અહીં ઉદ્યાનો, સંગ્રહાલયો, દેવળો, ટેકરીઓ, ગુફાઓ વગેરે જેવાં જોવાલાયક સ્થળો છે. તેમને હરવાફરવા માટેના સારા માર્ગો, વિહારધામો તથા રહેવા માટેની હોટેલોની સુવિધા ઊભી કરાઈ છે. અહીં રેલમાર્ગો તો નથી, પરંતુ 1,400 કિમી.ના પાકા રસ્તા છે. બ્રિજટાઉન અહીંનું પાટનગર, મુખ્ય બંદર, વેપારીમથક, સાંસ્કૃતિક કેન્દ્ર તથા પ્રવાસનમથક બની રહેલું છે. બ્રિજટાઉનથી 19 કિમી. અંતરે હવાઈ મથક પણ આવેલું છે.

વહીવટ : બાર્બાડોસ રાષ્ટ્રસમૂહમાં જોડાયેલું સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેના 1966ના બંધારણ મુજબ બ્રિટિશતાજ રાજ્યના વડા છે અને તેમના પ્રતિનિધિ તરીકે ગવર્નર જનરલ રહે છે, જે રાજ્યના વડા ગણાય છે; પરંતુ વાસ્તવમાં વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ દેશનો વહીવટ સંભાળે છે. આ ટાપુસમૂહને કુલ 11 વહીવટી વિભાગોમાં વહેંચી નાખેલો છે. અહીં કુલ ત્રણ રાજકીય પક્ષો છે : બાર્બાડોસ લેબર પાર્ટી, ડેમોક્રૅટિક લેબર પાર્ટી અને નૅશનલ ડેમોક્રૅટિક પાર્ટી. હાઉસ ઑવ્ એસેમ્બ્લી માટે જે રાજકીય પક્ષ બહુમતી મેળવે તેનો વડોપ્રધાન ચૂંટાય છે. સંસદ સેનેટ તથા હાઉસ ઑવ્ એસેમ્બ્લીથી બનેલી હોય છે. ગવર્નર જનરલ 21 સેનેટરો નીમે છે, તે પૈકીના 12 સેનેટરોની નિયુક્તિ વડાપ્રધાનની સલાહથી થાય છે. દેશની પ્રજા હાઉસ ઑવ્ એસેમ્બ્લી માટે 27 સભ્યો ચૂંટે છે. સંસદસભ્યોની અવધિ વધુમાં વધુ પાંચ વર્ષ માટેની હોય છે. 18 કે તેથી વધુ વર્ષના નાગરિકોને મતાધિકાર હોય છે. 1966થી 1995 સુધી એલિઝાબેથ II અહીંનાં વહીવટી પ્રતિનિધિ હતાં, પરંતુ 1995થી ડેનિસ વિલિયમ્સ અહીંના વહીવટી પ્રતિનિધિ છે.

લોકો : બાર્બાડોસની વસ્તી 3 લાખ (1997) જેટલી છે. દુનિયાના અતિ ગીચ વસ્તી ધરાવતા દેશો પૈકી તેની ગણના થાય છે. વસ્તી-ગીચતા દર ચોકિમી. મુજબ 698 જેટલી છે. વસ્તીવૃદ્ધિદર 0.3 % જેટલો છે. પુરુષો અને સ્ત્રીઓનો આયુષ્યદર અનુક્રમે 73થી 78 વયનો છે. બાર્બેડિયનોને તેમની જીવનશૈલી તથા જીવનધોરણ અંગ્રેજો જેવાં હોવા માટે ગૌરવ છે. લોકો અંગ્રેજી ભાષા બોલે છે. અહીંની અન્ય અંગ્રેજી સમકક્ષ બોલી બજન (Bajan) છે. રમતગમતોના, વિશેષે કરીને ક્રિકેટના, તેઓ ખૂબ શોખીન છે. તેઓ સ્વભાવે શાંત અને મહેનતુ છે. અહીંની 80 % વસ્તી 1636થી 1834 દરમિયાન બાર્બાડોસ ખાતે લવાયેલા આફ્રિકી ગુલામોના સીધા વંશજોની છે (1834માં ગુલામીની પ્રથા નાબૂદ થયેલી). 16 %થી 18 % લોકો બ્રિટિશ-આફ્રિકી મિશ્ર પ્રજા છે, જ્યારે 2 %થી 4 % લોકો બ્રિટિશ વંશજો છે.

દેશના મોટાભાગના લોકો શેરડીનાં ખેતરોમાં તથા ખાંડનાં કારખાનાંઓમાં કામ કરે છે. બાકીના વેપાર, નોકરી, સેવા-ઉદ્યોગો, પ્રક્રમણ-એકમો તથા બાંધકામ-નિર્માણ-ક્ષેત્રે રોકાયેલા છે. અહીં ખ્રિસ્તીઓ પૈકી 33 % ઍંગ્લિકન, 13 % પેન્ટેકોસ્ટાલિસ્ટ, 6 % મેથૉડિસ્ટ અને 4 % રોમન કૅથલિક છે. ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ બાર્બાડોસનું મોટામાં મોટું દેવળ ગણાય છે. તે ઉપરાંત રોમન કૅથલિક, મેથૉડિસ્ટ અને મોરેવિયનપંથીઓનાં પણ દેવળો છે.

અહીંના લોકોની પ્રિય વાનગીઓમાં માછલી, ઓક્રા, ડુક્કરનું માંસ અને સૂરણ-રતાળુનો સમાવેશ થાય છે. લોકો વજનમાં હલકાં, યુરોપિયન શૈલીનાં કપડાં પહેરે છે. સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઊંચું છે, આશરે 99% લોકો લખી-વાંચી જાણે છે. 16 વર્ષની વય સુધી શાળાએ જવાનું ફરજિયાત છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક છે. વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી બ્રિજટાઉનમાં આવેલી છે.

ઇતિહાસ : 1536માં પૉર્ટુગીઝ અભિયંતા પેદ્રો અ કૅમ્પસ અહીંની મુલાકાતે આવેલો અને અહીં ઊગતાં અંજીરનાં વૃક્ષો જોઈને તેણે આ ટાપુને ‘લૉસ બાર્બાડોસ’ નામ આપેલું. સંશોધકોના મત અનુસાર અહીંના સર્વપ્રથમ વસાહતીઓ દક્ષિણ અમેરિકામાંથી આવીને વસેલા આરાવાક ઇન્ડિયનો હતા, તેઓ એમ પણ માને છે કે સોળમી સદીમાં કૅરિબિયન ઇન્ડિયનોએ તેમને અહીંથી હાંકી કાઢેલા. અંગ્રેજો સર્વપ્રથમ 1625માં અહીં આવ્યા. 1627માં તેમણે તેમની પ્રથમ વસાહત સ્થાપી. તેમણે અહીં શેરડીનો મબલક પાક થતો હોવાથી પશ્ચિમ આફ્રિકામાંથી લવાયેલા ગુલામોનો ઉપયોગ કરીને ખાંડ-આધારિત અર્થતંત્ર વિકસાવ્યું. 1629થી 1652 સુધી ઘણાં ઇંગ્લિશ કુટુંબો બાર્બાડોસ મેળવી લેવા લડતાં રહેલાં, તેથી 1652માં બ્રિટિશ સરકારે આ ટાપુનો કબજો મેળવવા એક ટુકડી મોકલેલી. આ ગાળા દરમિયાન અહીંની વસાહતનો વહીવટ ગવર્નર અને કેટલાક સરકારી પ્રતિનિધિઓ કરતા  હતા. 1639માં અહીંના જમીનમાલિકોએ હાઉસ ઑવ્ એસેમ્બ્લી ચૂંટી કાઢેલી. જેમ જેમ વસાહત સમૃદ્ધ થતી ગઈ તેમ તેમ ઘણાં ઇંગ્લિશ કુટુંબો અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન અહીં આવીને વસતાં ગયાં. 1816માં બુસાના નેતૃત્વ હેઠળ ગુલામો દ્વારા મુક્તિ માટે ઘણા મોટા પાયા પર બળવો થયો, છેવટે 1834માં તેમને ગુલામીની પ્રથામાંથી મુક્તિ મળી.

