બારડોલી સત્યાગ્રહ (1928) : મહેસૂલ-વધારા સામે બારડોલી તાલુકાના ખેડૂતોનો સત્યાગ્રહ. બારડોલી તાલુકામાં મહેસૂલની જમાબંદી 1896માં થઈ હતી. મુંબઈ ઇલાકાની પ્રથા અનુસાર દર ત્રીસ વરસે તેમાં સુધારો કરવામાં આવતો. 1926માં એમાં સુધારો કરવાનો હોવાથી, એક નાયબ કલેક્ટરે બારડોલી અને ચોર્યાસી તાલુકાના મહેસૂલમાં 1925માં સુધારો તૈયાર કર્યો. તે પ્રમાણે બારડોલી તાલુકાના મહેસૂલમાં તેણે 25 ટકા વધારો સૂચવ્યો. તેણે 23 ગામોને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચડાવ્યાં. તેથી આખા તાલુકાનું મહેસૂલ એકંદરે 30 ટકા વધ્યું. આ મહેસૂલ-વધારાની ભલામણનાં કારણોમાં અનાજ અને કપાસના ભાવોમાં વધારો; ખેતીની મજૂરીના બમણા દર; શિક્ષણ તથા મદ્યનિષેધથી રાનીપરજની સ્થિતિમાં સુધારો; પાકાં મકાનો; ખેતીવાડીનાં સાધનો તેમજ ગાડાં, બળદ, ગાય, ભેંસ વગેરેમાં અને વસ્તીમાં 3,800 માણસોનો વધારો; તાપ્તી વૅલી રેલવેની સગવડ; તાલુકામાં અનેક પાકા રસ્તાઓનું નિર્માણ વગેરે જણાવવામાં આવ્યાં.

બારડોલી સત્યાગ્રહના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય સત્યાગ્રહીઓ સ્વામી આનંદ, મણિલાલ કોઠારી વગેરે

આ મહેસૂલવધારો ઘણો વધારે લાગવાથી બારડોલી તાલુકા કૉંગ્રેસ સમિતિએ તેનો રદિયો આપવા નરહરિભાઈ દ્વારકાદાસ પરીખના અધ્યક્ષપદે એક સમિતિ નીમી. સમિતિએ સરકારી હેવાલનો અભ્યાસ કરી, તાલુકામાં ફરી સેટલમેન્ટ ઑફિસરે જણાવેલી બાબતોને ખોટી પાડવાના પુરાવાઓ ભેગા કર્યા. નરહરિભાઈએ ‘નવજીવન’માં એક લેખમાળા લખીને તેમાં મહેસૂલ-વધારાનાં સરકારનાં કારણોનો સચોટ રદિયો આપ્યો.

સરકારે સેટલમેન્ટ કમિશનરની ભલામણને ધ્યાનમાં લઈ જુલાઈ 1927માં એક ઠરાવ કરીને 22 ટકા વધારો મંજૂર કર્યો. આ દરમિયાન લોકો સરકારના મહેસૂલ-મંત્રીની પાસે ધારાસભાના સભ્યો સહિતનું પ્રતિનિધિમંડળ લઈ ગયા. આ પછી સભ્યોએ સરકારને અરજીઓ કરી; આમ છતાં લોકમતની અવગણના થવાથી, રાવસાહેબ દાદુભાઈ દેસાઈના પ્રમુખપદે તાલુકાના ખેડૂતોની એક પરિષદ સપ્ટેમ્બર 1927માં બારડોલીમાં મળી. તેમાં ચર્ચાવિચારણા બાદ મહેસૂલની વધારાની રકમ નહિ ભરવાનો ઠરાવ કર્યો. તેને ધ્યાનમાં લીધા વગર સરકારે મહેસૂલના હપતા નવા દર પ્રમાણે વસૂલ કરવાના હુકમો કર્યા. તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા, તેમના ભાઈ કુંવરજી તથા તાલુકા સમિતિના મંત્રી ખુશાલભાઈ ધારાસભાના સભ્યોની સંમતિ મેળવીને અમદાવાદ જઈ વલ્લભભાઈ પટેલને મળ્યા. તેમને સાંભળ્યા બાદ વલ્લભભાઈએ કહ્યું : ‘…..એકલો વધારો નહિ, પણ આખું મહેસૂલ ન ભરવાને માટે ખેડૂતો તૈયાર હોય અને તેમ કરીને છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. તમે આખા તાલુકામાં ફરી વળો અને લોકો શું ધારે છે તે મને તમે ફરી પાછા આવીને જણાવો.’

