બારડોલી : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : બારડોલી 21° 05´ ઉ. અ. અને 73° 90´ પૂ. રે. પર આવેલું છે અને તાલુકો તેની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે માંડવી, પૂર્વમાં વાલોદ, દક્ષિણે મહુવા તાલુકાઓ, નૈર્ઋત્યમાં વલસાડ જિલ્લાની સીમા, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં પલસાણા તથા વાયવ્યમાં કામરેજ તાલુકાઓ આવેલા છે. બારડોલી પાસેથી મીંઢોળા નદી વહે છે. આ પ્રદેશ નદીના ખીણ ભાગમાં આવેલો હોવાથી અહીંની જમીન કાળી કાંપવાળી છે. જમીન ફળદ્રૂપ હોવાથી ખેતી અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. ડાંગર, કપાસ અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ઉકાઈ યોજનાના જળનો લાભ મળતો હોવાથી ખેતીના ઉત્પાદનમાં વધારો થઈ શક્યો છે. અહીં જિનિંગ-પ્રેસિંગ મિલો, તેલની મિલો તથા ખાંડનું કારખાનું આવેલાં છે. આ ઉપરાંત અહીં ખેતી સાથે સંકળાયેલી સહકારી મંડળીઓ આવેલી છે.
સૂરત અને નંદરબારને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ તેમજ રાજ્ય અને જિલ્લાનાં અનેક મથકોને સાંકળતો રાજ્ય ધોરી માર્ગ પણ અહીંથી પસાર થાય છે. અહીં પ્રાથમિક કક્ષાથી માંડીને કૉલેજ-કક્ષા સુધીની શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ તાલુકામાં મહેસૂલવધારા સામે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. આ સંગ્રામના સંચાલનની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી. આ લડત સફળ થવાથી હરખઘેલી પ્રજાએ વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ આપેલું. અહીંના તેમના નિવાસસ્થાનનું ‘સરદાર સ્વરાજ આશ્રમ’માં રૂપાંતર કરવામાં આવેલું છે.
નીતિન કોઠારી