1870ના દસકાનાં છેલ્લાં વર્ષો દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના બધા જ બ્રિટિશ ટાપુઓનું એક સમવાયતંત્ર રચવાની અંગ્રેજ સરકારની યોજના સામે અહીંના વસાહતીઓએ પોતાનો વિરોધ જાહેર કર્યો. 1937માં અહીં હુલ્લડો ફાટી નીકળ્યાં. 1937–38 દરમિયાન ગ્રૅન્ટલી ઍડમ્સના નેતૃત્વ હેઠળ બાર્બાડોસ લેબર પાર્ટી રચાઈ, તેમાંથી સ્વાતંત્ર્ય માટે ચળવળ ઊપડી. 1951ની ચૂંટણીમાં આ પક્ષની જીત થઈ. 1954માં ગ્રૅન્ટલી ઍડમ્સ વડો પ્રધાન બન્યો. 1958માં બાર્બાડોસ વેસ્ટ ઇન્ડિઝના સમવાયતંત્રમાં જોડાયું. બાર્બેડિયન ગ્રૅન્ટલી એડમ્સ આ સમવાયતંત્રનો વડો બન્યો, 1961માં બ્રિટિશ સરકારે બાર્બાડોસને સ્વતંત્રતા માટે મંજૂરી આપી. ચૂંટણીમાં ડેમોક્રૅટિક લેબર પાર્ટી જીતી ગઈ અને એરોલ બેરો સત્તા પર આવ્યો. પરંતુ જમૈકા, ત્રિનિદાદ અને ટોબેકો સ્વતંત્ર થતાં 1962માં આ સમવાયતંત્ર તૂટી પડ્યું. તે પછી બાર્બાડોસ અને વેસ્ટ ઇન્ડિઝના બીજા ઘણા ટાપુઓએ ફરીથી બીજું સમવાયતંત્ર રચવા પ્રયાસ કર્યો; પરંતુ બંધારણીય બાબતોમાં તેઓ એકમત ન થઈ શક્યા. 1966ના નવેમ્બરની 30મીએ બાર્બાડોસ બ્રિટનના કબજામાંથી સ્વતંત્ર બન્યું. પરંતુ તે રાષ્ટ્રસમૂહના દેશોમાં છે અને બ્રિટિશ તાજ તેના ઔપચારિક વડા ગણાય છે. બેરો વડો પ્રધાન બન્યો. બાર્બાડોસ કૉમનવેલ્થમાં જોડાયું. 1967માં તે યુનાઇટેડ નેશન્સનું પણ સભ્ય બન્યું. 1968માં તે કૅરિબિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન (CARIFTA) નામથી ઓળખાતા આર્થિક સંઘનું સ્થાનિક સભ્ય પણ બન્યું.

બાર્બાડોસના રમણીય સમુદ્રકિનારાનું આ ર્દશ્ય ક્રિકેટની રમત પ્રત્યેની તેના જનસામાન્યની ચાહનાની પણ ઝાંખી કરાવે છે.

1976માં બાર્બાડોસ લેબર પાર્ટીની જીત થતાં ગ્રૅન્ટલી ઍડમ્સનો પુત્ર જે. એમ. જી. ઍડમ્સ વડો પ્રધાન બન્યો. 1983માં ગ્રેનેડા પર ત્યાંની માર્કસવાદી સરકારને ઉથલાવવા યુ.એસે કરેલા આક્રમણમાં ઘણા કૅરિબિયન દેશો સાથે બાર્બાડોસ પણ જોડાયું. 1986ની ચૂંટણીમાં ડેમોક્રૅટિક લેબર પાર્ટીની જીત થતાં બેરો ફરીથી વડો પ્રધાન બન્યો. 1987માં તેનું  મૃત્યુ થતાં અર્સ્કીન લૉઇડ સેન્ટીફૉર્ડ વડો પ્રધાન બન્યો. 1994માં બાર્બાડોસ લેબર પાર્ટીની જીત થવાથી ઑવેન આર્થર સત્તા પર આવ્યો છે.

બીજલ પરમાર

ગિરીશભાઈ પંડ્યા