બારડોલી આવીને તેમણે બીજા કાર્યકરો સહિત આઠ દિવસમાં અનેક ગામોમાં જઈ, લોકોનો અભિપ્રાય જાણીને, અમદાવાદ પાછા જઈ વલ્લભભાઈને ખેડૂતોની ખુવાર થવાની તૈયારીના સમાચાર આપ્યા. વલ્લભભાઈએ આવશ્યક માહિતી મેળવી, ગાંધીજીની સલાહ લીધી અને સત્યાગ્રહનું નેતૃત્વ લેવા બારડોલી ગયા. 5મી ફેબ્રુઆરી 1928ના રોજ મહેસૂલનો પ્રથમ હપતો લહેણો થતો હતો. વલ્લભભાઈએ કાર્યકર્તાઓ તથા ગામોના પ્રતિનિધિઓને બોલાવીને તેમની ખૂબ ચકાસણી કરી. ત્યારપછી ખેડૂતોની પરિષદમાં ચેતવણી આપતાં જણાવ્યું, ‘બિનજોખમી કામમાં હું હાથ નાખનારો નથી. જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ.’

વલ્લભભાઈએ વસ્તુસ્થિતિની જાણ કરતો પત્ર ગર્વનરને લખ્યો. તેમાં તેમણે મહેસૂલમાં વધારાનું ગેરવાજબીપણું દર્શાવ્યું. મહેસૂલખાતાને મોકલેલ તે પત્રનો જવાબ ન આવતાં, 12મી માર્ચ 1928ના રોજ ખેડૂતોની પરિષદ બારડોલીમાં મળી. તે અગાઉ કાર્યકરોએ ગામેગામ ફરી, એક પ્રતિજ્ઞાપત્ર ઉપર ખેડૂતોની સહીઓ લીધી. તેમાં ખેડૂતોએ આખર સુધી પોતાના નિર્ણયને વળગી રહેવાની પ્રતિજ્ઞા લીધી. પરિષદે ઠરાવ કર્યો  કે : સરકારનો મહેસૂલવધારો અયોગ્ય, અન્યાયી અને જુલમી છે. તેની નિષ્પક્ષ પંચ દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ ભરવું નહિ અને તેને લીધે પડતાં સઘળાં કષ્ટો શાંતિથી સહન કરવાં.

સત્યાગ્રહની વ્યૂહરચના : વલ્લભભાઈએ સમગ્ર ગુજરાતમાંથી લડતના મોરચા સંભાળવા માટે મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ડૉ. સુમન્ત મહેતા, ડૉ. ચંદુલાલ દેસાઈ (છોટે સરદાર), જુગતરામ દવે, બળવંતરાય મહેતા  વગેરેને બોલાવ્યા. તાલુકાના વિભાગો પાડી દરેકના વિભાગપતિ તરીકે કલ્યાણજીભાઈ, કુંવરજી મહેતા સહિત ઉપર્યુક્ત આગેવાનોને નીમવામાં આવ્યા. મુસ્લિમ ભાઈઓને માર્ગદર્શન આપવા અબ્બાસ તૈયબજી અને ઇમામસાહેબ બાવા વઝીર પણ આવ્યા.

