બાર કાઉન્સિલ : ભારતમાં ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) મુજબ રચાયેલ વકીલમંડળ. તે વિધિજ્ઞ પરિષદ (કાયદાશાસ્ત્રને લગતી સંસ્થા) નામથી પણ ઓળખાય છે. ભારતમાં સમગ્ર દેશ માટે એક વકીલમંડળ છે, જેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં છે. તે ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961 ક. 2(ઈ) હેઠળ સ્થાપવામાં આવ્યું છે. ભારતના એટર્ની જનરલ અને સૉલિસિટર જનરલ તેના પદસ્થ (ex-officio) સભ્યો હોય છે. તેના ચૅરમૅન અને વાઇસ-ચૅરમૅન ચૂંટણી દ્વારા નીમવામાં આવે છે. તે ઉપરાંત, દરેક રાજ્યદીઠ અલાયદાં વકીલમંડળો પણ હોય છે જે ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) હસ્તક સ્થાપન કરેલાં હોય છે. આ બધી સંસ્થાઓનું મુખ્ય કાર્ય વકીલોનો વ્યવસાય કરનારાઓનાં હિતો અને કાયદાકીય અધિકારોનું રક્ષણ તથા સંવર્ધન કરવાનું હોય છે. દરેક બાર કાઉન્સિલને સંગઠનનો દરજ્જો આપવામાં આવે છે. દરેક બાર કાઉન્સિલને મિલકત પ્રાપ્ત કરવાનો તથા તેની માલિકી ધરાવવાનો અધિકાર હોય છે.

તેના પદાધિકારીઓ તથા કારોબારીના સભ્યો લોકશાહી ઢબે, ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવે છે. તેનું પોતાનું બંધારણ હોય છે જેના નિર્દેશો મુજબ તેનું કામકાજ ચલાવવામાં આવે છે. દરેક રાજ્યના બાર કાઉન્સિલના ચૅરમૅન અને વાઇસ-ચૅરમૅન ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવે છે. મોટા ભાગની રાજ્ય બાર કાઉન્સિલમાં વીસ જેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે. રાજ્ય બાર કાઉન્સિલને સભ્યોની નોંધણી કરવાની તથા સભ્યો વચ્ચે શિસ્તપાલન કરાવવાની સત્તા હોય છે. સભ્યોના અધિકારોનું રક્ષણ કરવા ઉપરાંત અસીલોના અધિકારોનું રક્ષણ કરવાની ફરજ પણ બાર કાઉન્સિલની હોય છે.

રાજ્ય બાર કાઉન્સિલને મુખ્યત્વે સાત પ્રકારનાં કાર્યો કરવાનાં હોય છે : (1) જે વકીલો અધિકૃત રીતે વકાલતનો વ્યવસાય કરતા હોય છે તેમને સભ્યપદ બહાલ કરવું. (2) પોતાના સભ્યોની યાદી રાખવી. (3) જે વકીલો ગેરવર્તનમાં સંડોવાયેલા હોય તેમની સામે જરૂરી પગલાં લેવાં. (4) વકીલોના અધિકારો, વિશેષ અધિકારો (privilages) તથા હિતોનું રક્ષણ કરવું. (5) દેશના કાયદાકાનૂનોમાં સુધારાવધારાને પ્રોત્સાહન તથા ટેકો આપવો. (6) ગરીબ અસીલોને આર્થિક સહાય આપવી અને (7) કાયદાશાસ્ત્રના અભ્યાસક્રમો ચલાવતી યુનિવર્સિટીઓનું નિરીક્ષણ કરવું.

નૈતિક અને વ્યાવસાયિક માનદંડોનું જતન અને સંવર્ધન કરવું એ બાર કાઉન્સિલની એક મહત્ત્વની ફરજ ગણવામાં આવે છે.

બાર કાઉન્સિલ પોતાના ભંડોળમાંથી કોઈ પણ રાજકીય પક્ષને કે રાજકીય હેતુ માટે નાણાં ફાળવી શકશે નહિ.

બાર કાઉન્સિલ ઑવ ઇન્ડિયાનાં મુખ્ય કાર્યો અને ફરજો : (1) વકીલો માટે વ્યાવસાયિક ધારાધોરણો અને માનકો નિર્ધારિત કરવાં. (2) શિસ્ત જાળવી રાખવાની જવાબદારી વહન કરનાર સમિતિની કાર્યવિધિ (procedure) નક્કી કરવી. (3) વકીલોના અધિકારો, વિશેષાધિકારો અને હિતોનું રક્ષણ અને સંવર્ધન કરવું. (4) દેશના કાયદાકાનૂનમાં સુધારાવધારાને પ્રોત્સાહન અને ટેકો આપવો. (5) રાજ્ય બાર કાઉન્સિલની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. (6) દેશમાં કાયદાશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનને પ્રોત્સાહન આપવું અને તે માટેનાં ધારાધોરણો નક્કી કરવાં. (7) કાયદાશાસ્ત્રના અભ્યાસક્રમો ચલાવતી યુનિવર્સિટીઓને માન્યતા આપવી. (8) ગરીબ અસીલો માટે આર્થિક સહાયનું આયોજન કરવું. (9) આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્યપદ સ્વીકારવું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે