બારાઝાંજી : ઓરિસાનાં મંદિરોમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરની કોતરણી. ઓરિસાનાં મંદિરોમાં જુદા જુદા ભાગોની રચના એક વિશાળ પીઠ પર કરવામાં આવે છે અને દરેક ભાગના પ્રવેશદ્વારની રચનામાં આગવી કારીગરી દર્શાવાય છે. પ્રવેશદ્વારની રચનાનું પ્રમાણ પણ મંદિરના જે તે ભાગને – મુખ્યત્વે ગર્ભગૃહને અનુરૂપ હોય છે; આથી તેનું ઊર્ધ્વદર્શન અત્યંત ભવ્યતાપૂર્વક રીતે કરાય છે. મંદિરોના સ્થાપત્યમાં દ્વાર તથા દ્વારસાખ(બારસાખ)નું અનેરું મહત્વ છે અને દરેક શાખાને અર્થસભર બનાવાય છે. શાખાની ઉપરનો ભાગ પણ આ રીતે નવગ્રહ ઇત્યાદિની શિલ્પ – આકૃતિઓથી સજાવાય છે.
રવીન્દ્ર વસાવડા