બારડોલી સત્યાગ્રહમાં સફળતા મળ્યા બાદ વિજયોત્સવ મનાવવા બારડોલી ખાતે ઊમટી પડેલો વિરાટ માનવ-મહેરામણ

મગનભાઈ દેસાઈ, જુગતરામ દવે, ચીમનલાલ ભટ્ટ અને પ્યારેલાલને સત્યાગ્રહ પત્રિકા પ્રગટ કરવાની જવાબદારી સોંપવામાં આવી. શરૂઆતથી દરરોજ 5,000 પત્રિકાઓ વહેંચવામાં આવતી. લોકો તેને રસપૂર્વક વાંચતા. ત્રણેક માસમાં રોજની 14,000 પત્રિકાઓ જવા લાગી. આ ઉપરાંત ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ તથા દેશી અખબારો લડતને સારો સહકાર આપતાં હતાં.

ગવર્નરે 17મી ફેબ્રુઆરીએ વલ્લભભાઈ પટેલને જવાબ આપ્યો. તેમાં તેમના સહિત અનેક કાર્યકરોને ‘બહારના’ ગણી તેઓ સામે રોષ પ્રગટ કરી, મહેસૂલ–વધારાને વાજબી ગણાવ્યો. સરદારે તટસ્થ પંચ નીમવા જણાવ્યું.

સરકારે મહેસૂલ ભરી દેવાની ખેડૂતો પર નોટિસો કાઢી અને તે ન ભરાતાં જપ્તીઓ કરવા માંડી. અધિકારીઓ ભણેલા ખેડૂતોને સમજાવતા અને અભણને ધાકધમકી આપતા. સ્વયંસેવકો ગામેગામ ફરીને પ્રતિજ્ઞાપત્રો ઉપર સહીઓ લેતા અને જુસ્સો જાળવી રાખતા. મહિલાઓ સહિત તમામ ખેડૂતો ર્દઢ મનોબળ કેળવતા હતા. મીઠુબહેન, ભક્તિબહેન, ઘેલીબહેન અને સૂરજબહેને સ્ત્રીઓને નિર્ભયતાનો ઉપદેશ આપ્યો. આખા દેશમાં ‘બારડોલી દિન’ ઊજવવામાં આવ્યો. ગુજરાતનાં સેંકડો ગામે એ દિવસ ઊજવ્યો. લોકોએ ફાળા કરીને બારડોલી મોકલ્યા. ભારતના દરેક પ્રાંત સહિત ફ્રાન્સ, બેલ્જિયમ, જાપાન, ચીન, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રાહ-ફાળાની આવેલી રકમ જૂનના આખર સુધીમાં રૂપિયા બે લાખની થઈ.

મહેસૂલ વસૂલ કરવા અધિકારીઓએ ધમકી, જપ્તી તથા જુલમનો ઉપયોગ કર્યો; ત્યારે ખેડૂતોએ બહિષ્કાર, પરસ્પર સંપ અને સહિષ્ણુતાનાં સાધનો ઉપયોગમાં લીધાં. કડોદના શાહુકારોએ લડત તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ખેડૂતોએ તેમનો આકરો બહિષ્કાર કર્યો. વાલોડના વણિકોને નમાવવામાં સરકારને સરિયામ નિષ્ફળતા મળી. જપ્તીની નોટિસોની પીળી પત્રિકાઓ સરકારે ચોડાવી. ખેડૂતોનાં ઢોર જપ્તીદારોએ જપ્તીમાં લેવા માંડ્યાં. તેની વિરુદ્ધમાં લોકોએ વેઠિયાઓ પાસે જપ્તીકામ કરવા નહિ જવાના ઠરાવો કરાવ્યા. જપ્તીવાળાઓને હંફાવવાની કળામાં નિષ્ણાત મોહનલાલ પંડ્યા તથા દરબાર ગોપાળદાસ પાસે ખેડૂતો તે કળા શીખવા લાગ્યા. જપ્તી અમલદારો આવે ત્યારે તેમના આવવાની ખેડૂતોને ખબર આપવા ગામેગામ ઝાડ ઉપર ઢોલનગારાં બાંધવામાં આવ્યાં. જપ્તીનો સામનો કરવા લોકો ઘરમાં પુરાઈ રહેતા. રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, કલ્યાણજી મહેતા વગેરે આગેવાનો ગામેગામ ફરી ખેડૂતોને જુલમનો હિંમતપૂર્વક સામનો કરવા સમજાવતા. ગાંધીજી ‘નવજીવન’માં લેખો લખી ઉત્તેજન તથા માર્ગદર્શન આપવા લાગ્યા. જપ્તી આવે ત્યારે મહિલાઓ, બાળકો ઘરમાં ભરાઈ રહેતાં અને પુરુષો ખેતરોમાં ચાલ્યા જતા. ગામઠી ઉપમાઓ સહિતનાં વલ્લભભાઈનાં ભાષણો ખેડૂતો રસપૂર્વક સાંભળતા. હૃદયમાં સોંસરી પેસી જાય એવી તળપદી ભાષામાં વલ્લભભાઈ તેમને પ્રોત્સાહિત કરતા. તેમણે લોકોને સરકારના અન્યાય સામે લડતાં, જુલમનો વિરોધ કરતાં તથા સરકારનો ડર ન રાખવા શીખવ્યું.

અધિકારીઓ જપ્તીમાં ભેંસોને લઈ જવા માંડ્યા. જપ્તી માટે મુંબઈથી પઠાણોને પણ બોલાવ્યા. જમીન ખાલસા કરવાની અસંખ્ય નોટિસો આપવામાં આવી. સરકારે પંચનામાં કર્યા વિના જપ્તીઓ કરી, લિલામ કર્યા વિના સેંકડોના માલ પાણીના મૂલે વેચ્યા. તેમને વેઠિયા, ગાડાવાળા તથા જપ્ત કરેલો માલ ખરીદનારા મળતા નહિ. તોપ, બંદૂક અને દારૂગોળાનો દમામ રાખનારી સરકાર ઢોલનગારાંથી ડરી ગઈ. વાલોડના વણિકો, બારડોલીના ઇસ્માઇલ સહિત અનેક ખેડૂતોની હજારો એકર જમીન ખાલસા કરવાની જાહેરાત કરવામાં આવી.

રવિશંકર મહારાજ, શિવાનંદજી, રામભાઈ મોરારભાઈ, ડાહ્યાભાઈ માવજી, ચૂનીલાલ રામજી, સન્મુખલાલ શાહ વગેરેને જેલની સજા કરવામાં આવી. બારડોલીની વીરાંગનાઓ જેલમાં જતા પતિને કે પુત્રને પ્રસન્નતાથી વળાવતી. સરકારના જુલમોએ મર્યાદા ઓળંગી ત્યારે બારડોલી તાલુકાના 63 પટેલો અને 19 તલાટીઓએ રાજીનામાં આપ્યાં. કનૈયાલાલ મુનશી, કે. એફ. નરીમાન સહિત કેટલાક ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. મુનશીએ એક તપાસ સમિતિ નીમી, બારડોલી તાલુકાનાં 126 સાક્ષીઓ તપાસી સરકારનાં દમન, જપ્તી, હરાજી, અન્યાયો વગેરે આલેખતો હેવાલ પ્રસિદ્ધ કરી સરકારને પત્ર દ્વારા જાણ કરી. કેટલાક દેશનેતાઓએ બારડોલી સત્યાગ્રહને રાષ્ટ્રીય સ્વરૂપ આપવા આગ્રહ કર્યો, પરંતુ મહાત્મા અને વલ્લભભાઈએ તેનો સ્વીકાર ન કર્યો.

