બારબોસા, ડ્યુઆર્તે : 16મી સદીમાં દક્ષિણ ભારતમાં વહીવટ કરનાર ફિરંગી અમલદાર અને પ્રવાસી. તેણે દક્ષિણ ભારતમાં કોચીન જેવાં કેટલાંક સ્થળોએ ઈ.સ. 1500થી 1517 દરમિયાન વહીવટ કર્યો હતો. તેણે પૉર્ટુગલમાં પાછા ફરીને હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશો અને લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યો હતો. તેનો ગ્રંથ ‘ધ બુક ઑવ્ ડ્યુઆર્તે બાર્બોસા’ (The Book of Duarte Barbosa) નામે પૉર્ટુગીઝ ભાષામાં 1812માં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ પુસ્તકનું એમ. લાગવર્થ ડૅમ્સે અંગ્રેજીમાં ભાષાંતર કરી સંપાદન કર્યું હતું. તેણે ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના ઉત્તરાધિકારી મુઝફ્ફરશાહ બીજાના સમયમાં ઈ. સ. 1515ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી હતી. તેથી તેના પ્રવાસગ્રંથમાં ગુજરાતની સલ્તનત, એની વસ્તી, લોકોની હુન્નરકલાઓ, લોકોના રીત-રિવાજો, ગુજરાતનાં શહેરો અને બંદરોનાં વેપાર તથા સમૃદ્ધિ વિશે ઉપયોગી માહિતી અપાઈ છે. તેણે મલબાર, ઇરાન, અરબસ્તાન અને આફ્રિકાના કિનારાનાં બંદરો સાથે દીવના વેપારનું વિગતવાર વર્ણન આપ્યું છે તથા ખંભાત શહેરની સમૃદ્ધિનું પણ વિગતે નિરૂપણ કર્યું છે.
જયકુમાર ર. શુક્લ