બારણું : બારણું એટલે દીવાલની અંદર રાખવામાં આવેલું કાણું. જેમાંથી માનવીની અવરજવર શક્ય બને અને તે ઉપરાંત તેનાં થકી સલામતી, સુરક્ષા, ગોપનીયતા, વ્યવહારનો પ્રકાર, સામાજિક સ્થિતિ તેમજ મકાનની અગત્યની દૃશ્ય અનુભૂતિ પણ નિર્ધારિત થતી હોય છે. બારણાં વગર મકાનની કલ્પના મુશ્કેલ છે. બારણું છે એટલે મકાનની ચોક્કસ પ્રકારની ઉપયોગિતા શક્ય બને છે. દરેક પ્રકારના મકાનમાં બારણું આવશ્યક છે. બારણાંના વપરાશમાં સરળતા હોય તે ખૂબ જરૂરી છે. એક રીતે જોતાં બારણું એ સામાજિક ઉપકરણ છે જેનાથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે.

કોતરણીવાળું કલાત્મક બારણું
બારણું સામાન્ય રીતે લાકડું, લોખંડ, સ્ટીલ, ઍલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અથવા કાચમાંથી બનાવવામાં આવે છે. સામગ્રીની પસંદગી ઉપયોગિતાના પ્રકાર ઉપરાંત સ્થાનિક આબોહવા, ખર્ચ તથા દૃશ્ય સમૃદ્ધિની આવશ્યકતા પર આધાર રાખે. તેનાં સ્થાન અને મહત્ત્વ પ્રમાણે તેને નકશીકામ, રંગકામ, પ્રતીકાત્મક ચિહ્નો કે પરંપરાગત શૈલી મુજબ સુશોભિત કરાય છે. બારણાંની રચનાના નિર્ધારણમાં ઉપયોગિતા મુજબનાં પ્રમાણમાપ, મજબૂતાઈ, ટકાઉપણું, સંભવિત નિયમિત માવજતની આવશ્યકતા, મકાનની સ્થાપત્ય શૈલી સાથે સુસંગતતા તથા જરૂરી દૃશ્ય-અનુભૂતિની સમજ જેવી બાબતો ધ્યાનમાં રાખવી પડે.

કોતરણીવાળું બારણુ
બારણાંનું પ્રમાણમાપ ત્રણ શૈલીમાં વિભાજિત કરાય છે; આવાસકીય, સંસ્થાકીય અને સ્મારકીય; માનવીના માપ મુજબનું, એકત્રિત થતા માનવસમુદાયની સંખ્યા મુજબનું અને પ્રતીકાત્મક વિશાળ માપવાળું. બારણાની રચનામાં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે : પ્રથમ, ચોકઠું કે બારસાખ, જે દીવાલ તથા ફર્શ સાથે જડી દેવાય છે. એ બારણાનો સ્થિર ભાગ છે. જોકે કેટલાંક બારણાંમાં આ ચોકઠું નથી હોતું. આ ભાગ સામાન્ય રીતે પથ્થર, લાકડું, લોખંડ, પ્લાસ્ટિક, કૉન્ક્રીટ કે અન્ય ઍલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનાવાય છે. પછી બારણાં ઉઘાડ-બંધ થઈ શકે તેવાં શટર – પડખાં આવે, જે આ ચોકઠાં સાથે ‘યાંત્રિક ઉપકરણો’થી જોડાયાં હોય છે. તે લાકડામાંથી અથવા કાચ, લોખંડ, પ્લાસ્ટિક જેવી સપાટીજન્ય સામગ્રીમાંથી બનાવાય છે. આ પડખાં જાળીદાર પણ હોઈ શકે. બારણાની બનાવટમાં વપરાતું હાર્ડવેર એ ત્રીજો ભાગ છે, જેનાથી બારણાની ઉપયોગિતામાં સરળતા તથા સલામતી, એમ બંને સાધી શકાય છે. બારણું એક પડખાંવાળું, બે પડખાવાળું, સરકતુ સ્લાઇડિંગ, વાળીને ગોઠવાઈ શકે તેવું ફોલ્ડિંગ, ગોળ ફરતું રિવૉલ્વિંગ, અડધી ઊંચાઈનું, બારી સાથેનું કે જાળીદાર પણ હોઈ શકે. બારણું જ્યારે મકાનને ફરતી દીવાલમાં બનાવાય ત્યારે તે ઝાંપો, ઝાંપલી કહેવાય. જાળીદાર બારણાને જાળી કહેવાતી હોય છે. કાર્યાલયમાં ક્યારેક અડધિયાં બારણાં રાખવામાં આવે છે. બારણાની ઉપયોગિતા અનુસાર તેમાં સ્ટોપર, નકુચો, હૅન્ડલ, પવન-આંકડી, ખટકણિયું – નૉકર, વ્યૂઅર જેવાં હાર્ડવેર વપરાતાં હોય છે. પ્રાચીન સમયમાં એક વિશાલ લાકડાનો ટુકડો, ચામડાનું આવરણ કે નાની શિલા બારણું બની રહેતાં; તો સાંપ્રત સમયમાં બારણા પણ સેન્સર આધારિત સ્માર્ટ બની રહ્યાં છે અને હવે તો તેમાં પણ રિમોટનો ઉપયોગ પણ થાય છે.
હેમંત વાળા