મુંબઈ સરકારે વલ્લભભાઈ પટેલ સહિત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી; તાત્કાલિક મહેસૂલ ભરી ચળવળ બંધ કરવાની શરત મૂકી. ત્યારપછી ફેરતપાસ કરવા સરકાર તૈયાર થાય એમ જણાવ્યું. તેના જવાબમાં વલ્લભભાઈએ સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવા, ખાલસા જમીનો માલિકોને પાછી આપવા, બરતરફી પાછી ખેંચવા તથા તટસ્થ  પંચ દ્વારા મહેસૂલ-વધારાની તપાસ કરવાની માગણી કરી. સરકારે એ માગણી ન સ્વીકારી. મુંબઈ ઇલાકાના ગવર્નરે ધારાસભામાં ભાષણ કરી, સૂરત જિલ્લાના પ્રતિનિધિઓ 14 દિવસમાં સરકારની શરતો નહિ સ્વીકારે તો ભયંકર પરિણામો આવશે એવી ધમકી આપી. વલ્લભભાઈએ ગવર્નરની ધમકીથી ડરી ન જતાં, સત્યાગ્રહ ચાલુ રાખવાનો ખેડૂતોને આદેશ આપ્યો. સરદારની ધરપકડ થશે એવી અફવા ફેલાવાથી એમનું સ્થાન સંભાળવા ગાંધીજી બારડોલી ગયા.

આ દરમિયાન ગર્વનરની કાઉન્સિલના સભ્ય સર ચૂનીલાલ સેતલવાડે વલ્લભભાઈ, ક. મા. મુનશી, મહાદેવ દેસાઈ વગેરે સાથે સમાધાન માટે વાટાઘાટ કરી. તેમણે આખરે એક ખરડો તૈયાર કરી તેના ઉપર સૂરતના પ્રતિનિધિઓની સહી કરાવી સરકારને આપ્યો. ખરડામાં રજૂ કરેલી શરતો સરકારે સ્વીકારી, જે આ પ્રમાણે હતી : સત્યાગ્રહી કેદીઓને છોડી દેવામાં આવશે. મહેસૂલ-વધારાની તપાસ કરવા સમિતિ નીમવામાં આવશે. પટેલ-તલાટીઓને પાછા નોકરી પર લેવામાં આવશે તથા જપ્ત કરેલી જમીન અને મિલકતો પાછી સોંપવામાં આવશે. આ સમાધાનથી બારડોલી સત્યાગ્રહનો અંત આવ્યો.

સરકારે ન્યાયખાતાના બ્રુમફીલ્ડ અને કારોબારીના મૅક્સવેલને તપાસપંચમાં નીમ્યા. સંપૂર્ણ અભ્યાસ બાદ પંચે જાહેર કર્યું કે મહેસૂલનો વધારો 63 ટકાથી વધારે કરવો ન જોઈએ. સમાધાનની શરતોનો અમલ કરવામાં આવ્યો. આ લડતમાં બારડોલી તાલુકાના ખેડૂતો તથા વલ્લભભાઈનો વિજય થયો. તેમને દેશના સર્વમાન્ય નેતા તરીકેનું સ્થાન અને ‘સરદાર’નું બિરુદ મળ્યાં.

આ લડતમાં 151 જેટલા કાર્યકરો તથા 1,500 સ્વયંસેવકોએ સત્યાગ્રહની જવાબદારી સંભાળી હતી. લડત દરમિયાન 28 કાર્યકરોને ધરપકડ કરી જેલમાં પૂર્યા, 16 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં, 126 જપ્તીઓ થઈ, 6 હજારથી વધુ નોટિસો કાઢવામાં આવી તથા 16 હજારથી વધારે ભેંસોની જપ્તી કરવામાં આવી હતી. કુલ 122 પટેલોમાંથી 84 જણાએ તથા કુલ 45 તલાટીઓમાંથી 19 જણાએ રાજીનામાં આપ્યાં હતાં. બારડોલીના ખેડૂતો સરકારના જુલમો સામે મક્કમ રહ્યા અને સરકારને આયોજનપૂર્વકની, શિસ્તબદ્ધ, સામુદાયિક લડતની તાકાતની પ્રતીતિ કરાવી. આ લડતે લોકોમાં અહિંસક સત્યાગ્રહ દ્વારા સ્વરાજ્યપ્રાપ્તિ માટેની આત્મશ્રદ્ધા જાગ્રત કરી.

જયકુમાર ર. શુકલ