બાયર, ઍડૉલ્ફ ફૉન (જ. 31 ઑક્ટોબર 1835, બર્લિન; અ. 20 ઑગસ્ટ 1917, સ્ટનબર્ગ) : જર્મન કાર્બનિક રસાયણવિદ્, ચિરપ્રતિષ્ઠિત કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત. પ્રુશિયન આર્મીના જનરલના પુત્ર. બાયરે બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ એક નવો પદાર્થ બનાવ્યો, જે સુંદર વાદળી રંગનો સ્ફટિકમય કાર્બોનેટ [CuNa2(CO3)2·3H2O]  હતો. તેમણે તેમની તેરમી વર્ષગાંઠ ઇન્ડિગો નામનો રંગક ખરીદીને ઊજવેલી.

1856માં તેમની લશ્કરી સેવાઓ પૂરી કરીને બાયર જર્મનીના હાઇડલબર્ગમાં આવેલી બુન્સેનની સુપ્રસિદ્ધ પ્રયોગશાળામાં રસાયણનો અભ્યાસ કરવા જોડાયા. બુન્સેને કાર્બનિક રસાયણ-સંશોધન બંધ કરતાં બાયર કેક્યૂલે સાથે તેના પ્રથમ સંશોધનવિદ્યાર્થી તરીકે જોડાયા. બર્લિનની નાની ટૅકનિકલ કૉલેજમાં બાર વર્ષ ભણાવતાં ભણાવતાં તેમણે તેમનું સ્વતંત્ર સંશોધન શરૂ કરેલું. ત્યાંથી તેઓ સ્ટ્રાસબર્ગ અને અંતે મ્યુનિખમાં જોડાયા, જ્યાં તેમણે 40 વરસ સુધી કામ કર્યું.

ઍડૉલ્ફ ફૉન બાયર

બાયરને પદાર્થોનાં બંધારણ તથા પ્રક્રિયાઓ જાણવા અંગે ખૂબ ઉત્કંઠા હતી. સંશોધન દરમિયાન સિદ્ધાંતોને એક માર્ગદર્શક સાધન તરીકે વાપરીને તેમણે પ્રયોગો વિકસાવ્યા. જેમ બને તેમ સાદાં સાધનો વાપરવાના તેઓ આગ્રહી હતા. તેમના સમયના તેઓ એક ઉત્તમ કાર્બનિક રસાયણવિદ્ હતા. ગળી(ઇન્ડિગો)નું બંધારણ તથા સંશ્લેષણ – એ તેમની એક મોટી સિદ્ધિ ગણાય છે. યુરિક ઍસિડ ઉપર અભ્યાસ કરતાં તેમણે પ્યુરાઇન-સમૂહનાં સંયોજનો બનાવ્યાં, જેમાં બાર્બિટ્યુરેટ્સ જેવાં ઔષધો પણ હતાં. (બાર્બિટ્યુરિક ઍસિડ નામ તેમની સ્ત્રીમિત્ર બાર્બરાના નામ ઉપરથી પ્રચલિત થયું છે.) આ ઉપરાંત હાઇડ્રેઝોબેન્ઝિન, ટર્પિન્સ તથા પૉલિઆલ્કાઇન્સ ઉપર પણ તેમણે સંશોધન કર્યું. આ સંશોધન દરમિયાન તેમણે તણાવસિદ્ધાંત (strain-theory) વિકસાવ્યો. કાર્બચક્રીય (carbocyclic) સંયોજનોના સાપેક્ષ સ્થાયિત્વ અંગેનો આ સિદ્ધાંત ખૂબ વ્યાપક રીતે જાણીતો છે. ભુલકણા સ્વભાવના પ્રો. બાયર વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય હતા. કાર્બનિક રંગકો અને હાઇડ્રોઍરોમૅટિક સંયોજનો ઉપરના સંશોધન દ્વારા કાર્બનિક રસાયણ અને રાસાયણિક ઉદ્યોગના વિકાસ અંગેની તેમની સેવાઓ બદલ તેમને 1905ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

જ. પો. ત્રિવેદી